Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

હત્યારા પિતાએ કહ્યું: જે માંગે એ લઇ આપતો પણ છેલ્લે એણે કહ્યું હવે હું આ ઘરનું પાણી પણ નહિ પીવ...એટલે કાળ ચડ્યો ને ધોકા માર્યા

ગઇકાલે પિતાએ ચા બનાવીને આપ્યો તો ન પીધો અને ફરદીન સાથે લગ્ન કરાવી આપવાની જીદ પકડતાં જીવ ગયો : ગાંધીગ્રામની હત્યાની ઘટનામાં બહાર આવેલી વિગતોઃ પિતાએ ઉછી ઉધાર કરીને પણ એકટીવા, એન્ડ્રોઇડ મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ લઇ આપી હતીઃ દિકરીને ફટકાર્યા બાદ ગોપાલભાઇએ જુનાગઢ રહેતાં કોૈટુંબીક ભાઇને ફોન કરી ઘટનાની જાણ કરી અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા : વીસેક દિવસ પહેલા ઇલાને જુનાગઢમાં તેના કાકાએ સમજાવી હતી, ૨૩મીએ પિતાનું ઘર છોડી ફરદીન પાસે જતી રહેલીઃ ૪/૮ના બંને સમાજના આગેવાનો ભેગા થતાં ઇલા પરત પિતાના ઘરે આવી ગઇ અને ૬/૮ના પિતાના હાથે હત્યા થઇ : મને હતું કે દિકરી મારા ઘડપણની લાકડી બનશે, પણ મારા હાથે જ તેની હત્યા થઇ ગઇઃ પિતાએ રાતભર પોલીસ મથકમાં આંસુ વહાવ્યાઃ ભોજન પણ ત્યજી દીધું

રાજકોટ તા. ૭: 'સાહેબ, શું કરવું એ કોઇ વાતે સમજવા તૈયાર જ નહોતી, એની એક જ જીદ હતી કે મને ફરદીન પાસે જવા દ્યો, મારા લગ્ન એની સાથે કરાવી દ્દયો...એ શકય જ નહોતું. હું એને જે જોઇએ એ લઇને આપતો હતો, મારી એકની એક દિકરી હતી...હું ભલે રોજના ચારસો રૂપિયા કમાતો હોઉ, પણ એને એકટીવા, એન્ડ્રોઇડ મોબાઇલ એમ બધુ લઇ આપતો હતો...ગઇકાલે મેં એના માટે ચા બનાવી અને પીવા આપી તો ન પીધી અને ફરદીન સાથે લગ્ન કરાવી આપવાની જીદ પકડીને બેસી ગઇ. મેં મનાવી તો કહ્યું-હવે આ ઘરનું પાણી પણ નહિ પીવ...બસ પછી મને કાળ ચડ્યો ને કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી દીધા...હવે ખુબ અફસોસ થાય છે, પણ શું કરવું...રસ્તો જ નહોતો'...આ વલોપાત છે ગઇકાલે ગાંધીગ્રામ શાહનગરમાં ૨૦ વર્ષની એકની એક વ્હાલસોયી દિકરી ઇલાની હત્યા કરનારા તેના પિતા ગોપાલભાઇ નારણભાઇ નકુમ (ઉ.વ.૬૦) નામના સતવારા વૃધ્ધનો. ગાંધીગ્રામ પોલીસે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી છે.

હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી ગોપાલભાઇ નકુમના પિત્રાઇ ભાઇ જુનાગઢ મોતી પેલેસ ટાઉનશીપ-૨ મોતીમાલા-૦૧ ખાતે રહેતાં નિવૃત હેડકોન્સ્ટેબલ પ્રવિણભાઇ છગનભાઇ નકુમ (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી ગોપાલભાઇ સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. પ્રવિણભાઇએ પોલીસને જણાવ્યું છે કે ગોપાલભાઇ મારા મોટા બાપુના દિકરા થાય છે. તે તેની દિકરી ઇલા સાથે શાહનગર-૫માં રહે છે. ગોપાલભાઇના પત્નિ સવિતાબેનનું ગત ૧૮/૬/૨૦ના રોજ હાર્ટએટેકને કારણે અવસાન થયું હતું.

