Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભારે વરસાદ - તોફાની પવનને કારણે વીજ તંત્રને લાખોનું નુકસાન : ૨૯૯ ફીડર બંધ : ૧૫૯ થાંભલા જમીનદોસ્ત

રાજકોટમાં ૩ ફીડર બંધ થતા અનેક વિસ્તારોમાં લાઇટો ગૂલ : થાંભલા ઉભા કરવા સવારથી ટીમો કાર્યરત

રાજકોટ તા. ૭ : સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ અને તોફાની પવનને કારણે વીજતંત્રને લાખોનું નુકસાન થયાનું બહાર આવ્યું છે.

આજે સવારે ૯ વાગ્યા સુધીના રીપોર્ટ મુજબ જેજીવાયના ૩ અને એગ્રીકલ્ચરના ૨૯૬ સહિત હજુ ૨૯૯ ફીડર સૌરાષ્ટ્ર - કચ્છમાં બંધ હોય ટીમો દ્વારા રીપેરીંગ કાર્યવાહી ચાલુ કરાઇ છે.

આમાં સાંથી વધુ મોરબી જિલ્લામાં ૧૦૮, જામનગર-૪૯, ભૂજ-૬૧ ફીડરો ટ્રીપ થયા છે.

આ ઉપરાંત ૧૫૯ વીજ થાંભલા ખેતરો અને અન્ય વિસ્તારમાં તૂટી પડતા ટીમો દોડી ગઇ છે. જેમાં રાજકોટ સીટીના ૩, રાજકોટ રૂરલ ૩૮, મોરબી-૩૦, જામનગર - ૫૨, અમરેલી - ૨૬ થાંભલા જમીનદોસ્ત થઇ ગયા છે. આ ઉપરાંત ૧૪ ગામોમાં હજુ અંધારપટ હોવાનું જાહેર કરાયું છે.

દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છમાં વ્યકિતગત ૪૪ ફરિયાદોમાંથી ૨૦ ફરિયાદો પેન્ડીંગ છે, રાજકોટ સીટીમાં ૫ ફરિયાદો હજુ પેન્ડીંગ હોવાનું જાહેર કરાયું છે.

આજે સવારે એચટી-૩ના ફીડર બંધ થયા હતા, જેમાં મેંગો માર્કેટ ફીડર, પ્રભાત સોલવન્ટ ફીડર, અજંતા ફીડરનો સમાવેશ થાય છે, આને કારણે ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, કાલાવડ રોડ વિસ્તારમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી.

(11:42 am IST)