Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ચોરાયેલા-ખોવાયેલા પોણા બે કરોડના મોબાઇલ ફોન સાયબર સેલે શોધી કાઢયા

માત્ર ૮ માસમાં ૧૩પ૦ મોબાઇલ રીકવર કરી પ્રજાને પરત આપ્યાઃ સાયબર સેલના પીઆઇ એન.એન.ઝાલા અને ટીમની પીઠ થાબડતા : પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલઃ આઇએમઇઆઇ સર્ચની મહત્વની કામગીરીમાં મદદરૂપ થનાર સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનું પણ અભિવાદન : મોબાઇલ ચોરાઉ હોવાનું નહિ જાણતા ખરીદદારોને સાયબર સેલ પરેશાન થવા દેતો નથી

રાજકોટ, તા., ૭: રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે કાર્યરત સાયબર સેલ દ્વારા માત્ર ૮ મહિનાના ટુંકા ગાળામાં ચોરાયેલા-ખોવાયેલા ૧૩૪૯ મોબાઇલ શોધી કાઢી તેના માલીકને પરત આપવામાં આવ્યા હતા. આઇએમઇઆઇ સર્ચના આધારે મોબાઇલ એકટીવ થતાની સાથે જ પોલીસ એલર્ટ બની ખોવાયેલા-ચોરાયેલા મોબાઇલ જે વ્યકિતના કબ્જામાં હોય તેને શોધી કાઢી મોબાઇલ રિકવર કરે છે. વર્ષભરમાં આવતી સંખ્યાબંધ ફરીયાદોનું નિરાકરણ કરનાર સાયબલ સેલના પીઆઇ એન.એન.ઝાલા અને તેમની ટીમને પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવા ઉપરાંત સર્વિસ પ્રોવાઇડર કંપની વોડાફોન, જીયો, એરટેલ, આઇડીયાના નોડલ ઓફીસરોનું પણ અભિવાદન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશ્નર અગ્રવાલ દ્વારા માહીતી આપવામાં આવી હતી. તા.૧-૧-ર૦૧૮ થી તા.૩૧-૮-ર૦૧૮ સુધીમાં ૧૩૪૯ મોબાઇલ ફોન જેની કિંમત ૧ કરોડ ૭૬ લાખ ૭૪ હજાર ૮૭૦ રૂપીયા થાય છે તે તેના મૂળ માલીકને પરત આપવામાં આવ્યા હતા. આ અગાઉ ર૦૧૬ના ૬ માસમાં ૯૭૬ તથા ર૦૧૭ના વર્ષમાં ૧૧૮૮ મોબાઇલ અને ર૦૧૬ થી ઓગષ્ટ ર૦૧૮ દરમિયાન ૩પ૧૩ મોબાઇલ (કિંમત ૪,૪૧,ર૪,૮૭૦) શોધી કાઢવામાં આવ્યા હતા. મેળા દરમિયાન જાગૃત નાગરીક ભાવીન રમેશભાઇ સોલંકીનો મોબાઇલ ચોરી થયો હતો. તેણે અન્ય મોબાઇલ પરથી મોબાઇલ પર કોલ કરતા ચોરી કરનાર શખ્સ પાસે મોબાઇલમાં રીંગ વાગતા તેને ઝડપી લઇ પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. પ્રદ્યુમનગર પોલીસે આ શખ્સની પુછપરછમાં ૧૭ મોબાઇલ ચોરી રિકવર કરી હતી. ભાવીન સોલંકીની સતર્કતા બદલ તેનું પણ પોલીસ કમિશ્નર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તા.રર-૮-ર૦૧૮ના પુજીત રૂપાણી ટ્રસ્ટના જીગરભાઇ ભટ્ટનો મોબાઇલ જીલ્લા ગાર્ડન પાસેથી ચિલઝડપ થયો હતો. આ ફરીયાદનું ડીટેકશન આઇવે પ્રોજેકટના કેમેરા મારફત એ ડીવીઝનના પોલીસ સ્ટેશનના એસ.વી.શાખરાએ કરી આરોપીનું પગેરૂ શોધી ઉતરપ્રદેશમાંથી ફોન રીકવર કર્યો હતો. આ કામગીરી બદલ પીએસઆઇ શાખરાને પણ પ્રશંસાપત્રથી ઉત્સાહીત કરવામાં આવ્યા હતા. સાયબર સેલના પીઆઇ એન.એન.ઝાલા અને ટીમ દ્વારા ચાલુ વર્ષમાં કુલ ર૦૦૦ ફોન (ર કરોડ આશરે)ના રિકવર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.  ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઇ એન.એન.ઝાલા, પીએસઆઇ કે.જે.રાણા, પીએસઆઇ ડી.બી.ગઢવી, એએસઆઇ સી.એમ.ચાવડા, એએસઆઇ એમ.એમ.ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, મનોજભાઇ ગોહેલ, વિશાલભાઇ કાથડ, રાજદીપભાઇ પટગીર અને નિરેનભાઇ આહીરની પીઠ પોલીસ અધિકારીઓએ થાબડી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. આ પ્રસંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા ઉપસ્થિત રહયા હતા.

(4:30 pm IST)