Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સોનીબજારમાં આંગડિયા પેઢી કાચી પડ્યાની ચર્ચા

જન્માષ્ટમી પહેલા જ પેઢીને અલીગઢી તાળા લટકતા વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા

રાજકોટ તા. ૭ : શહેરની સોનીબજારમાં આંગડિયા પેઢીના ભરોસે મોટાભાગનો વ્યવહાર થતો હોય છે તેવામાં એક આંગડિયા પેઢી કાચી પડ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. જાણકારોના માનવા મુજબ જન્માષ્ટમી પહેલા જ આ પેઢીમાં અલીગઢી તાળા લાગી ગયા છે અને હજુ પણ પેઢી નહિ ખુલતા તરેહ તરેહની ચર્ચા જાગી છે.

સોનીબજારમાં દાયકાઓથી વેપારીઓ અને આંગડિયા વચ્ચે વિશ્વસનીયતાનો સેતુ રચાયો છે તેવામાં કેટલીક ઓછી જાણીતી કે પેટા નામ ધરાવતી પેઢીઓ આ વિશ્વાસનીયતાનો સરેઆમ ભંગ કરીને વેપારીઓને ધુંબો મારતા હોય છે તેવામાં કહેવાય છે કે દરબારગઢ પાસે દુકાન ધરાવતી એક આંગડિયા પેઢી ફેઈલ થઇ છે.

સોનીબજારમાં આ આંગડિયા પેઢી ફેઈલ થયાની ચર્ચાએ વેપારીઓના જીવ તાળવે ચોંટયા છે અને એકબીજાને પૂછપરછ કરીને સ્થિતિનો તાગ મેળવી રહયાનું જાણવા મળે છે.(૨૧.૧૬)

(3:59 pm IST)