Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં થોડો ફાયદો થશે

બંગાળની ખાડીની સિસ્ટમ્સની અસરથી પૂર્વ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ એમ.પી.માં મુખ્ય વરસાદ : એમ.પી.ને લાગુ ગુજરાતના બોર્ડરના વિસ્તારો અને રાજસ્થાનને લાગુ બોર્ડરના વિસ્તારોમાં હળવા ઝાપટાથી કયાંક મધ્યમ વરસાદની સંભાવના : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૭ : સૌરાષ્ટ્રના અમુક સ્થળોને બાદ કરતા મેઘરાજા હજુ અનેક જગ્યાએ મન મૂકીને વરસ્યા નથી. ત્યારે આગામી ત્રણેક દિવસ સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં થોડો ફાયદો થાય તેવી સંભાવના છે. જયારે રાજસ્થાન અને એમ.પી.ને લાગુ ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં ઝાપટા, હળવો અને કયાંક મધ્યમ વરસાદની સંભાવના વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વ્યકત કરી છે.

તેઓએ જણાવેલ કે બંગાળની ખાડીની સિસ્ટમ્સ હાલ નોર્થ છત્તીસગઢ ઉપર છે અને આવતીકાલ સાંજ સુધીમાં નબળુ પડી લોપ્રેસરમાં પરિવર્તિત થઈ જશે. જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ નોર્થ એમ.પી. આસપાસ પહોંચશે. જયાં ૯મી સુધીમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન બની જશે.

જયારે ચોમાસુ ધરી હાલ નોર્મલથી ઉત્તર તરફ છે. જે ફિરોઝપુર (પંજાબ), સિતાવા, અલ્હાબાદથી ડિપ્રેશન સેન્ટર સુધી અને ત્યાંથી બાલાસોર અને ત્યાંથી ઉત્તર - પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. એક ઉપલા લેવલનું ટ્રફ દોઢથી બે કિ.મી.ના લેવલથી આ સિસ્ટમ્સથી પંજાબ સુધી લંબાય છે. એક સામાન્ય અપરએર સાયકલોનીક સરકયુલેશન ગુજરાત આસપાસ છે.

પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પશ્ચિમ એમ.પી. સુધી મુખ્ય વરસાદ પહોંચશે. જેના અનુસંધાને રાજસ્થાન, એમ.પી., ઉત્તર અને મધ્ય ગુજરાતને લાગુ બોર્ડર વિસ્તારમાં તા.૮ થી ૧૧ દરમિયાન ઝાપટા, હળવો અને કયાંક મધ્યમ વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્રના સિમીત વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ પડશે.

(4:41 pm IST)