પ્રવિણભાઇએ આગળ જણાવ્યું હતું કે આજથી વીસેક દિવસ પહેલા મને મોટા બાપુના દિકરા ગોપાલભાઇએ ફોન કરી જણાવ્યું હતું કે મારી દિકરી ઇલાને શિવપરામાં રહેતા ફરદીન સિપાહી સાથે પ્રેમસંબંધ છે અને તેની સાથે લગ્ન કરવા માટે જીદ કરે છે. મેં તેને અવાર-નવાર સમજાવી છે પરંતુ તે મારી વાત માનતી નથી. આથી મેં તેને દિકરી ઇલાને લઇ જુનાગઢ આવવાનું કહેતાં બીજા દિવસે બંને મારા ઘરે આવતાં મેં ઇલાને સમજાવી હતી કે તારા મમ્મી ગુજરી ગયાને હજુ થોડા દિવસ જ થયા છે ત્યારે લગ્નની વાત તને શોભતી નથી. તારું ભણતર પુરૂ થાય એટલે આપણા સમાજમાં સારો છોકરો શોધી તને ગમશે તો તારી પસંદગી મુજબ લગ્ન કરાવી આપશું. આથી ઇલા સમજી ગઇ હતી અને બાપ-દિકરી પાછા રાજકોટ જતાં રહ્યા હતાં.

એ પછી ઇલા ૨૩/૭/૨૦ના રોજ સાંજે ઘર છોડી ફરદીનના ઘરે જતી રહ્યાનો ફોન મને ગોપાલભાઇએ કર્યો હતો. મેં તેને ઇલાને સમજાવવા કહ્યું હતું. દરમિયાન ગુરૂવારે (ગઇકાલે ૬/૮ના) સવારે દસેક વાગ્યે ગોપાલભાઇએ મને ફોન કરને કહ્યું હતું કે-૪/૮ના રોજ આપણા સમાજના અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળી સમાધાન કરતાં આપણી ઇલા સ્વખુશીથી ઘરે આવી ગઇ હતી. પરંતુ આજે સવારે (ગુરૂવારે) મેં તેને ચા બનાવીને આપતાં તેણે કહ્યું હતું કે ફરદીન સાથે જ્યાં સુધી લગ્ન નહિ કરાવી આપો ત્યાં સુધી આ ઘરનું પાણી પણ હું નહિ પીવ. જેથી મેં તેને ખુબ સમજાવી હતી. પરંતુ તે ફરદીન સાથે લગ્નની જીદ લઇને બેસી જતાં મને ગુસ્સો આવતાં મેં કપડા ધોવાનો ધોકો ઉઠાવી ત્રણ-ચાર ઘા મારી દેતાં તે લોહીલુહાણ થઇ પડી ગઇ હતી. પડોશીઓએ ૧૦૮ બોલાવતાં ઇલાને દવાખાને લઇ ગયેલ છે.

પ્રવિણભાઇએ વિશેષમાં જણાવ્યું હતું કે-ગોપાલભાઇએ મને ફોનથી આ વાત કરતાં હું રાજકોટ આવવા નીકળી ગયો હતો. એ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ઇલાનું મોત થયું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, હીરાભાઇ રબારી, જયસુખભાઇ હુંબલ, ઘેલુભાઇ શિયાર સહિતે જરૂરી કાર્યવાહી કરી આરોપી ગોપાલભાઇ નકુમનો કોવિડ રિપોર્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

દિકરીને ધોકા ફટકાર્યા બાદ સામેથી જ ગોપાલભાઇ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. દિકરી હયાત નહિ રહ્યાની જાણ થતાં ગોપાલભાઇ પોલીસ મથકમાં સતત રડતાં રહ્યા હતાં. ભોજન પણ ત્યજી દીધું હતું. રાતભર આંખનુ મટકુ પણ માર્યા વગર તે સતત આંસુ વહાવતા હતાં. તેણે કહ્યું હતું કે દિકરીના ફરદીન સાથેના પ્રેમ પ્રકરણને લીધે મારી ઘરવાળીનું પણ મૃત્યુ થયું હતું. હવે મારા હાથે દિકરીની હત્યા થઇ ગઇ છે. મારે આગળ પાછળ કોઇ નહોતું. મને હતું કે દિકરી મારા ઘડપણની લાકડી બનશે પરંતુ કંઇક બીજુ જ થયું. તેમ કહી પોક મુકી હતી.

(1:14 pm IST)