Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Phdની છાત્રાની સત્તામણીમાં તપાસનો ધમધમાટ

ફરિયાદના આધારે ડો. નીતાબેન ઉદાણી દ્વારા નિવેદનો નોંધાઇ રહ્યા છે

રાજકોટ તા. ૭ : રાજકોટમાં રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઇને કોઇ પ્રકારે વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાયો સાયન્સ ભવનમાં પીએચડીના ગાઇડે વિદ્યાર્થિનીનો એકલતાનો લાભ લઇ સેકસુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાની ભારે ચર્ચા થઇ રહી છે. આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનની છાત્રાએ પ્રોફેસર વિરુદ્ઘ સેકસુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું કે તેણીને ગાઇડે કહ્યું કે, તારે પીએચડી પૂરૂ કરવું હોય તો મારી ઇચ્છાઓ પૂરી કર. સમગ્ર ઘટના કુલપતિ સુધી પહોંચી છે, કુલપતિએ તાત્કાલિક તપાસના આદેશ કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બાયો સાયન્સ ભવનમાં એક સિનિયર અધ્યાપક પીએચડીના ગાઇડ તરીકે યુવતીને માર્ગદર્શન આપતા હતા. તેમાં યુવતી તેના ચેમ્બરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ વાતોમાં છૂટછાટ લઇ સેકસુઅલ હેરેસમેન્ટની વાત કરી હોવાનું બહાર આવ્યુ છે. આ મુદે વીસી સુધી વાત પહોંચી છે જયારે કાર્યકારી કુલપતિ નિલામ્બરી દવેએ જણાવ્યું હતું કે, મને પણ આવી વાત મળી છે, તપાસના અંતે સત્ય બહાર આવશે હાલ કંઇ કહેવું વહેલું ગણાશે.

દરમિયાન કુલપતિ ડો. નિલાંબરીબેન દવે એન્ટી સેકસયલ હેરેસમેન સેલના ચેરપર્સન ડો. નિતાબેન ઉદાણીને તપાસ સોંપી છે. ડો. નિતાબેન ઉદાણીએ આ ફરિયાદ અન્વયે કેટલાક લોકોના નિવેદનો લીધા છે. તપાસના અંતે રીપોર્ટ કુલપતિને સોંપાશે.

(4:06 pm IST)