Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રામનાથદાદાના મંદિરની ઉપરથી ૭ ફૂટના પાણી વહી રહ્યા હતા : તંત્રની જોરદાર કામગીરી

સમગ્ર વિસ્તારમાં માઈકની ગાડી ફેરવવામાં આવી, રાત્રે બે વાગ્યા બાદ જળસ્ત્રાવ ઓછો થવા લાગ્યો : ફાયરબ્રિગેડ અને મંદિરના સ્વયંસેવકો સતત ખડેપગે રહ્યા

રાજકોટ, તા. ૭ : શહેરમાં ગતરાતે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના ભારે પ્રવાહથી આજી નદીમાં પાણીનો જોરદાર ફલો જોવા મળ્યો હતો તો સુપ્રસિદ્ધ એવા શ્રી રામનાથ દાદાના મંદિરની ઉપરથી સાત ફૂટના પાણી વહી રહ્યા હતા. પરંતુ તંત્ર અને મંદિરના સ્વયંસેવકોની સુપર્બ કામગીરી જોવા મળી હતી.

ગતરાત્રીના આજી નદીમાં પાણીનો સ્ત્રાવ વધી જતા અને રામનાથ મંદિરની ઉપરથી પાણી વહેતા આ બાબતની જાણ તંત્રને કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તુરંત દોડી ગઇ હતી અને ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણી નિકાલની વ્યવસ્થામાં લાગી ગયા હતા.

તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં વધારાની લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથોસાથ આખા વિસ્તારમાં માઈકની ગાડી ફેરવી રહેવાસીઓને સાબદા રહેવા સુચનાઓ આપવામાં આવી હતી. રાત્રીના બે વાગ્યા બાદ મંદિર ઉપરથી પાણી ઓસરવા લાગ્યુ હતું.

આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજી નદી સહિતના વિસ્તારમાં ગંદકીની સફાઈ કરવામાં આવી રહ્યાનું ભાજપ અગ્રણી શ્રી જીતુભાઇ મહેતા અને અમિતભાઈ ભુવાએ જણાવ્યુ હતંુ. મેયર બીનાબેન આચાર્ય, શ્રી નીતિનભાઇ  ભારદ્વાજ તેમજ કોર્પોરેશનની અને રામનાથ મંદિરના સ્વયંસેવકોની ટીમનો આભાર માનવામાં આવેલ.

(3:57 pm IST)