Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અતરનો અભરખો નહિ, ખુદ ખુશ્બુ...

શુભત્વના સારથિ, સેવાના મહારથી અનુપમ દોશી,રવિવારે જન્મદિને સેવાર્થે ૨ાા લાખ અર્પણ કરાશે

રાજકોટ તા.૭: રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી સેવાની જયોતને પ્રજવલિત રાખવામાં પોતાના જીંદગીના મહતમ વર્ષોની આહુતિ આપનાર રાજકોટના પનોતા પુત્ર, સેવાના વિવિધ ક્ષેત્રમાં તન, મન અને ધનથી નિઃસ્વાર્થ માતબર પ્રદાન આપનાર અને સાથો સાથ સેંકડો સેવા સંસ્થાઓ સેવકોના નિર્માણમાં તેમજ સંચાલનમાં નિમિતે બનનાર આજીવન સેવાના ભેખધારી રાજકોટના માનભાઇ ભટ્ટનું જેમને બિરૂદ મળ્યું છે તેવા અલગારી અનુપમ દોશીના ૫૯માં જન્મદિનની  પણ વધુ એક સેવાકીય પ્રવૃતિના માધ્યમથી ઉજવણી કરવાનું આયોજન આગામી તા.૯-૯-૨૦૧૮ના રવિવારના રોજ શહેરની જાણીતી સેવા સંસ્થા સમર્પણ   ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ''દીકરાનું ઘર''વૃદ્ધાશ્રમ, ઢોલરા દ્વારા કરવામાં આવ્યું છે.

''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના મુકેશ દોષી, સુનીલ વોરા અને નલીન તત્નાએ જણાવ્યું હતું કે અનુપમ દોશીએ ખરા અર્થમાં સેવાનો પર્યાય છે. સ્વામિ વિવેકાનંદની જેમના જીવન પર ખૂબ અસર રહી છે.

તેઓ આજે અનેક સેવા સંસ્થાઓ અને સેંકડો સેવકોના નિર્માણમાં અને સંચાલનમાં તેઓ નિમિત બન્યા છે. અને બનતા રહેશે. સમાજનું સમાજને અર્પણ તેવા ઉદેશ્ય સાથે તેઓ વર્ષોથી અનેકવિધ સેવા પ્રવૃતિઓ નિરંતર ચલાવી રહ્યા છે. તેમની સેવાપ્રવૃતિઓમાં ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમનું નિર્માણ, અબોલ પશુ-પક્ષીઓ માટેના હરતું ફરતું અન્નક્ષેત્ર ''કલવર'', ગુજરાત સરકાર દ્વારા જેને શ્રેષ્ઠ સામાજિક સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે તેવી વિવેકાનંદ યુથ કલબનું નિર્માણ કે જેના માધ્યમથી દેહદાન અને ચક્ષુદાનની પ્રવૃતિ, ૪૦૦ થી વધુ થેલેસેમિક બાળકોને આજીવન દતક લેવાયા, ૪૦૦ થેલેસેમિક બાળકોને સાયકલ અર્પણ કરાઇ, શિક્ષણ સમિતિની સ્કૂલના ગરીબ બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત સ્પર્ધાઓ, પુસ્તકો તથા દફતર સહિતની કીટનું વિતરણ, શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવું, શ્રેષ્ઠ સરકારી સ્કૂલોને શ્રેષ્ઠ શાળા એવોર્ડ આપી સન્માનિત કરવી, થેલેસેમિક બાળકો માટે પ્રવાસ અને આનંદ મેળાઓનું આયોજન, તહેવારોમાં ગરીબ પરિવારોને અનાજ અને મિઠાઈનું વિતરણ, ધાબળા વિતરણ, ઉનાળામાં પ્રતિ વર્ષ ૫૦૦૦ જોડી સ્લીપર વિતરણ, છાસ વિતરણ ગરીબ દર્દીઓને દવા કે અન્ય સહાય, તેજસ્વી છાત્રોને સ્કોલરશીપ, સ્કૂલ કોલેજોમાં થેલેસેમિયા ટેસ્ટ, સંસ્કાર શિબિરોનું આયોજન, અપંગોને ટ્રાયસિકલ તથા વિધવા-નિરાધાર બહેનોને સિલાઈ મશીન વિતરણ, કુદરતી આફત કે માનવીય આફતો વખતે માનવ સેવાની પ્રવૃતિઓ તથા સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ જાળવણીના સતત પ્રયાસો સહિતની અસંખ્ય સેવા પ્રવૃતિઓથી તેમનું જીવન સતત દોડતું રહ્યું છે.

લોક સેવકની જન્મ દિવસની ઉજવણી અનેરી રીતે થાય તે હેતુથી અનુપમ દોશીના મિત્રો, શુભેચ્છકો અને સેવા સંસ્થાના દાતાઓના દાનથી એકઠા કરવામાં આવેલા રૂ. ૨,૫૧,૦૦૦ જેટલી માતબર નિધિ રાજકોટની પાંચ સેવા સંસ્થાઓને આદરભેર અર્પણ કરવામાં આવશે. જેમાં રૂ. ૧,૦૧,૦૦૦ કોઠારી લેબોરેટરી, રૂ. ૫૦,૦૦૦ બી.ટી. સવાણી કિડની હોસ્પીટલ, રૂ. ૫૦,૦૦૦ જલારામ હોસ્પીટલ, રૂ. ૨૫,૦૦૦ હેપ્પી સ્કૂલ, જામનગર રોડ રાજકોટ તથા રૂ. ૨૫,૦૦૦ થેલેસેમિક બાળકો માટે ડેસ્પેરેલ ઈન્જેકશન માટે ફાળવવામાં આવેલ છે. આ તમામ રકમમાંથી જરૂરીયાતમંદ પરિવારના લોકો મેડીકલ સહાય મેળવી શકશે. કાર્યક્રમ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ ખાતે તા. ૯ ને રવિવારે સવારે ૮.૦૦ વાગ્યાથી ૧૧.૦૦ વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના શ્રી અપૂર્વમુની સ્વામિ તથા આર્ષ વિદ્યામંદિર, મુંજકાના પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી વિશેષ ઉપસ્થિત રહી અનુપમ દોશી સહિત ઉપસ્થિત સર્વે આમંત્રિતોને આશિર્વચન પાઠવી શુભેચ્છાઓ આપશે.

તેમની સેવાકીય પ્રવૃતિઓને વલ્લભભાઈ સતાણી, કિરીટભાઈ આદ્રોજા, અરવિંદભાઈ દોમડીયા, જગજીવનભાઈ સખીયા, નટુભાઈ શેઠ, રામભાઈ મોકરીયા, ડી.વી. મહેતા, ડો. નિદત બારોટ, પી.ડી. અગ્રવાલ, મિતલ ખેતાણી, અનિશભાઈ વાઘર, ડો. શૈલેષ જાની, પ્રતાપભાઈ પટેલ, ઉપેનભાઈ મોદી, હરેશભાઈ પરસાણા, સુનીલ વોરા, નલીન તન્ના અને હસુભાઈ રાચ્છ સહિતના શહેર શ્રેષ્ઠીઓ તેમજ નામી-અનામી દાતાઓની કાયમી હુંફ મળી રહી છે.

કાર્યક્રમમાં અનુપમ દોશીના મિત્રો-શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા 'દીકરાનું ઘર' ટીમ દ્વારા આમંત્રણ છે. અનુપમ દોશીનો મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬ - રાજકોટ

(4:25 pm IST)