Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વિજયભાઈએ ''૧૮૧ અભયમ્ મોબાઈલ એપ્લીકેશન'' લોન્ચ કરી બહેનોને રક્ષાબંધનની ભેટ આપી

બહેનો આ એપ્લીકેશન તમારા મોબાઈલમાં જરૂર ડાઉનલોડ કરી લેજો

રાજકોટ,તા.૭:મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા, પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, મહિલાઓના રક્ષણ માટે ''૧૮૧ મહિલા હેલ્પલાઈન''ની સેવાને અદ્યતન અને મજબુત બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ''૧૮૧ અભયમ્ મોબાઈલ એપ્લીકેશન'' લોંચ કરી, બહેનોને જબરજસ્ત રક્ષાકવચ પૂરું પાડેલ છે. મહિલાઓની સંવેદનાને ધ્યાને રાખી, મહિલાઓ માટે આ ભગીરથ નિર્ણય કરી, અદ્યતન સુવિધા સભર અભયમ્ મોબાઈલ એપ્લીકેશન લોંચ કરવા સાથે ભગીરથ નિર્ણય કરી, ''સંવેદનશીલ મુખ્યમંત્રી'' તરીકે વધુ એક વખત પુરવાર કરેલ છે અને  મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની બહેનોને રક્ષાબંધનની ભેટ આપેલ છે.

૧૮૧ મોબાઈલ એપ્લીકેશન અંગે માહિતા આપતા જણાવે છે કે, મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ''૧૮૧ હેલ્પલાઈન''ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા, ગુજરાત સરકારના મહિલા અને બાલ વિકાસ વિભાગ, રાજય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને GVK  EMRI દ્વારા સકલિત રીતે ''૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન'' ૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજથી આ સેવા તાલીમ બધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪૫ રેસ્કયુ વાન સહીત ૨૪*૭ સમગ્ર રાજયમાં કાર્યરત છે. આ સેવાનો મહિલાઓએ ખુબ જ લાભ લીધેલ હોઈ, તે ધ્યાનમાં રાખી તેમજ મહિલાઓની સંવેદનાને હજુ પણ વિશેષ કવચ પૂરૃં પાડવા, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી, ''૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન મોબાઈ એપ્લીકેશન'' લોન્ચિંગ કરેલ છે. જેના કારણે બહેનો નિર્ભય બનેલ છે. 

આ મોબાઈલ એપ્લીકેશનથી ૧૮૧ એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર IOS પર ઉપલબ્ધ રહેશે. સ્માર્ટ ફોનમાં પેનીક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે. મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે. મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોંગ (“Lat-Longs”) સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્કયુ કાર્ય થશે. આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસકયુવાન કે પોલીસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લીકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમના સગા વ્હાલાને ત્વરીત મોકલી શકાશે જેથી મહીલાને શોધવાના સમયનો બચાવ થશે. મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો એપ્લીકેશન દ્વારા અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે. મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો પેનીક બટન દબાવતા ઘટના સ્થળની એપ્લીકેશનના માધ્યમથી માહિતી હેલ્પલાઇનને પહોચી જશે. એપમાં ૧૮૧ બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતિમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક એસ.એમ.એસ.થી સંદેશ મળી જશે. એપ્લીકેશન થકી કોલ કરનાર મહિલાના નીચે જણાવ્યા મુજબના ત્રણ એડ્રેસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે જેમાં તેનું (૧) કોલનું સ્થળ (ર) એસ.ડી.આર. ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર પાસે નોધાયેલ એડ્રેસ (૩) એપ્લીકેશન રજીસ્ટ્રેશન વખતે જણાવેલ એડ્રેસ. આ બધી જ માહિતી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાને ત્વરિત રેસકયૂ કરવામાં હેલ્પલાઇન સેન્ટરને ઉપયોગી પુરવાર થશે.

ગુજરાતની ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટેકનોલોજીના ઉપયોગ સાથેની વિશેષતાઓ

ગુજરાત રાજયમાં કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજયો કરતા આગવી ખાસિયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવેલ છે. તેના અભ્યાસ માટે વિવિધ રાજયોના અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી સમગ્ર હેલ્પલાઇનની આવી વિશેષતાઓ અને અમલીકરણને સમજી સરાહના કરવામાં આવી છે. આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે. CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.  Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે. ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે. GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવરજવરનું સમયબધ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે. એન્ડ્રોઇડ બેઝ ''૧૮૧ અભયમ એપ્લિકેશન''ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે. આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. રાજયમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે. રાજય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે. ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.

 મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે. પ્રત્યેક કોલનું માળખાગત બેક ઓફિસ દ્વારા ફોલોઅપ અને સંતોષકારક સમસ્યાનું નિવારણ થાય છે. બહુહેતુક યોજના જેમાં મહિલાને કેન્દ્રમાં રાખી, તમામ પ્રકારની સંકલિત મદદ મળી રહેશે.

તસ્વીરમાં મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, કાશ્મીરાબેન નથવાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ નજરે પડે છે.

(4:05 pm IST)