Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જૂગારના ત્રણ દરોડામાં ૧.૩૪ લાખની મત્તા સાથે ૨૦ પકડાયાઃ મહિલાના જૂગારધામમાં ટોકન સિસ્ટમ

બી-ડિવીઝન પોલીસનો સદ્દગુરૂ સોસાયટીમાં અને ભકિતનગર પોલીસના જંગલેશ્વર તથા ન્યુ સુભાષમાં દરોડા

રાજકોટ તા. ૭: જૂગારના ત્રણ દરોડામાં બી-ડિવીઝન પોલીસે મહિલા સંચાલિત જૂગારધામ પકડી છની ધરપકડ કરી હતી. જેમાં ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ના ટોકનથી જૂગાર રમાડાતો હતો. મોટી-મોટી જૂગારની કલબોમાં આવી ટોકન સિસ્ટમ હોય છે.  જ્યારે ભકિતનગર પોલીસે બે દરોડામાં ૧૪ની ધરપકડ કરી હતી. કુલ ત્રણ દરોડામાં ૨૦ પત્તાપ્રેમીઓને રૂ. ૧,૩૪,૭૩૫ની મત્તા સાથે પકડી લેવાયા હતાં.

બી-ડિવીઝન પોલીસે કોન્સ. પ્રકાશભાઇ ખાંભરા અને અજીતભાઇ લોખીલની બાતમી પરથી મોરબી રોડ પર સદ્દગુરૂ સોસાયટીમાં  ભાડાના મકાનમાં રહેતી મમતા રાજુભાઇ ખાચર (કાઠી) (ઉ.૩૫)ના ઘરમાં દરોડો પાડતાં પ્લાસ્ટીકના ટોકનને આધારે તિનપત્તીનો જૂગાર રમાતો હોઇ હસમુખ મનસખુભાઇ નળીયાપરા (ઉ.૩૨-રહે. રેલનગર-૪, શ્રીનાથદ્વારા પાર્ક-૩૭), ભાવેશ જનકભાઇ મહેતા (ઉ.૩૫-રહે. માધાપર ચોકડી ઇશ્વરીયા પાર્ક-૧), હરપાલસિંહ કરણસિંહ ઝાલા (ઉ.૬૪-રહે. ગાંધીગ્રામ અક્ષરનગર), અજય ઉમેદભાઇ ચોૈહાણ (ઉ.૩૬-રહે. માધાપર ગામ નાગેશ્વર સિધ્ધાર્થ ફલેટ બી-૫૦૧) તથા શિવભદ્રસિંહ દિલાવરસિંહ રાણા (ઉ.૩૦-રહે. રેલનગર-૪)ને પકડી લઇ રૂ. ૧૮૫૩૫ રોકડા, ગંજીપાના રૂ. ૧૦૦૦ના દરના પ્લાસ્ટીકના ટોકન નંગ-૭૦, રૂ. ૫૦૦ના દરના ટોકન નંગ-૭૦, રૂ. ૧૦૦ના દરના ટોકન નંગ ૭૦ તથા રૂ. ૪૧૫૦૦ના છ મોબાઇલ ફોન અને એકટીવા મળી કુલ રૂ. ૧,૦૦,૦૩૫નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

રાત્રીનો સમય હોવાથી જૂગાર રમાડનાર મહિલા મમતા કાઠીની ધરપકડ બાકી રાખવામાં આવી હતી. આ મહિલાએ કેટલાક દિવસોથી ઘરમાં જૂગારધામ ચાલુ કર્યુ હતું. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. વિરમભાઇ જે. ધગલ, હિતુભા એમ. ઝાલા, કોન્સ. એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ, મનોજ મકવાણા, પ્રકાશ ખાંભરા, મહેશ ચાવડા, કિરણ પરમાર સહિતે દરોડો પાડ્યો હતો.

ભકિતનગર પોલીસના દરોડા

ભકિતનગર પોલીસે જંગલેશ્વર-૧૧ કનૈયા ચોકમાં હૈદરઅલી મન્સુરઅલી અંસારી (ઉ.૪૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા જંગલેશ્વરમાં જ રહેતાં હુશેન મામદભાઇ ચાનીયા (ઉ.૩૪), સલમાનખાન શબ્બીરખાન પઠાણ (ઉ.૨૦), અલ્ફાઝ ગફારભાઇ બેલીમ (ઉ.૨૦), જાફર હૈદરઅલી પીંજારા (ઉ.૨૮), નિજામુદ્દીન હબીબુલ્લા શેખ (ઉ.૪૦), નિશાર અબ્દુલઆબીદ બાગવાન (ઉ.૩૮) અને મહેબુબ મહમદભાઇ ચાનીયા (ઉ.૩૬)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૬૭૬૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

બીજો દરોડો ન્યુ સુભાષનગર-સી-૩માં શૈલેષ બાબુભાઇ પીપળીયા (ઉ.૪૫)ના ઘરમાં પાડી તેને તથા સંજય કુંવરજીભાઇ વસોયા (ઉ.૩૯), વિનય દિલીપભાઇ પટેલ (ઉ.૨૨), હાર્દિક શૈલેષભાઇ ટીંબડીયા (ઉ.૨૯), ચિરાગ વિજયભાઇ નિમાવત (ઉ.૨૧), મિલન વિજયભાઇ નિમાવત (ઉ.૨૨)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૭૯૪૦ની રોકડ કબ્જે લીધી હતી.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત આ દરોડાઓમાં જોડાયા હતાં. (૧૪.૧૧)

(1:42 pm IST)