Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આવો, ભાવહિંસાથી મુકત થઇએ! કોઇ તમને પૂછે જૈનધર્મ શું છે ?

તમે તરત જ કહેશો જૈન ધર્મ એટલે દયા, કરૂણા અને અહિંસાનો ધર્મ, રાત્રિ ભોજનના ત્યાગનો ધર્મ, સૂક્ષ્મ જીવોની રક્ષાનો ધર્મ ! પણ ભાગ્યે જ કોઇ કહેતું હશે, જૈન ધર્મ અનેકાંતવાદનો ધર્મ છે.

હિંસા બે પ્રકારની હોય છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા ! નાનકડી કીડી મરી જાય તો પાપ લાગે, એ દેખાય છે, જણાય છે એટલે એ પાપથી, એ હિંસાથી મુકત રહી શકાય છે પણ તમારી વાણી અને વર્તનથી કોઇના ભાવોની હિંસા થાય છે, એ નથી દેખાતું કે નથી જણાતું એટલે એ હિંસાથી મુકત રહી શકાતું નથી.

અનેકાંતવાદ શું છે ?

અનેકાંતવાદ એ ભાવહિંસાથી મુકત થવાનો ઉપાય છે. અનેકાંતવાદ એટલે આમ પણ હોય શકે અને આમ પણ હોય શકે. આ એક કાલ્પનિક દ્રષ્ટાંત છે જે અનેકાંતવાદના સિધ્ધાંતને સ્પષ્ટ કરે છે.

એક ખુલ્લા મેદાનમાં ઘણા બધા બાળકો રમતાં હતા. એમા બે બાળકો અજય અને વિજય વચ્ચે ઝઘડો થઇ ગયો. અજયને ગુસ્સો આવ્યો એટલે એણે નીચે પડેલ પથ્થર ઉપાડી વિજય તરફ ફેંકયો, વિજય એલર્ટ હતો એટલે જેવો એણે પથ્થર પોતાની તરફ આવતા જોયો એટલે એ નીચે બેસી ગયો અને પથ્થર એની પાછળ ઉભેલા જયને વાગ્યો, જયને માથામાંથી લોહી નીકળવા લાગ્યું, એ અજય ઉપર ગુસ્સે થયો, તે મને કેમ પથ્થર માર્યો, મેં તારૂ શું બગાડયું હતુ ? અજયે કહ્યુ, મે તને પથ્થર માર્યો જ નથી. મે તો વિજયને માર્યો હતો, એ નીચે બેસી ગયો એટલે પથ્થર તને વાગ્યો એમાં હું શું કરૂ, વાંક વિજયનો છે, એને કહે.

જય, વિજય પાસે જાય છે, તારા કારણે મને પથ્થર વાગ્યો. વિજય કહે છે, હું શું કરૂ, મારો કોઇ વાંક જ નથી. મે તો માત્ર મારો બચાવ કર્યો છે. જેણે પથ્થર માર્યો છે એને કહે !

બધા એક બીજાને ગુનેગાર માને છે, સાચો ગુનેગાર કોણ છે ? તમે કોને ગુનેગાર માનો છો ?

ત્યાં ઉભેલા ઘણા બધાં ભાઇઓને પુછવામાં આવ્યું કે, આમા કોનો વાંક છે ? કોણ ગુનેગાર છે ?

કોઇએ કહ્યું પથ્થર મારનાર અજય ગુનેગાર છે તો કોઇએ કહ્યુ વિજય ગુનેગાર છે, કેમકે એણે પહેલા અજયને માર્યુ એટલે અજયે એેને મારવા પથ્થર લીધો.

ભગવાન કહે છે, ખરો ગુનેગાર જયના ભૂતકાળના કર્મોનો છે. એણે ભૂતકાળમાં કોઇને માર્યુ હશે એટલે આજે એને માર ખાવો પડયો. બની શકે ત્રણેય નિર્દોષ હોય અને બની શકે ત્રણેય ગુનેગાર હોય. બની શકે પથ્થર મારનાર ગુનેગાર હોય, બની શકે બેસી જનાર ગુનેગાર હોય અને બની શકે પથ્થર જેને વાગ્યો છે એના કર્મો ગુનેગાર હોય શકે.

