Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પોલીસ બાતમીદારની હત્યાના ગુનામાં આરોપીની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા. ૭: દારૂના ધંધાર્થી વિરૂધ્ધ પોલીસને બાતમી આપનાર બાતમીદારની રાજકોટથી અપહરણ કરીને ગોંડલની સીમમાં લઇ જઇને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ અને છેલ્લા છ વર્ષથી જેલમાં રહેલા આરોપી વિપુલ ઉર્ફે વિપલો લાભુ મેતાએ માનવતાનું કારણ બતાવી ૩૦ દિવસ માટે વચગાળાના જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી પ્રશાંત જેને નકારી કાઢી હતી.

આ બનાવ અંગે કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે રહેતા રતનસિંહ મનજીભાઇ ભુરીયાએ ફરીયાદ નોંધાવી હતી, પોલીસ તપાસ દરમ્યાન મરનાર અનિરૂધ્ધ ઉર્ફે કડાકો નામની વ્યકિત પોલીસનો બાતમીદાર બની આરોપીના દારૂના વેચાણ અંગેની બાતમી આપતો હોય તા. પ-પ-૧૪નાં રોજ રાજકોટના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ મચ્છાનગરમાંથી હાલના આરોપી વિપુલ તેમજ સહઆરોપીએ અપહરણ કરી ગોંડલની સીમમાં લઇ જઇને છરીના ઘા મારીને હત્યા કરી હતી. આરોપીઓએ હત્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવા મૃતકની લાશ કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામની રેલ્વે કોલોની પાસે લઇ જઇને રેલ્વેના પાટા ઉપર લાશ મુકીને પુરાવાનો નાશ કરવાની કોશિષ કરી હતી.

આ ગુનામાં આરોપી વિપુલ મેતા બનાવ બાદ છેલ્લા છ વર્ષથી જેલમાં હોય પિતાની બિમારી અને ખેતી કામનું કારણ બતાવીને ૩૦ દિવસ માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરતાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયાએ કરેલ રજુઆતને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી પ્રશાંત જૈને આરોપીની વચગાળાની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઇ પીપળીયા રોકાયા હતાં.

(3:50 pm IST)