Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પર્યુષણ પર્વના બીજા દિવસે વાર્ષિક ૧૧ કર્તવ્યોની સમજ આપતા ગુરૂ ભગવંતો

ચૌદ પૂર્વી આચાર્યદેવ શ્રી ભદ્રબાહુ સ્વામી રચિત કલ્પસૂત્ર ગ્રંથની કાલે વ્યાખ્યાન દરમિયાન ઉછામણી બોલાશે

જૈનો ભકિતમાં લીન : રાજકોટ : પર્વાધિરાજ પર્યુષણનો મંગલ પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે સમસ્ત જૈન સમાજ ભકિતમાં લીન બન્યો છે. દેરાસરો - ઉપાશ્રયોમાં ભાવિકો પ્રભુજીના દર્શન - પૂજા કરી સંત - સતીજીઓની વ્યાખ્યાન વાણીનો લાભ લઈ રહ્યા છે. રાજકોટના પંચવટી દેરાસર તથા મણીઆર દેરાસર ખાતે પ્રભુજીને અંગરચના કરવામાં આવી હતી. સાથોસાથ ભાવનામાં પણ ભાવિકોએ મોટી સંખ્યામાં પ્રભુના ગુણગાન ગાયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૭ : પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજે બીજો દિવસ છે. ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતોએ વ્યાખ્યાનમાં વાર્ષિક અગિયાર કર્તવ્યો વિશેની જાણકારી આપી હતી.

આવતીકાલ તા.૮મીના શનિવારે વ્યાખ્યાનમાં પૌષધવ્રતનું મહત્વ, દૈનિક ૬ કર્તવ્ય જેમાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ તથા દાનનો સમાવેશ થાય છે. કાલે વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર ગુરૂ ભગવંતને વહોરાવવાની ઉછામણી થશે અને લાભાર્થી પરિવારને ત્યાં વાજતે - ગાજતે કલ્પસૂત્ર લઈ જવાશે અને ચોથા દિવસે કલ્પસૂત્ર પૂ. ગુરૂ ભગવંતને વહોરાવવામાં આવશે અને કલ્પસૂત્રનું વાચન ગુરૂ ભગવંત આરંભ કરશે.

જિનાલયો અને સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો માહોલ સર્જાયો છે.

સૌરાષ્ટ્રના તમામ ઉપાશ્રયોમાં પૂ. ગુરૂ ભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ઠેર-ઠેર તપાત્યાગ, ધર્મ આરાધનાઓ શરૂ થઈ ચૂકી છે. મૂર્તિપૂજક જૈન સંઘોમાં આજે અગિયાર કર્તવ્યનું વર્ણન ગુરૂ ભગવંતોએ કર્યુ હતું. આ કર્તવ્યોમાં સંઘપૂજન, સાધર્મિક ભકિત, યાત્રાત્રિક, સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજા, રાત્રી જાગરણ, શ્રુત પૂજા, ઉદ્યાપન, તીર્થ પ્રભાવના અને આલોચના વિશેનું વર્ણન કરાયુ હતું.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છમાં દેરાસરો તથા ઉપાશ્રયોમાં પર્યુષણ પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનો વગેરેનું ભાવસભર આયોજન કરવામાં આવ્યુ છે.

સાથોસાથ પ્રભુજીની આંગી, વ્યાખ્યાન, પ્રતિક્રમણ અને ભકિતસંગીત સાથે જૈનો જીનાલય અને ઉપાશ્રયોમાં આઠ દિવસ સુધી જીન ભકિતમાં લીન રહી આરાધના કરી રહ્યા છે. આત્મશુદ્ધિના આ પવિત્ર પર્વમાં ધર્મોલ્લાસ છવાયો છે.

આવતીકાલે પૂ. ભગવંતો છ દૈનિક કર્તવ્યોનું વર્ણન કરશે. માણસે પોતાના દૈનિક જીવનમાં છ કર્તવ્યો અવશ્ય કરવા જોઈએ. જેમાં દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન વગેરે.

