Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

RMCએ શહેરનાં રોડ-રસ્તા મરામત માટે સરકાર પાસે ૫૧ કરોડ માંગ્યા

વરસાદ અને ડી.આઇ.પાઇપ લાઇન, વીજ તંત્રની કામગીરીમાં નુકશાન થયેલ રોડ રીપેરીંગની સહાય માટે પુર્વ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતોઃ શહેરનાં રસ્તાઓ દિવાળી સુધીમાં ટનાટન થશેઃ સ્ટે. ચેરમેન ઉદય કાનગડે આશા વ્યકત કરી

રાજકોટ, તા. ૭ :. શહેરમાં ભારે વરસાદ અને ડી.આઈ. પાઈપલાઈન, વિજતંત્રની કામગીરીમાં નુકશાન થયેલ રોડ રીપેરીંગમાં રૂ. ૫૧ કરોડની સહાય માટે પૂર્વ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ મુખ્યમંત્રી વિજયભાઈને પત્ર પાઠવ્યો હતો. આ પત્ર બાદ શ્રી વિજયભાઈએ રાજકોટ સહિત રાજ્યની સમગ્ર મહાનગરપાલિકા પાસે નુકશાન થયેલ રોડ-રસ્તાઓ રીપેર કરવા એસ્ટીમેન્ટ મંગાવ્યુ છે. શહેરના રસ્તાઓ દિવાળી સુધીમાં ટનાટન કરવા સ્ટે. ચેરમેન ઉદય કાનગડે આશા વ્યકત કરી હતી.

આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, આ વર્ષે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડયો છે. જેના કારણે રોડ-રસ્તાઓમાં ખાડાઓ પડયા છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં થયેલ ડીઆઈ પાઈપલાઈન, વિજતંત્રના કેબલની કામગીરી માટે ખોદકામ કરવામાં આવેલ છે. આ રસ્તાઓ રીપેર કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ પાસેથી નુકશાન થયેલ રોડ-રસ્તાઓની વિગતો મંગાવવામાં આવી છે.

વધુમાં શ્રી કાનગડે જણાવ્યુ હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સર્વે મુજબ સેન્ટ્રલ ઝોનમાં ૨૩.૧૩ કરોડ, વેસ્ટ ઝોનમાં ૧૯.૭૭ કરોડ તથા ઈસ્ટ ઝોનમાં ૮.૭૧ કરોડ સહિત ૫૧ કરોડનુ નુકશાન થયુ છે. જેનુ એસ્ટીમેન્ટ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવેલ છે. ચોમાસા બાદ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવાની આશા વ્યકત કરી હતી.

અંતમાં તેઓએ જણાવ્યુ હતુ કે, શહેરીજનોને દિવાળી સુધીમાં સારામાં સારા રસ્તાઓ મળશે.

કોંગ્રેસના કાર્યક્રમો લીંબડજશ ખાટવાના...: ઉદય કાનગડ

રાજકોટઃ શહેરમા રોડ-રસ્તા, આરોગ્ય પ્રશ્ને આજે વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર દ્વારા મ્યુ. કોર્પોરેશનને ૫૦ કરોડનો જનતા મેમો આપી આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ માત્ર ખોટા લીંબડજશ ખાટવા માટે કરવામાં આવે છે.

(3:38 pm IST)