Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ચિંતા ન કરો 'આજી'ને 'નર્મદા'થી ભરી દેવાશેઃ વિજયભાઈની ખાત્રી

આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી નર્મદા નીર ઠાલવવા જરૂરી અન્યથા પાણીની કટોકટીઃ મ્યુ. કમિશ્નરે રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું...

રાજકોટ, તા. ૭ :. ચોમાસુ હવે પૂર્ણ થવા આવ્યુ છે ત્યારે રાજકોટને પાણી પુરૂ પાડતા આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમ જે જળ જથ્થો છે તે ત્રણેય જળાશયોનો મળી સરેરાશ જળ જથ્થો આગામી ૬ મહિના સુધી ચાલે તેટલો છે જે પૈકી આજી ડેમમાં હવે માત્ર દોઢ મહિનાનું પાણી છે, આથી મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ મુખ્યમંત્રીને ગઈકાલે રૂબરૂ રજૂઆત કરી અને આજી ડેમમાં ૭૦૦ એમસીએફટી જેટલુ નર્મદા નીર નાખવુ જરૂરી હોવાનું જણાવ્યુ હતું. જેના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મ્યુ. કમિશ્નરશ્રીને ખાત્રી આપી હતી કે ચિંતા ન કરો આજી ડેમમાં જોઈએ તેટલુ નર્મદા નીર ઠાલવવાની સરકારની તૈયારી છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીને રાજકોટના પાણી વિતરણ સહિતના પ્રશ્નો બાબતે રજૂઆત કરાઈ હતી. જેમાં આજી ડેમમાં આ વર્ષે જોઈએ તેટલુ પાણી હજુ સુધી ઉપલબ્ધ થયુ નથી. હાલમાં આ ડેમમાં માત્ર ૨૦૦ એમસીએફટી એટલે કે દોઢથી બે મહિના સુધી ચાલે તેટલુ જ પાણી છે. આથી આગામી ફેબ્રુઆરી સુધી શહેરમાં દરરોજ પાણી વિતરણ માટે આજી-૧ માં ૭૦૦ એમસીએફટી જેટલા નર્મદા નીર તાત્કાલીક ધોરણે ઠાલવવા જરૂરી છે.

મ્યુ. કમિશ્નરની આ રજૂઆતના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીશ્રીએ આજી ડેમમાં જોઈએ તેટલુ નર્મદા નીર ઠાલવવામાં આવશે તેવી ખાત્રી આપી આવતીકાલ સુધીમાં આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો પ્રારંભ થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી.

નોંધનીય છે કે, આજી-૧ ડેમની કેપેસીટી ૯૩૫ એમસીએફટી જળ જથ્થો સમાય તેટલી છે. આમ જો કાલથી નર્મદા નીર આજી ડેમમાં ઠાલવવાનું શરૂ થાય તો છલોછલ થઈ જાય તેવી સંભાવના છે.

(4:25 pm IST)