Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદન વિષે રાજયસ્તરીય લેખિત કવીઝ કોમ્પીટીશન

માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને ભાગ લેવા શિક્ષણ વિભાગની ભલામણઃ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં ભાગ લઈ શકાશે

રાજકોટ,તા.૬: યુવાનોના પ્રેણાદાતા અને આદર્શન એવા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ૧૨મી જાન્યુઆરીના રોજ પ્રતિ વર્ષ વિશ્વ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. તેના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર પ્રેમ અને ઉમદા નાગરિકત્વની ભાવના કેળવાય તે માટે સ્વામી વિવેકાનંદના જીવન વિષયક અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં રાજય સ્તરીય લેખિત કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા બનનારા પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિદ્યાર્થીઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.

આ અંગે વિગતો આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા છેલ્લા આઠ વર્ષથી શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ મેમોરીયલ, વડોદરા, દ્વારા યોજીતી હતી. ગત વર્ષે આ સ્પર્ધામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં નેતૃત્વ અને ઉત્તમ નાગરિક બનવાના ગુણો કેળવી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓને ખાસ પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાની શાળા મારફત અરજી કરવાની રહેશે. ગુજરાતીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સહુના સ્વામી વિવેકાનંદ અને અંગ્રેજી ભાષામાં ભાગ લેનારા બાળકોને 'સ્વામી વિવેકાનંદ ફ્રેન્ડ ઓફ ઓલ' પુસ્તક ભેટ આપવામાં આવશે. દિવાળીના વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ આ પુસ્તક વાંચીને વેકેશનનો સદુપયોગ કરી શકશે અને સાથોસાથ લેખિત કવીઝ કોમ્પિટિશનની તૈયારી પણ કરી શકશે. આ સ્પર્ધા પહેલા શાળા કક્ષાએ, ત્યારબાદ જીલ્લા કક્ષાએ અને અંતિમ તબક્કામાં રાજય સ્તરે યોજાશે. આ ત્રણે તબક્કાઓમાં વિદ્યાર્થીઓએ તેમને મળેલા પુસ્તકમાંથી જ જવાબ આપવાના રહેશે. શાળા કક્ષાએ આ સ્પર્ધાનું પરિણામ ૩૧મી જાન્યુઆરીના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રામ રાજકોટ વેબસાઈટ www.rkmrajkot.ojg પર મુકવામાં આવશે. રાજય તથા દરેક જીલ્લા કક્ષાના વિજેતાઓનો પારિતોષક વિતરણ સમારંભ ૨૪મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ સ્પર્ધામાં શાળા મારફત પ્રવેશપત્રો મોકલવાની અંતિમ તા.૧૫ સપ્ટેમ્બર છે.

સ્પર્ધા અંગેની વધુ વિગતો માટે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે ઓફિસમાં સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩ થી ૬ દરમ્યાન મો.૬૩૫૫૩ ૩૧૩૪૦ કરવા યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)