Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રેસકોર્ષ લોકમેળામાંથી દેવીપૂજક શખ્સ સુનિલ મકવાણાએ ૧.૨૪ લાખના ૧૮ મોબાઇલ ચોર્યા

પ્ર.નગર પોલીસે મુળ ગોંડલના શખ્સને દબોચ્યોઃ અગાઉ પણ ચોરીઓમાં સંડોવાયો'તો

તસ્વીરમાં પી.આઇ. બી.એમ. કાતરીયા અને પ્ર.નગરની ટીમ તથા ઝડપાયેલો મોબાઇલ ચોર તથા કબ્જે થયેલા ફોન જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: રેસકોર્ષમાં યોજાયેલા લોકમેળામાંથી રૂ. ૧,૨૪,૦૦૦ના ૧૮ લોકોના અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન ચોરાઇ ગયા હતાં. ગિરદીનો લાભ ઉઠાવી આંગળીનો ઇલમી આ કળા કરી ગયો હતો. દરમિયાન સતત વોચમાં રહેલી પ્ર.નગર પોલીસની ટીમને મેળાના છેલ્લા દિવસે એક શકમંદને ફોન સેરવતો પકડી લેવામાં સફળતા મળી હતી.  તેને સકંજામાં લઇ આકરી પુછતાછ થતાં તમામ મોબાઇલ ફોન કાઢી આપ્યા હતાં. અગાઉ પણ ચોરીઓના ગુનામાં સંડોવાઇ ચુકેલા આ શખ્સે પોતાનું નામ સુનિલ અશોકભાઇ મકવાણા (ઉ.૨૨-રહે. શાપર શીતળામાતાના મંદિર પાસે ઝૂપડામાં) જણાવ્યું હતું. આ શખ્સ મુળ ગોંડલના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહે છે.

પ્ર.નગર પોલીસે દેવીપૂજક શખ્સ સુનિલ મકવાણા પાસેથી સેમસંગ જે-૭ રૂ. ૧૫ હજારનો, બીજો એક ૧૦ હજારનો, ત્રીજો સેમસંગનો૮ હજારનો, ઓપો કંપનીનો ૮ હજારનો, ઓપો કંપનીનો અલગ ૧૦ હજારનો, સેમસંગનો ૮૦૦૦નો, એમઆઇ કંપનીનો ૮ હજારનો, બીજો એક એમઆઇનો ૮ હજારનો, વીવોનો ૮ હજારનો, ઓપોનો ૮ હજારનો, અસુસનો ૫ હજારનો, સેસંગનો ૮ હજારનો, સેમસંગનો જે-૨ ૫ હજારનો, ઓઆર કંપનીનો ૫ હજારનો, ઇનફોકસનો ૧ હજારનો, કાર્બન કંપનીનો ૩ હજારનો મળી કુલ રૂ. ૧,૨૪,૦૦૦ના ૧૮ ફોન કબ્જે કર્યા છે.

મેળાના પ્રારંભથી જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. બી. રાઠોડે ખાચ વોચ રાખી સતત પેટ્રોલીંગ કરી ચોરીઓના અને બીજા ગુના અટકાવવા સુચના આપી હોઇ પી.આઇ. બી.એમ. કાતરીયા તથા પીએસઆઇ એમ. એમ. ગોસાઇ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, જયેન્દ્રસિંહ પરમાર, મનજીભાઇ ડાંગર સહિતની ટીમે સતત એલર્ટ રહી આ ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલો શખ્સ અગાઉ પણ ચોરીઓના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. (૧૪.૧૨)

(1:41 pm IST)