Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પ્રેમરસ કડવો થતાં સ્કૂલ સંચાલકે વિધવાને ઉતારી મોતને ઘાટ!

માયાણીનગરની કર્મયોગી સ્કૂલના સંચાલક લેઉવા પટેલ શાંતિલાલ વીરડીયાને વર્ષોથી વણિક વિધવા હીના મહેતાની સાથે રિલેશન હતાં: હવે સંબંધ ઓછા કરતાં હીના સતત સાથે રહેવા દબાણ કરવા માંડતા વાત હત્યા સુધી પહોંચીઃ વાત કરવા બોલાવી યુ.પી.ના મિત્ર વિજય રાય સાથે મળી કાંટો કાઢી નાંખ્યોઃ જન્માષ્ટમીને દિવસે હિનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.૪૮)ને વાત કરવા બોલાવ્યા બાદ કાવત્રુ પાર પાડ્યું: કર્મયોગી સ્કૂલ સામેના જ એપાર્ટમેન્ટમાં જ હત્યાઃ બપોરે ત્રણેક વાગ્યે યુ.પી.ના વિજયએ દોરડાથી ફાંસો દઇ હત્યા કરીઃ રાત્રે બંને સ્કોર્પિયોમાં લાશ નાંખી કણકોટ પાસે ખાડામાં ફેંકી આવ્યાઃ હત્યાનો આરોપી શાંતિલાલ વીરડીયા ભાજપ સાથે સંકળાયેલો છેઃ કર્મયોગી એજ્યુકેશન, વંદેમાતરમ્ સ્કૂલ તથા ક્રિએશન કોલેજનો સંચાલકઃ મદદગાર યુ.પી.નો વિજય રાય અગાઉ પણ હત્યામાં સંડોવાઇ ચુકયો છેઃ એસીપી ભરત રાઠોડ, પી.આઇ. વી.એસ. વણઝારા, ડી. સ્ટાફ પીએસઆઇ જી.એસ. ગઢવી અને ટીમે ગણત્રીની કલાકોમાં ભેદ ખોલ્યો

જ્યાંથી હીનાબેન રાજેશભાઇ મહેતા (વણિક)ની લાશ મળી હતી તે સ્થળ, તેમનો ફાઇલ ફોટો, તેના દિકરા જ્યાં રહે છે તે વીરસાવરકર ટાઉનશીપ, નીચેની તસ્વીરોમાં હત્યાના આરોપી શાંતિલાલ હરદાસભાઇ વીરડીયાની સ્કૂલો તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. છેલ્લી તસ્વીરમાં શાંતિલાલ અને વિજય રાય (મોઢા ઢાંકેલા છે તે) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: શહેરના મવડીથી કણકોટ જવાના રસ્તા પરના પુલ નીચેથી પરમ દિવસે બપોરે અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તાલુકા પોલીસની તપાસમાં આ ઘટના હત્યાની હોવાનું ખુલવા સાથે સનસનીખેજ વિગતો બહાર આવી છે. વડવાજડી ગામનીમધ્યાહન ભોજનની સંચાલિકા વિધવા વણિક મહિલા હીનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.વ.૪૮)ને શહેરના મવડી પ્લોટ માયાણીનગરમાં રહેતાં સ્કૂલ કોલેજોના સંચાલક એવા લેઉવા પટેલ પ્રોૈઢે પોતાના પરપ્રાંતિય મિત્ર વિજય શ્રીઆધ્યા રાય (ઉ.૩૭)ની મદદથી કર્મયોગી સ્કૂલમાં જ બેરહેમીથી પતાવી દીધાનું ખુલતાં પોલીસે બંનેને સકંજામાં લઇ લેવાયા છે. લાંબો સમય સુધી પ્રેમસંબંધ ચાલ્યા બાદ હવે શાંતિલાલ અને હીનાબેન વચ્ચેના સંબંધોમાં કડવાશ ઉભી થઇ જતાં અને મહિલા તરફથી માંગણીઓ વધી જતાં કાવત્રુ ઘડી શાંતિલાલે કાંટો કાઢી નાંખ્યાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

