Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શહેરમાં ૨૦૦૮ પછી ડોકટરોનું રજીસ્ટ્રેશન બંધઃ જાગૃતિબેન ડાંગરનો ઘટસ્ફોટ

શહેરમાં અગાઉ ૩૦૦૦ ડોકટરોનું રજીસ્ટ્રેશન થયેલ ત્યાર બાદ કોઈ કાર્યવાહી નહિં: રજીસ્ટ્રેશન કરવામાં આવે તો રોગચાળો, ગેરકાયદે બાંધકામ, ટેકસ ચોરી, બાયોમેડીકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ સહિતની બાબતો બહાર આવેઃ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવાયું

રાજકોટ, તા. ૭ :. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની વધુ એક બેદરકારીનો ઘટસ્ફોટ કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે કર્યો છે તેઓએ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને જણાવ્યુ છે કે, રાજકોટ શહેરમાં ૨૦૦૮ની સાલ બાદ કોર્પોરેશન દ્વારા ડોકટરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ નથી. જેના કારણે શહેરમાં રોગચાળાની સાચી સ્થિતિ સહિતની બાબતોએ કોર્પોરેશનનું તંત્ર અજાણ રહે છે.

આ આવેદનપત્રમાં જણાવાયુ છે કે, ૨૦૦૮માં તત્કાલીન કમિશ્નર દિનેશ બ્રહ્મભટ્ટ દ્વારા રાજકોટમાં ડોકટરોનું અને હોસ્પીટલોનું તથા લેબોરેટરીઓનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ હતુ તે વખતે ૩૦૦૦ ડોકટરોનું રજીસ્ટ્રેશન થયેલ. ત્યાર બાદ આજ સુધી એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં કોર્પોરેશન દ્વારા ડોકટરોનું રજીસ્ટ્રેશન થયુ નથી. આમ ડોકટરોનું રજીસ્ટ્રેશન બંધ હોવાને કારણે શહેરમાં હોસ્પીટલો વગેરેમાં ગેરકાયદે બાંધકામ, મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ તેમજ ડોકટરો પાસે નિદાનમાં આવતા દર્દીઓની સંખ્યા વગેરે બાબતોથી તંત્ર અજાણ રહે છે.

આવેદનના અંતે જાગૃતિબેન ડાંગરે આક્ષેપ કર્યો છે કે, ગંદકી, ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે દબાણ વગેરે માટે સામાન્ય પ્રજાને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યારે શહેરમાં આવેલી હોસ્પીટલો અને ડોકટરોનું રજીસ્ટ્રેશન કરી તેના વ્યવસાય વેરા, મિલ્કત વેરા, બાંધકામ સહિતનું ચેકીંગ થવુ જોઈએ

(4:07 pm IST)