માટે જ, એક સિધ્ધાંત કાયમ યાદ રાખવાનો :

આમ પણ હોય શકે અને આમ પણ હોય શકે !

અનેકાંતવાદની અંદર દરેક શકયતાઓનો સ્વીકાર હોય છે. જયાં શકયતાઓનો સ્વીકાર થતો હોય, ત્યાં પકકડ ઘટતી હોય. પકકડ ઘટે એટલે સમસ્યાઓ પણ ઘટે અને પીડા પણ ઘટે. અનેકાંતવાદના સિધ્ધાંતને સમજનાર વ્યકિત કયારેય આગ્રહી હોતી નથી.

માનો કે, તમને કોઇ સમય પૂછે છે, એ સમયે ૧૦ વાગ્યા છે. તમે ઘડીયાળમાં જોઇને કહો છો દસ વાગ્યા છે. પણ ખરેખર એ સમયે દસ વાગીને એક મીનીટ થઇ ગઇ છે. તો તમે સાચુ બોલ્યા કહેવાઓ કે ખોટું બોલ્યા કહેવાઓ ? તમે સાચા પણ હોય શકો અને તમે ખોટા પણ હોય શકો, કેમ કે, જયારે તમે ઘડીયાળમાં જોયું ત્યારે દસ વાગ્યાં હતા અને કહ્યુ ત્યારે દસને એક મિનિટ થઇ ગઇ હતી.

કોઇપણ વ્યકિત કયારેક સાચી પણ હોય શકે અને કયારેક ખોટી પણ હોય શકે. તમે તમારા પ્રમાણે સાચા હોય શકો અને સામેવાળા એમના પ્રમાણે સાચા હોય શકે.

જયા 'હોય શકે' શબ્દ આવે, ત્યાં તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જાય.

જે બીજાને અયોગ્ય માને છે, તે કયારેય યોગ્ય હોતા નથી.

જે યોગ્ય હોય એને કોઇ અયોગ્ય લાગતાં નથી.

દરેક સ્થિતિ, દરેક સંયોગ, દરેક વ્યકિત અને દરેકનો સ્વભાવ આમ પણ હોય શકે અને આમ પણ હોય શકે. જો દરેક શકયતાઓનો  સ્વીકાર કરી લઇએ તો કોઇ દિવસ સંઘર્ષ થાય નહી. જયારે કોઇ એક સિધ્ધાંતની પકકડ રાખીએ છીએ ત્યારે અન્ય સિધ્ધાંતો અયોગ્ય બની જાય છે.

ભગવાન મહાવીરને કયારેય કોઇ ખોટા લાગતા ન હતા, કેમ કે ભગવાન મહાવીર માત્ર આજને જ નહી આવતીકાલને પણ જોવાવાળા હતા.

જે સમયે રોજની સાત હત્યા કરવાવાળો અર્જુન માળી પ્રભુના સમવશરણમાં આવે છે. ત્યારે ત્યાં ઉપસ્થિત દરેકને લાગે છે કે ખુની આવ્યો જયારે પ્રભુ મહાવીરને થાય છે, મુનિ આવી રહ્યા છે, અને ખરેખર અર્જુનમાળી પ્રભુબોધ વચનોથી ભાવિત થઇ દીક્ષા ગ્રહણ કરી અર્જુનમુનિ બની જાય છે.

ભગવાને કહ્યુ છે, અજ્ઞાની વ્યકિત ભૂતકાળ જોઇને એના પ્રત્યેક પકકડ રાખે છે. જયારે જ્ઞાની એના ભવિષ્યકાળ જોઇને એના પ્રત્યે ભાવ રાખે છે.

બની શકે છે, જેનો ભૂતકાળ ખરાબ હોય, તેનો ભવિષ્યકાળ સારો પણ હોય શકે છે અને બની શકે છે જેનું વર્તમાન એકદમ સરસ હોય એનું ભવિષ્ય ખરાબ હોઇ શકે છે.

