Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

'રૂમઝુમ' પગલા પડયા, મોભીઓના 'હેત' ઢળ્યા, જોવા 'રસિયા' ટોળે વળ્યા રે..., 'બિનહરીફ' થવાના એંધાણ થયા

રા.લો. સંઘમાં સમાધાન : 'લગોલગ' રહીને બેય જુથની ઉમેદવારી

અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, નરેન્દ્રસિંહ જાડેજા, મનસુખ સરધારા વગેરે ચૂંટણીના મેદાનમાં : ભાનુભાઇ, વિજય સખિયા વગેરેની બાદબાકી

રાજકોટ લોધીકા સંઘની ચુંટણીમાં આજે ભાજપ પ્રેરીત પેનલના ઉમેદવારો અરવિંદ રૈયાણી, નિતીન ઢાંકેચા, નરેન્દ્રસિંહ જાડેજા, મનસુખ સરધારા વગેરેએ ઉમેદવારી પત્ર રજુ કર્યુ હતું. ઉમેદવારો જાહેર કરતા પુર્વે જીલ્લા બેંક ખાતે યોજાયેલ બેઠકમાં સહકારી આગેવાનો જયેશ રાદડીયા, ડી.કે.સખીયા, હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલીયા, ગોરધન ધામેલીયા, નાગદાનભાઇ ચાવડા, અરવિંદ તાળા વગેરે ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૭ : સહકારી ક્ષેત્રની સંસ્થા રાજકોટ-લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ૧પ બેઠકો માટે ભાજપના ઢાંકેચા જુથ અને રૈયાણી જુથ વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર થઇ ગયો છે. આજે સવારે જિલ્લા બેંકે એકત્ર થયા બાદ બપોરે બન્ને જુથના ઉમેદવારો સંયુકત રીતે ઉમેદવારી કરી છે. વર્તમાન શાસક ઢાંકેચા જુથ અનેે રા.લો.માં પ્રથમ વાર પ્રવેશ ીરહેલા  અરવિંદ રૈયાણી જુથના ભાગે સમજુતીમાં અડધી-અડધી બેઠકો આવી છે.  જયેશ રાદડીયા સહિતના આગેવાનોની મધ્યસ્થીથી બંન્નેએ સમાધાન સ્વીકાર્યુ છે. બે બેઠક માટે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ રહયા બાદ આખરે સર્વાનુમતે નિર્ણય થયો હતો. આજની પસંદગી આખરી રહે અને પરિણામ એ જ આવે તો ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી વખતે રસાકસી થવાના સંજોગો છે.

ભાજપના બન્ને જુથો વચ્ચે સમાધાન કરાવવા પાર્ટીના સહકારી અગ્રણીઓ જયેશ રાદડિયા, ડી.કે. સખિયા, લાલજીભાઇ સાવલિયા અને રમેશ રૂપાપરાએ ભૂમિકા ભજવી છે. ભાનુભાઇ મેતા, વિજય સખિયા જેવા પ્રબળ દાવેદાર ગણાતા આગેવાનોની બાદબાકી થઇ ગઇ છે. પાર્ટીના હાઇકમાન્ડના નિર્દષ મુજબ બન્ને જુથોએ સમાધાન સ્વીકાર્યું છે પરંતુ હજુ દિલની એકતા થશે કે કેમ ? તે પ્રશ્નાર્થ છે. હાલનું સમાધાન ટકી રહે અને અન્ય કોઇ દાવેદારી ન કરે તો બધી બેઠકો બિન હરીફ થઇ જશે.

સમાધાન માટેની બેઠકોમાં જયાં ખેંચતાણ સર્જાયેલ ત્યાં આખરી નિર્ણય જયેશ રાદડિયા પર છોડવામાં આવ્યો હતો રા.લો. સંઘમાં નીતિન ઢાંકેચા જુથના બે દાયકાના એકચક્રી શાસન બાદ બીજા જુથની એન્ટ્રી થઇ છે. ૧પ પૈકી બંન્ને જુથ પોતાના ૮-૮ ઉમેદવારો પસંદ થયાનું જણાવે છે. એક બેઠક વ્યકિતગત મત વિભાગની છે. એક બેંકના પ્રતિનિધિ સંઘમાં આવશે. અત્યારે તો સમાધાન થઇ ગયું છે હવે  જન્માષ્ટમી પછી ચેરમેન અને વાઇરસ ચેરમનની ચુંટણી થાય ત્યારે જંગ જામવાના એંધાણ છે. મધ્યસ્થીઓએ પસંદ કરેલા ઉમેદવારોની નામાવલી નીચે મુજબ છે.

રાજકોટ તાલુકો

અરવિંદ રૈયાણી-કુવાડવા

લક્ષ્મણ સિંધવ-ફાડદંગ

નીતિન ઢાંકેચા-સરધાર

નાથાભાઇ સૂરાણી-બેડલા

હરિભાઇ અજાણી-સણોસરા

રામાભાઇ ધડુક-હલેન્ડા

પ્રવીણ સખિયા-મોટામૌવા

હંસરાજ પીપળીયા-બેડી

બાબુભાઇ નસિત-કોઠારિયા

નરેન્દ્રભાઇ ભુવા-ત્રંબા

લોધિકા તાલુકો

નરેન્દ્રસિંહ જાડેજા-ખીરસરા

મનસુખ સરધારા-ચીભડા

કાનાભાઇ ખાપરા-દેવગામ

સંજય અમરેલીયા-જેતાકુબા

અરજણભાઇ રૈયાણી-પારડી

(3:46 pm IST)