એફઆઇઆરની વિગતો મુજબ અગાઉ પોતાની સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરી ચુકેલી પોતાના જ મિત્ર રાજેશભાઇ મહેતાની વિધવા પત્નિ હીનાબેનને સ્કૂલ સંચાલક શાંતિલાલ પટેલ બદકામ માટે તાબે કરવા મથતો હતો, પરંતુ તેમાં સફળતા ન મળતાં ત્રીજી તારીખે જન્માષ્ટીમના દિવસે જ શાંતિથી વાત કરવાના બહાને બોલાવી કાસળ કાઢી નાંખ્યું હતું.  શાંતિલાલે હીનાબેનને પકડી રાખ્યા હતાં અને તેના મિત્ર વિજયએ દોરીથી ફાંસો દીધો હતો. એ પછી રાત્રીના સમયે લાશને કારમાં નાંખી ફેંકી આવ્યા હતાં. લાંબો સમય સુધી શાંતિલાલ અને હીનાબેન વચ્ચે રિલેશનશીપ હતી, પણ છેલ્લે તેમાં ખટરાગ ઉભો થતાં વાત હત્યા સુધી પહોંચી હતી.

ઘટનાની વિગતો જોઇએ તો બુધવારે બપોરે મવડી કણકોટ રોડ પર પાણીના ખાડામાંથી એક અજાણી આશરે ૪૮ થી ૫૦ વર્ષની મહિલાની લાશ મળતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, પૃથ્વીરાજસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. એસીપી બી. બી. રાઠોડ, પી. આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી સહિતની ટીમ પણ દોડી ગઇ હતી. મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી હતી. એ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી એક લાઇટ બીલ મળ્યું હતું. તેના આધારે તપાસ  થતાં આ મહિલાનું ઘર અને નામ સરનામુ મળ્યા હતાં. આ મહિલા હીનાબેન રાજેશભાઇ મહેતા (વણિક) (ઉ.૪૮) હોવાનું અને તેનો પુત્ર ગોૈરવભાઇ રાજેશભાઇ મહેતા (ઉ.૨૮) રેલનગર સંતોષીનગર મેઇન રોડ પર પેટ્રોલ પંપ સામે વીર સાવરકર ટાઉનશીપ ઇ-૧૨માં રહેતો હોવાનું જણાતાં તેને બોલાવી લાશ ઓળખાવી હતી.

ગોૈરવભાઇએ પોલીસને જે વિગતો આપી હતી તેના આધારે અને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આવેલા પ્રાથમિક રિપોર્ટને આધારે આ બનાવ આકસ્મિક મોતનો કે કુદરતી મોતનો નહિ પણ હત્યાનો હોવાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી. ગોૈરવભાઇએ શંકા દર્શાવતાં તેના આધારે પોલીસે મવડી પ્લોટ માયાણીનગર-૧, પાણીના ટાંકા સામે કર્મયોગી સ્કૂલવાળા મકાનમાં પહેલા માળે રહેતાં આ સ્કૂલના સંચાલક શાંતિલાલ હરદાસભાઇ વીરડીયા (લેઉવા પટેલ) (ઉ.૫૩) તથા તેના મિત્ર વિજય શ્રીઆધ્યા રાય (ઉ.૩૭-રહે. નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૫, વાજસુરભાઇ ડેરના મકાનમાં ભાડેથી, મુળ મુંડેરારાય તા. દનધરા થાણુ દધનધરા જી. સંત કબીરનગર યુ.પી.)ને સકંજામાં લઇ વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરવામાં આવતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ બંનેએ જ હત્યા નિપજાવ્યાનું સ્પષ્ટ થતાં પોલીસે ગોૈરવભાઇની ફરિયાદ પરથી સ્કૂલ સંચાલક શાંતિલાલ અને તેના મિત્ર વિજય રાય સામે આઇપીસી ૩૦૨, ૫૦૪, ૧૨૦ (બી), ૨૦૧, ૧૧૪ મુજબ કાવત્રુ રચી હત્યા કરવાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે.

ગોૈરવભાઇએ જણાવ્યું છે કે હું મારા પત્નિ અને ભાઇ ભાભી સાથે રહુ છું. મારા પિતા રાજેશભાઇનું ૨૦૦૭માં હાર્ટએટેકથી અવસાન થયું છે. હું ધરમ સિનેમા નીચે આવેલા મુંબઇ લેગાસી નામના રેસ્ટોરન્ટમાં કેશિયર તરીકે ત્રણ મહિનાથી નોકરી કરુ છું. મારા માતા હીનાબેન વડવાજડી ગામમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા તરીકે ૧૧ વર્ષથી નોકરી કરતાં હતાં. અપડાઉનમાં લાંબુ પડી જતું હોઇ જેથી દોઢેક વર્ષથી માતા જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશન ગોડાઉન રોડ પર મધુરમ્ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૩માં ચોથા માળે રહેતાં હતાં.