એકાંતવાદ એટલે હું માનુ છું તે જ સાચું, અનેકાંતવાદ એટલે જેટલું સાચુ છે તે હું માનું છુ...

એક જ શબ્દ યાદ રાખવાનો અનેકાંતવાદ !

પાંચ અંધ વ્યકિતઓ હાથીના શરીરને જૂદી જૂદી જગ્યાએ સ્પર્શ કરે છે. એક કહે છે જેના કાન સૂપડાં જેવા હોય એ હાથી હોય, એક કહે છે જેનું નાક લાંબુ હોય એ હાથી હોય, એક કહે છે જેના પગ થાંભલા જેવા હોય એ હાથી હોય, એક કહે છે જેનું પેટ મોટું હોય એ હાથી હોય અને એક કહે છે જેની પૂંછડી નાનકડી હોય એ હાથી હોય, દરેકને પોતાની વાત સાચી લાગે છે, એટલે પોતાના વિચારોની પકકડ આવી જાય છે.

અનેકાંતવાદ સમજનાર કહેશે મોટા પેટવાળો પણ હાથી હોય અને સૂપડાં જેવા કાનવાળો પણ હાથી હોય, થાંભલા જેવા પગવાળો પણ હાથી હોય અને નાની પૂંછડીવાળો પણ હાથી હોય.

જયાં અનેકાંતવાદ ભૂલાય જાય છે ત્યા અશાંતિ શરૂ થાય છે અને જયાં અનેકાંત આવી જાય છે, ત્યાં અશાંતિ પર પૂર્ણવિરામ લાગી જાય છે. એકાંતવાદમાં પકકડ હોય અને મનમાં પીડા હોય, જેનામાં પકકડ હોય એના ચહેરા પર સ્મિત ન હોય, જેનામાં પકકડ ન હોય તેના ચહેરા પર સદાય પ્રસન્નતા હોય.

જેની માન્યતામાં 'હોય શકે' શબ્દ હોય, તે વ્યકિતના હૃદયમાં હળવાશ હોય અને ચહેરા પર હાસ્ય હોય. જેનામાં દરેક સ્થિતિને સમજવાની શકિત હોય છે, તેનામાં સહનશીલતા આવ્યા વિના રહેતી નથી.

દરેક શકયતાઓનો સ્વીકાર કરવો, દરેક પરિસ્થિતીને સમજવી અને દરેક એંગલથી દરેક દ્રશ્યને જોવું એ છે અનેકાંત !

માનો કે, તમે તળેટીમાં છો અને તમારે શિખરે પહોચવું છે, તો પહેલું પગથિયું પકડવું પડે અને બીજા પગથિયાં પર ચઢવા માટે પહેલું પગથિયું છોડવું પડે. ત્રીજા પગથિયા પર ચઢવા માટે બીજું પગથિયું છોડવું પડે. એટલે કયારેક જે પકડવા જેવું હોય છે, એ જ કયારેક છોડવા જેવું પણ હોય છે.

પીડા એને જ થાય છે, જેનામાં અનેકાંતની પ્રજ્ઞા નથી હોતી.

આમ પણ હોય શકે અને આમ પણ હોય શકે. એ અનેકાંતનો સિધ્ધાંત છે.

એટલે એક નિયમ યાદ રાખવાનો,

કોઇ સાથે વાદ નહી, કોઇ સાથે વિવાદ નહી અને કોઇ સાથે વિખવાદ નહી. મારી વાત પણ સાચી અને તારી વાત ખોટી નથી.

ઓટોમેટીક દરેક સમસ્યાઓનું સમાધાન થઇ જશે.

ન કોઇના ભાવોને હર્ટ થશે, ન કોઇના ભાવોની હિંસા થશે. એ એના ભાવમાં, હું મારા ભાવમાં, સહુ સહુના ભાવમાં !

માટે જ, અનેકાંતવાદના સિધ્ધાંતની સમજ એટલે ભાવહિંસાથી મુકત થવાનો શ્રેષ્ઠ ઉપાય !!

(4:28 pm IST)