Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગૌમાતાના પૂજન સાથે બોળ ચોથની ઉજવણીઃ જન્માષ્ટમી પર્વનો પ્રારંભ

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો ઉત્સવો-લોકમેળાના આયોજનો રદ

રાજકોટ તા. ૭ : આજે બોળચોથ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે. સવારે મહિલાઓ દ્વારા ગૌમાતાનુ પૂજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કારણે સામુહિક ઉજવણી રદ કરવામાં આવી છે.

આજે આ દિવસ ગાયની પૂજા-ગૌસેવા કરવાનો ઉત્તમ દિવસ ગણાય છે. બોળચોથને બકુલાચોથ પણ કહેવાય છે. ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાથી ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પુજા થઇ ગણાય છે.

બોળચોથને દિવસે ગાયને નવી ઝૂલ, ઘંટડી અને શણગાર કરી તેને ઘાસ નાખવું સાથે વાછરડાંની પણ પુજા-અર્ચના કરવી શુભ મનાય છે. આજે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. શનિવારે નાગપાંચમ મનાવાશે.

સૌરાષ્ટ્રમાં બોળચોથે ગાયોનું પૂજન કરી પ્રદક્ષિણા મહિલાઓ કરે છે. એકટાણું કે ઉપવાસ પણ કરે છે. આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થશે.

વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને કારણે મોટા ધાર્મિક ઉત્સવો, ઉજવણી, હરવા-ફરવા જવા પર પાબંધી હોવાને કારણે ઘેરબેઠા જ જન્માષ્ટમીની ઉજવણી લોકો કરશે. તા.૮મીના શનિવારે નાગપંચમી તા.૯મીના રાંધણછઠ્ઠ, તા.૧૦મીના સોમવારે બીજી છઠ્ઠ છે પણ શીતળા સાતમ ઉજવાશે.

તા.૧રમીના બુધવારે જન્માષ્ટમી પર્વ ઉજવાશે દ્વારકામાં બુધવારે જન્માષ્ટમી પર્વ મનાવાશે. કોરોનાની મહામારીને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે.

(11:36 am IST)