જન્માષ્ટમીના દિવસે એટલે કે ૩/૯ના રોજ બપોરે એકાદ વાગ્યે મારા મમ્મીએ મને ફોન કરીને કહેલ કે 'હું આજે શાંતિલાલ કાકાના ઘરે જઇ રહી છું'. શાંતિલાલ કાકા મારા પિતાજીના મિત્ર હતાં. અમે બંને ભાઇઓ અગાઉ બહુચર વિદ્યાલયમાં ભણતાં હતાં ત્યારે શાંતિલાલ કાકા ત્યાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હોઇ અમારા બંનેના પરિવારો વચ્ચે સારા સંબંધ હોઇ એક બીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર પણ હતો. જેથી આઠમને દિવસે મારા માતુશ્રીએ પોતે શાંતિલાલ કાકાના ઘરે જઇ રહ્યા છે તેવી વાત કરી હતી. ત્યારબાદ તા. ૪ના સવારે આઠેક વાગ્યે મેં મારા માતાને ફોન કરતાં ફોન બંધ આવતો હતો. જેથી શાંતિલાલ કાકાને ફોન કરતાં તેણે બરાબર જવાબ ન આપી ફોન કાપી નાંખ્યો હતો. સાંજે પણ માતાનો ફોન બંધ આવતો હોઇ ફરીથી શાંતિલાલ કાકાને ફોન કરતાં તેણે ત્યારે પણ વાત ન કરી ફોન કટ કરી નાંખતા અમે તેની કર્મયોગી સ્કૂલ ખાતે ગયા હતાં. ત્યારે ત્યાં શાંતિલાલ કાકાનો મિત્ર યુ.પી.નો વિજય રાય હાજર હતો. તેને મારા મમ્મી વિશે પુછતા તે ગાળગાળી કરી મારા મમ્મી વિશે જેમ તેમ બોલવા માંડ્યો હતો. તે અગાઉ ખૂનના ગુનામાં સંડોવાઇ ચુકયો હોઇ જેથી તેની સાથે વધુ વાત ન કરી અમે નીકળી ગયા હતાં.

ગોૈરવભાઇએ વધુમાં જણાવ્યું છે કે ગઇકાલે ગુરૂવારે તાલુકા પોલીસ મથક તરફથી એક મહિલાની લાશ પાણીના ખાડામાંથી મળી હોવાની જાણ થતાં હું ત્યાં તપાસ કરવા ગયો હતો. પોલીસે મને લાશ દેખાડતાં તે મારા માતાની જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. તેની હત્યા થયાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું. છેલ્લા ચારેક વર્ષથી મારા મમ્મીને શાંતિલાલ અવાર-નવાર ફોન કરીને પોતાને ત્યાં પરાણે બોલાવતાં હતાં. મારા મમ્મી તેને તાબેન થતાં ન હોઇ જેનો ખાર રાખી શાંતિલાલે મિત્ર વિજય રાય સાથે કાવત્રુ ઘડી મારા મમ્મીને વાત કરવાના બહાને બોલાવી મોતને ઘાટ ઉતારી દીધાનું અને લાશને કણકોટ રોડ પર પાણીના ખાડામાં નાંખી દીધાનું જાણવા મળતાં ફરિયાદ નોંધાવી છે.

હત્યામાં સામેલ શાંતિલાલ વીરડીયા ભાજપ સાથે પણ સંકળાયેલ છે અને બે સ્કૂલ તથા કોલેજનો સંચાલક છે. તેમજ સિવિલ હોસ્પિટલમાં આવેલી મહિલાઓને મદદરૂપ થતી સંસ્થા વન સ્ટેપ સેન્ટરમાં પણ તે કોન્ટ્રાકટ ધરાવે છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ભરત રાઠોડ તથા એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને માર્ગદશેન હેઠળ પી.આઇ. વી.એસ. વણઝારાની દેખરેખ હેઠળ આ ગુનાનો ભેદ પીએસઆઇ જી.એસ. ગઢવી, એએસઆઇ ડી.વી. ખાંભલા, હેડકોન્સ. એ. કે. કવાડીયા, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નગીનભાઇ ડાંગર, ગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, હિરેનભાઇ સોલંકી, અરજણભાઇ ઓડેદરા સહિતની ટીમે ઉકેલ્યો છે. વિશેષ તપાસ માટે બંને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ગોૈરવ અને તેનો ભાઇ જેને કાકા કહેતાં એ જ કાતિલ નીકળ્યો!

