Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આળસ ખંખેરી

ખાનગી મેળામાં આરોગ્ય વિભાગના દરોડાઃ ૨૩૦ કિલો અખાદ્ય નાસ્તાનો નાશ

નાનામવા વિસ્તારનાં ગોકુલ, રીયલ મેળામાં ૯ સ્થળોએથી વાસી મન્ચુરીયન, બટેટા, દાબેલીનો મસાલો સહિત અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

રાજકોટ, તા.૭: જન્માષ્ટમીના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુકત ખોરાક મળે તે માટે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ યોજાતા ખાનગી મેળામાં લોકોને આરોગ્ય પ્રદ અને તાજી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે કોપોરેશનની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નાનામવા વિસ્તારમાં રીયલ અને ગોકુલ મેળામાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન બન્ને મેળામાંં ૯ સ્થળોએથી વાસી મન્ચુરીયન, બટેટા, દાબેલીનો મસાલો સહિત ૨૩૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે મયુનિ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ વિભાગ દ્વારા નાનામવા વિસ્તારમાં રીયલ અને ગોકુલ  મેળામાં લોકોને આરોગ્ય પ્રદ અને તાજી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ખાદ્ય પદાર્થોનાં ૨૪ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન  વાસી મન્ચુરીયન, વાસી બટેટા, દાબેલીનો મસાલો, સડેલા લીંબુ, વાસી નુડલ્સ, ખુલ્લા રાખેલા ફળો જોવા મળ્યા હતા.

આ બન્ને મેળામાં ૯ સ્થળોએથી કુલ ૨૩૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ હતુ.

(4:06 pm IST)