Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ધારી-ગીરની સફર ગીતાંજલી પાર્કના જતીન પટેલ માટે 'અંતિમ સફર' બની

પત્નિ, બાળકો, સાઢુના પરિવાર સાથે રજામાં ફરવા ગયા'તાઃ વિસાવદરના ચાંપરડા પાસે છાતીમાં દબાણ થયું ને મોત નિપજ્યું

રાજકોટ તા. ૭: જન્માષ્ટમીના તહેવારમાં પત્નિ, બાળકો તથા સાઢુના પરિવાર સાથે ધારી, અમરેલી, ગીર વિસ્તારમાં ફરવા ગયેલા ગીતાંજલી પાર્કના લેઉવા પટેલ યુવાનની સફર 'અંતિમ સફર' બની જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાનને વિસાવદરના ચાંપરડા પાસે છાતીમાં દબાણ થતાં ત્યાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયેલ, પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ બોલબાલા માર્ગ પર આનંદનગર કવાર્ટર પાછળ ગીતાંજલી સોસાયટીમાં રહેતાં અને માંડા ડુંગર નજીક કારખાનુ ધરાવતાં જતીનભાઇ નાગજીભાઇ વઘાસીયા (ઉ.૩૪) નામના પટેલ યુવાન જન્માષ્ટમીના તહેવારમાં પોતાના પત્નિ, પુત્ર-પુત્રી તથા સાઢુભાઇ દર્શનભાઇ કુરજીભાઇ કુછડીયા તથા તેના પરિવારજનો સાથે કાર લઇને ધારી-ગીર વિસ્તારમાં ફરવા ગયા હતાં. ગઇકાલે પરત રાજકોટ આવતી વખતે ધારીના ખોડિયાર મંદિરે દર્શન કરવા રોકાયા હતાં. ત્યાંથી પરત ફરતી વેળાએ ચાંપરડા પાસે છાતીમાં દુઃખાવો ઉપડતાં ત્યાંના દવાખાનામાં સારવાર અપાવી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હૃદયની બે નળી બ્લોક હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

જતીનભાઇના મૃત્યુથી બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ જરૂરી કાર્યવાહી કરી વિસાવદર પોલીસને જાણ કરી હતી. (૧૪.૧૦)

 

(1:43 pm IST)