Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

દુષ્કાળમાં અધિક માસઃ જિલ્લા પંચાયતના ૫૦થી વધુ કર્મચારીઓને ચૂંટણી પંચની કામગીરી સુપ્રત

બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવવા જાય તો પંચાયતના કામ ખોરંભે પડવાની રજૂઆત

રાજકોટ, તા. ૭ :. જિલ્લા પંચાયતના વર્ગ-૩ના ૫૦થી વધુ કર્મચારીઓને ચૂંટણી પંચની મતદાર યાદી સંબંધી કામગીરીમાં બી.એલ.ઓ. તરીકે જોડી દેવાયા છે. પંચાયતમાંથી આટલી મોટી સંખ્યામાં પ્રથમ વખત કર્મચારીઓને આવી ફરજ સોંપવામાં આવી છે. લાંબા ગાળાની આ કામગીરી કરવા જતા પંચાયતની રોજીંદી કામગીરી પર અસર પડશે. પંચાયતમાં જરૂરીયાત કરતા ખૂબ ઓછો સ્ટાફ છે. તેમા પણ ચૂંટણીલક્ષી ફરજ સોંપાતા દુષ્કાળમા અધિક માસ જેવી સ્થિતિ થઈ છે.

જિલ્લા પંચાયત કર્મચારી સંઘે ડીડીઓને આવેદન આપી રજૂઆત કરી છે કે, બી.એલ.ઓ.ની કામગીરી માટે પંચાયતના ૫૦થી વધુ કર્મચારીઓના હુકમ થયા છે. પંચાયતની તમામ શાખાઓમાં ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. અનેક કર્મચારીઓ પાસે એકથી વધુ ચાર્જ છે. કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, સિંચાઈ, બાંધકામ વગેરે પ્રજાલક્ષી કામો કરવાના હોય છે. તાજેતરમાં કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ ફરજ પર હાજર રહી કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ કરેલ છે. આવા સંજોગોમાં બી.એલ.ઓ. તરીકે કામગીરી કરવા જતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાલક્ષી કામગીરીમાં વિક્ષેપ પડશે તેમજ વધુ પડતી કામગીરીને કારણે કર્મચારીઓના આરોગ્ય પર અસર પડવાની શકયતા છે. બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી જિલ્લા પંચાયતના કર્મચારીઓને મુકિત આપવા માંગણી છે.

(3:37 pm IST)