Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વકીલ દિવ્યેશ મહેતાની રીમાન્ડ રદઃ જામીન અરજી રદ કરવા પોલીસનું સોગંદનામુ

મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી ઉપરના દુષ્કર્મ-આપઘાતની ચકચારી લવ જેહાદના કિસ્સામાં : મુળ ફરીયાદીના વકીલ દ્વારા પણ વકીલની જામીન અરજી રદ કરવા અરજીઃ બપોરે સુનાવણી પુરી, બપોર બાદ ચુકાદોઃ ફરીયાદી, સરકાર પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે ત્રિકોણીયો કાનુની જંગ મંડાયોઃ મરનારની સ્યુસાઇડ નોટ ઉપર દલીલોનો મુખ્ય આધાર...

રાજકોટ તા. ૭ :.. મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી ઉપરના ચકચારી અપહરણ - દુષ્કર્મના લવ જેહાદના ચકચારી મામલામાં યુવતિને ૧૦ વર્ષની સજા કરાવવાની ધમકી આપવા અંગે પકડાયેલા એડવોકેટ દિવ્યેશ રાજેશ મહેતાની ત્રણ દિવસની રીમાન્ડ મેળવવા પોલીસ દ્વારા થયેલ રીમાન્ડ અરજીને અદાલતે રદ કરી હતી.

બીજી બાજુ જેલ હવાલે થયેલા વકીલ દિવ્યેશ મહેતાએ જામીન પર છૂટવા અત્રેની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને રદ કરવા આ કેસના મુળ ફરીયાદી પ્રેમજીભાઇ દેવજીભાઇ ખોખર વતી અમદાવાદના એડવોકેટ કે. પી. પટેલ જામીન અરજી રદ કરવા વાંધા અરજી કરતાં આ પ્રકરણમાં ગરમાવો આવ્યો છે. બીજી બાજુ રાજકોટના વકીલો દ્વારા આરોપી એડવોકેટ દિવ્યેશ મહેતાને જામીન પર છોડવા કાર્યવાહી થઇ રહી છે. આ જામીન અરજીની સુનાવણી થઇ જતાં બપોર બાદ કોર્ટે ચુકાદો રાખેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, અત્રે દૂધસાગર રોડ ઉપર આવેલ લાખાજીરાજ સોસાયટીમાં ફારૂકી મસ્જીદ પાસે રહેતો આરોપી જમીદત બસીરભાઇ સોલંકી મુળ બોટાદના પાળીયાદ ગામે રહેતા અને હાલમાં રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે રહેતા ફરીયાદી પ્રેમજીભાઇ ખોખરે ફરીયાદ નોંધાવી  હતી જેમાં પોતાની પુત્રીને આપઘાતની ફરજ પાડવા ઉપરાંત અપરણ-બળાત્કારની કલમો લગાવવામાં આવી છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે હાલના આરોપી વકીલ દિવ્યેશ મહેતા વિરૂધ્ધ મરનાર ફરીયાદીની પુત્રીને પોતે કહે તે મુજબ જો નિવેદન નહિ આપે તો ૧૦ વર્ષની સજા સજા કરાવવાની ધમકી આપે તે પ્રકારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનું મરનારે સ્યુસાઇડ નોટમાં જણાવતાં પોલીસે આ કારણસર વકીલ દિવ્યેશ મહેતાની ધરપકડ કરીને રીમાન્ડ માંગી હતી. જે અરજીના સંદર્ભે એડવોકેટ બકુલભાઇ રાજાણી અને તુષાર વસલાણીએ કરેલ દલીલોને ધ્યાને લઇને કોર્ટે પોલીસની રીમાન્ડ અરજી રદ કરી વકીલને જેલ હવાલે કરતાં દિવ્યેશ મહેતાએ જામીન પર છૂટવા અરજી કરી છે.

આ જામીન અરજીને રદ કરવા મુળ ફરીયાદીના એડવોકેટ કે. પી. પટેલે અરજી રદ કરવા અરજી કરી છે. બીજી બાજુ સરકારી વકીલે લવ જેહાદનું સંચાલન પાછળ પાકિસ્તાનનું ષડયંત્ર પણ હોઇ શકે તેવું પત્રકારોને જણાવ્યું હતું.

ફરીયાદીના વકીલની રજૂઆત બાદ  આજે સવારે જામીન અરજીની સુનાવણી નીકળતાં કોર્ટે બે કલાકનો સમય આપતાં આ લખાય છે. ત્યારે બપોરના બે વાગ્યે  જામીન અરજીની સુનાવણી શરૂ થયેલ જે પુરી થતા બપોરના ૩.૩૦ કલાકે ચુકાદો અપાશે તેમ જાણવા મળે છે.

દરમિયાન સરકારી વકીલ સમીર ખીરાએ તપાસનીશ અધિકારીનું સોગંદનામું કોર્ટમાં રજૂઆત કરી જણાવેલ કે, આરોપીની સંડોવણી જણાઇ છે. સ્વતંત્ર સાહેદોના નિવેદનો છે. તપાસ ચાલુ છે. સ્યુસાઇડ નોટમાં વકીલ શબ્દનો ઉલ્લેખ છે. આ રજૂઆતના સમર્થનમાં ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ મથકના પી. એસ. આઇ. શ્રી એચ. જે. બરવાડીયાએ એફીડેવીટ રજૂ કરીને વકીલની જામીન અરજી રદ કરવા જણાવ્યું છે. આ કામમાં આરોપી વકીલ વતી એડવોકેટ બકુલભાઇ રાજાણી, તુષાર વસલાણી, રોહિત ઘીયા રોકાયા છે. ફરીયાદી વતી કે. પી. પટેલ તથા સરકાર પક્ષે એ. પી. પી. સમીરભાઇ ખીરા રોકાયા છે.

(3:46 pm IST)