ગોૈરવે તો ત્યાં સુધી કહ્યું કે -કાકા હત્યા કરી જ ન શકેઃ પણ સત્ય સામે આવતાં ખળભળી ગયો

હીનાબેનની હત્યા સબબ જેની ધરપકડ થઇ છે તે સ્કૂલ સંચાલક શાંતિલાલ વીરડીયા સાથે હીનાબેનના પરિવારને વર્ષોથી પારિવારીક સંબંધો હતાં. તેના બે પુત્રો ગોૈરવ અને પાલવ તો શાંતિલાલ બહુચર સ્કૂલમાં શિક્ષક હતાં ત્યારે તેની પાસે જ ભણ્યા હતાં. આ કારણે બંને ભાઇઓ તેને શાંતિલાલ કાકા કહીને જ બોલાવતાં હતાં. એ કાકા જ કાતિલ હોવાનું પોલીસે જાહેર કરતાં બંને ચોંકી ગયા હતાં. પહેલા તો આ બંને ભાઇઓએ શાંતિલાલ કાકા હત્યા કરી જ ન શકે તેવું પણ કહ્યું હતું. પણ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે બંને ખળભળી ગયા હતાં.

૨૦૦૨માં હીનાબેન મહેતાએ શાંતિલાલની સ્કૂલમાં નોકરી કરી'તી

તેણીના માવતર ગુંદાવાડીમાં રહે છેઃ બે ભાઇ અને ૯ બહેનમાં ચોથા હતાં: નોકરી મુકયા બાદ શાંતિલાલ સતત હેરાન કરતો

હત્યાનો ભોગ બનેલા હીનાબેનના માવતર ગુંદાવાડીમાં રહે છે. તેણી બે ભાઇ અને નવ બહેનમાં ચોથા હતાં. સંતાનમાં બે દિકરા છે અને પતિનું અવસાન ૨૦૦૭માં થયું હતું. હીનાબેન ૨૦૦૨માં શાંતિલાલ વીરડીયાની કર્મયોગી સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરતાં હતાં. એ પછી ૨૦૦૩માં નોકરી મુકી દીધી હતી. છેલ્લા ચારેક વર્ષથી શાંતિલાલ તેને પરાણે ફોન કરી ધરાર મળવા બોલાવતાં હતાં અને હવે તેણી તાબે ન થતાં તેની હત્યા કરાયાનું તેના પુત્રએ જણાવ્યું હતું. હાલમાં હીનાબેન મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન સંભાળતા હતાં.

શાંતિલાલે શાંતિથી વાત કરવાના બહાને બોલાવી કાવત્રુ પાર પાડ્યું

હીનાબેન રૂમમાં બેઠી હતી ત્યારે વિજયએ દોરીથી ફાંસો દીધોઃ શાંતિલાલ જોઇ ન શકતાં બાથરૂમમાં જતો રહ્યો

બપોરે હત્યા બાદ લાશને બાથરૂમમાં  રાખી તાળુ મારી દીધું: રાત્રે બંનેએ લાશ એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતારી સ્કોર્પિયો મારફત કણકોટ પાસે નિકાલ કર્યો

રાજકોટ તા. ૭: પોલીસે શાંતિલાલ વીરડીયાને ઉઠાવી લીધા બાદ તેણે પહેલા તો પોતે અજાણ હોવાની વાતો કરી હતી. પણ પોલીસ પાસે મજબુત પુરાવા હોઇ શાંતિલાલની વિશીષ્ટ પુછતાછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી દીધી હતી. શાંતિલાલે જણાવ્યું હતું કે વર્ષોથી બંને વચ્ચે રિલેશન હતાં. પણ હવે પોતે તેને ઇગ્નોર કરતો હોઇ હીનાબેન પરાણે રિલેશન રાખવા કહેતી હતી અને સતત હેરાન કરતી હતી આ કારણે તેનો કાંટો કાઢી નાંખવા પીઓપીનું કામ કરતાં અને પોતાના પરિચીત એવા યુ.પી.ના વિજય રાયને બોલાવી કાવત્રુ ઘડ્યું હતું. એ મુજબ જન્માષ્ટમીના બપોરે હીનાબેનને ફોન કરી શાંતિથી વાતચીત કરવાના બહાને બોલાવતાં તેણી આવી હતી અને બંને કર્મયોગી સ્કૂલ નજીક જ આવેલા પોતાના નવા બની રહેલા બીજા ફલેટમાં પહોંચ્યા હતાં. જ્યાં પ્લાન મુજબ હીનાબેન રૂમમાં બેઠી હતી ત્યારે પાછળથી અચાનક વિજય રાય આવ્યો હતો અને કલર કામ માટેના ઝૂલાના દોરડાથી ગળાફાંસો આપી દીધો હતો. શાંતિલાલ પોતે આ દ્રશ્ય જોઇ ન શકતાં બાથરૂમમાં જતો રહ્યો હતો. એ પછી હીનાબેન મરી ગયાની ખાત્રી કરી બંનેએ લાશને બાથરૂમમાં મુકી તાળુ મારી દીધુ હતું.

