Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કોળી પરિણીતાને પતિએ કહ્યું- તું ગળાફાંસો ખા, હું શુટીંગ ઉતારું!

દહેજ બાબતે પણ પતિ-સાસરિયાનો ત્રાસઃ ૭ જણા સામે મહિલા પોલીસમાં ફરિયાદઃ માવતરેથી ૫૦ હજાર લાવવા દબાણઃ પતિ અવાર-નવાર એકલી મુકીને જતો રહેતો

રાજકોટ તા. ૭: વાંકાનેરના ખખાણા ગામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ માર્કેટ યાર્ડ પાસે શિવનગર-૨માં રહેતી રમાબેન સુરેશભાઇ ગોધાણી (ઉ.૨૫) નામની કોળી પરિણીતાએ પતિ-સાસરિયા વિરૂધ્ધ દહેજધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે. નાની-નાની વાતે બધાએ એક સંપ કરી ગાળો દઇ મારકુટ કરી તેમજ માવતરેથી પૈસા લઇ આવવાનું કહી ત્રાસ ગુજારાયાનો આરોપ મુકાયો છે.

મહિલા પોલીસ મથકના હેડકોન્સ. ગીતાબેન પંડ્યાએ રમાબેનની ફરિયાદ પરથી ખખાણા ગામે રહેતાં તેના પતિ સુરેશ વાલજીભાઇ ગોધાણી, સાસુ સજુબેન, સસરા વાલજીભાઇ, જેઠ નરેશભાઇ, જેઠ પિયુષભાઇ, દિયર વાલજીભાઇ અને ખીજડીયા રહેતી નણંદ ભાવનાબેન શૈલેષભાઇ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

રમાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન છ વર્ષ પહેલા સુરેશ ગોધાણી સાથે થયા છે અને સંતાનમાં એક દિકરી યશ્વી (ઉ.૪) છે. લગ્ન બાદ તેણી ત્રણેક માસ ખખાણા રહી હતી. પછી પતિને રાજકોટમાં ધંધો કરવાનો હોઇ બંને રાજકોટ રહેવા આવ્યા હતાં. અહિ પાંચેક દિવસ સરખી રીતે રાખ્યા બાદ પતિએ સાસુ-સસરા સહિતની ચઢામણીથી મારકુટ શરૂ કરી હતી. પતિએ માવતરેથી ૫૦ હજાર રૂપિયા લઇ આવવા પણ દબાણ શરૂ કર્યુ હતું. પતિ અવાર-નવાર પોતાને અને દિકરીને એકલા મુકીને જતો રહેતો હતો. વડિલો સમાધાન કરાવતાં હોઇ ફરી સાથે રહેતો હતો. આ રીતે સતત ત્રાસ અપાતો હતો. છેલ્લે ૨૪/૭ના રોજ પતિએ ઝઘડો કરી તું ગળફાંસો ખાઇ લે હું તારું શુટીંગ ઉતારીશ તેમ કહી મુકીને જતો રહ્યો હતો. એ પછી આજથી આઠેક દિવસ પહેલા સસરા-જેઠે આવીને કહી દીધુ ંહતું કે તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહેજે, સુરેશ હવે પાછો આવશે નહિ.  અંતે ફરિયાદ કરવી પડી છે.

પોલીસે આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)