Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પ્રજાની સુખાકારી માટે સતત ચિંતિત રહેતા મુખ્યમંત્રીએ ગુજરાતને 'રોલ-મોડલ સ્ટેટ' બનાવ્યુ છે : રાજુભાઈ ધ્રુવ

૧૦૯૫ દિવસના સંવેદનશીલ, પ્રગતિશીલ, પારદર્શક અને નિર્ણાયક શાસનમાં ૧૦૧ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ

રાજકોટ, તા. ૭ : ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે કે, સંવેદનશીલતા, પ્રગતિશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મુલ્ય-આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસયાત્રા સુદૃઢ બનાવનાર વિજયભાઈ રૂપાણીએ રાજયના મુખ્યમંત્રીપદે યશસ્વી કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે તેઓ સમગ્ર ગુજરાતની પ્રજાના અભિનંદનના અધિકારી છે.

વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં રાજયમાં સૌ પ્રથમ વખત સી.એમ ડેશબોર્ડ, સોલાર રૂફટોફ સીસ્ટમ યોજના, ડિસેલિનેશન પ્લાન્ટ, ડીપસી પાઈપલાઈન પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે યોજનાઓનો સફળ અમલ થયો છે.

ખેડૂતો માટે મુખ્યમંત્રીશ્રીએ કરવેરા અને વીજજોડાણ માફી યોજના, ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ, ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી, ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના, સિંચાઈથી લઈ દ્યાસચારાની સવલત, પાણી, વીજળી, ખાતર બારેમાસ, સૂર્યશકિત કિસાન યોજના, બે નવી વેટરનરી પોલીટેકનીક, ૧.૫૦ કરોડ પશુઓનું રસીકરણ, અછતગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ તેમજ નવી કૃષિ યુનિવર્સિટી સ્થાપના-મંજૂરી જેવા નેત્રદીપક કાર્યો કર્યા છે.

બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ૩૦ લાખથી વધુ કારખાનાઓનો વિકાસ, બિનઅનામત આયોગની રચના, સાયકલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ, સ્માર્ટબોર્ડ, ઈ-કલાસ, ઈ-લાયબ્રેરી સુવિધા, જ્ઞાનકુંજ પ્રોજેકટ, મિશન વિદ્યા અભિયાન, નવી કોલેજ, યુનિર્સિટીઓને મંજૂરી, ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં ત્રણ ગણો વધારો, દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય, ૭૫૦થી વધુ કૌશલ્ય નિર્માણ કેન્દ્રો, ટ્યુશન ફી સહાય, સ્ટાર્ટ અપ ઈનોવેશન યોજના, ઈનસ્કૂલ, શકિતસ્કૂલ યોજના, ખેલે ગુજરાત, વિકલાંગ શિષ્યવૃત્ત્િ। જેવા ઉડીને આંખે વળગે તેવા કાર્યો કર્યા છે અને વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.

ગ્રાહકોને પુનઃવીજ જોડાણ આપવાનો નિર્ણય, ૧૦૧ સબસ્ટેશનોનું નિર્માણ, ઝૂંપડા વીજળીકરણ યોજના અને કુટીર જયોતિ યોજના, મેટ્રો રેલ આયોજન, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ, વેધર વોચ કમીટીની નવતર પહેલ, ચેકપોસ્ટનું કમ્પ્યુટરાઈઝેશન, સરકારી નોકરી વયમર્યાદા છૂટછાટ અને ફિકસ વેતનમાં વધારો વગેરે એ પુરવાર કરે છે કે, તેઓ સાચા અર્થમાં એક સંવેદનશીલ મુખ્યમંત્રી છે તેમ અંતમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે અને આગામી સમયમાં શ્રી વિજયભાઈ રૂપાણી વધુ ને વધુ યશસ્વી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.

(3:48 pm IST)