આવતીકાલે પૂ. ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન દરમિયાન જૈનોના અતિપવિત્ર ગ્રંથ કલ્પ સૂત્રને ઘર લઈ જવા અને વહોરાવવાના તેમજ પૂજા વગેરેના ચઢાવા બોલાશે. બપોરે વાજતે - ગાજતે ઘેર લઈ જઇને લાભાર્થી પરિવાર શણગારેલા સ્થાનમાં પધરાવશે. રાત્રી જાગરણ કરી પ્રભુ ભકિતની રમઝટ જમાવશે. પર્યુષણ પર્વના ચોથા દિવસે લાભાર્થી પરિવાર તથા શ્રી સંઘ વાજતે - ગાજતે 'કલ્પસૂત્ર' ગ્રંથ બહુમાનપૂર્વક લાવી ગુરૂ મહારાજને અર્પણ કરશે પૂજા વિધિ થયા બાદ પૂજય ગુરૂદેવ શ્રી તેનું વાંચન શરૂ કરશે.

જેમ માર્ચ મહિનાનું છેલ્લુ અઠવાડીયુ આવે અને વ્યાપારી પોતાનું એકાઉન્ટ વ્યવસ્થિત કરી દે છે. તે જ રીતે પર્યુષણ વાર્ષિક પર્વ હોવાથી ધાર્મિક આત્મા વાર્ષિક કર્તવ્યોમાં કોઈ કર્તવ્ય બાકી રહી ગયુ હોય તો આ છેલ્લા અઠવાડીયામાં પૂર્ણ કરી દે છે અને ભવિષ્યમાં વાર્ષિક કર્તવ્યોનું અંદાજપત્ર તૈયાર કરી દે છે એ હેતુથી આજે ધર્મસભામાં ગુરૂ ભગવંતોને (૧૧) કર્તવ્યોનું વર્ણન કરવાનું હોય છે. આ આઠ દિવસ મોટા ભાગના શ્રાવકો બે ટાઈમ પ્રતિક્રમણ, જિનપૂજા, જિનવાણી શ્રવણ કરતા હોય છે. આજ ધર્મસભામાં ગુરૂ ભગવંતો શ્રાવકે કરવા યોગ્ય (૧૧) કર્તવ્ય સમજાવે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) સંઘપૂજન (૨) સધાર્મિક ભકિત (૩) યાત્રાત્રિક (૪) સ્નાત્ર મહોત્સવ (૫) દેવદ્રવ્ય વૃદ્ધિ (૬) મહાપૂજા (૭) રાત્રી જાગરણ (૮) શ્રુત પૂજા (૯) ઉદ્યાપન (૧૦) શાસન પ્રભાવના (૧૧) આલોચના.

આ ૧૧ કર્તવ્યોમાંથી ૧૦ કર્તવ્યો ધનની મમતા ખંખેરવા માટે છે. વિષય અને કષાયથી કાળા મહોતા જેવા બનેલા આત્માનો મેલ આલોચનાથી ધોવાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખત પાપ થશે તો વધુ તીવ્ર નહિં થાય.

હૃદયના ભાવથી આલોચના લઈને તેજ ભવે મોક્ષે ગયા છે. આ ૧૧ કર્તવ્યો દ્વારા ધાર્મિક આત્માએ તન-મન-ધનનો કચરો દૂર કરી આત્માને પવિત્ર અને નિર્મળ બનાવવો જોઈએ.

પર્યુષણ દરમિયાન પ્રતિક્રમણમાં આજે બીજા દિવસે માંગલિક પ્રતિક્રમણ હોય છે. જેમ કેમેરામાં લેન્સ ઉપર ધુળ હોય તો ફોટા સારા આવે તે જ રીતે આ વાર્ષિક કર્તવ્ય ૧૧ પૂર્ણ ન થયા હોય તો આત્મા પર્વાધિરાજની આરાધના વ્યવસ્થિત થઈ શકતી નથી.(૩૭.૫)

(12:16 pm IST)