બપોરના સમયે લાશનો નિકાલ કરવો શકય ન હોઇ રાત્રે બંને ફરીથી સ્કોર્પિયો લઇને પહોંચ્યા હતાં. ત્યારે બધા કૃષ્ણ જન્મોત્સવમાં ગયા હોઇ લાશ નીચે ઉતારી હતી અને સ્કોર્પિયોમાં નાંખી કણકોટ રોડ પર ખાડામાં નાંખી પોતપોતાની ઘરે જઇને સુઇ ગયા હતાં.

શાંતિલાલને લગતી તમામ બાબતો હીનાબેન એક ડાયરીમાં લખતી હતી

અગાઉ મોબાઇલ, સ્કૂટી લઇ આપ્યા'તાઃ આ મહિને શાંતિલાલ ફલેટ લઇ આપશે તેવી નોંધ પણ હતી!

. પોલીસને પહેલા લાશ જ્યાંથી મળી ત્યાંથી એક લાઇટ બીલ મળ્યું હતું. આ બીલ હીનાબેન જ્યાં ભાડેથી રહેતાં તે જામનગર રોડ પર ફૂડ કોર્પોરેશનના ગોડાઉન નજીકના ફલેટનું હતું. ત્યાં જઇ ઘરધણીને પુછતાં લાશ ઓળખાઇ ગઇ હતી. પોલીસે તાળુ ખોલાવડાવી રૂમમાં તપાસ કરતાં અંદરથી હીનાબેનના પુત્રના ફોન નંબર, સરનામુ તેમજ શાંતિલાલ-હીનાબેનના ફોટા સહિતનું સાહિત્ય મળ્યું હતું. તેમજ એક ડાયરી પણ મળી હતી. જેમાં હીનાબેને શાંતિલાલને લગતી બાબતોની નોંધ કરી હતી. જેમાં તેણે એવું પણ લખ્યું હતું કે આ  મહિને મને શાંતિલાલ ફલેટ લઇ દેવાના છે. અગાઉ સ્કૂટી અને મોબાઇલ ફોન પણ શાંતિલાલે લઇ દીધા હતાં.

હીનાબેનના ફલેટ લગભગ દરરોજ એક સફેદ રંગની ગાડી લઇને એક ભાઇ આવતાં હોવાની વાત પણ આ ફલેટના અન્ય રહેવાસી વૃધ્ધાએ પોલીસને જણાવી હતી. તેના આધારે અને ફોટાઓના આધારે તપાસ થતાં પોલીસ હત્યારાના મુળ સુધી પહોંચવામાં સફળ રહી હતી.

બ્લેકમેઇલીંગથી કંટાળી જતાં કાંટો કાઢી નાંખ્યાનું શાંતિલાલનું રટણ

 હત્યા સબબ પોલીસે શાંતિલાલ વીરડીયા અને તેના મિત્ર વિજય રાયની ધરપકડ કરી છે. શાંતિલાલે એવું રટણ કર્યુ છે કે પોતાની અને હીનાબેનની વચ્ચે લાંબા સમયથી રિલેશનશીપ હતી. પણ હાલમાં તેણે તેણી સાથેના સંબંધો ઓછા કરી નાંખ્યા હતાં. કારણ કે તેની ડિમાન્ડ વધતી જતી હતી. હવે તે ગમે ત્યારે ઘર સુધી પાછળ આવી જતી હતી. અવાર-નવાર પીછો કરતી હતી. તે બ્લેકમેઇલીંગ પણ કરવા માંડી હતી. આ કારણે પોતે ખુબ કંટાળી જતાં યુ.પી.ના વિજયને બોલાવી હીનાબેનથી પીછો છોડાવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. એ મુજબ તેણીને વાત કરવાના બહાને બોલાવી પતાવી દીધી હતી.

(1:40 pm IST)