Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

બેડીપરાના જમીન-મકાનના ધંધાર્થી અરજણભાઇ પટેલનો આર્થિક ભીંસથી કંટાળી ઝેર પી આપઘાત

ઘરે ઝેર પીધા બાદ જમાઇને ફોનથી જાણ કરીઃ કેટલાક સમયથી ખેંચમાં આવી ગયા'તાઃ ઝેર પી જિંદગી ટૂંકાવી લીધીઃ બાસીડા પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: હાલમાં મંદીના માહોલ વચ્ચે વેપારીઓ, ધંધાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બેડીપરામાં રહેતાં જમીન-મકાનના ધંધાર્થી પટેલ પ્રોૈઢે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી જિંદગીનો અંત આણી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ બેડીપરા શકિત કૃપા ખાતે રહેતાં અરજણભાઇ પરષોત્તમભાઇ બાસીડા (ઉ.વ.૫૬) નામના પટેલ પ્રોૈઢે ગઇકાલે સાંજે ઘરે હતાં ત્યારે ઘઉંમાં રાખવાના ટીકડા પી લીધા હતાં. એ પછી પોતાના જમાઇ કે જે રણછોડનગરમાં દૂકાન ધરાવે છે તેને ફોન કરતાં તેણે પોતાની સાથે જ કામ કરતાં સાળાને જાણ કરી હતી અને બંને ઘરે પહોંચ્યા હતાં.

અરજણભાઇને સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પીએસઆઇ આર. આર. રાઠોડ અને રાઇટર મહેશભાઇએ  હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અરજણભાઇને એક પુત્ર અને બે પુત્રી છે. પોતે જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં હતાં. હાલમાં આર્થિક ભીંસ ઉભી થઇ હોવાથી આ પગલુ ભર્યાની શકયતા પરિવારજનોએ પોલીસ સમક્ષ જણાવી હતી. (૧૪.૬)

(1:18 pm IST)