Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શહેર કોંગી પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદી નિશ્ચિત !

લાંબી ચર્ચા અને વાદ-વિવાદ બાદ અંતે સવર્ણ પર કળશ ઢોળી સીંગલ નામ દિલ્હી મોકલાયાની ચર્ચા : મનપા વિપક્ષી નેતા તરીકે મનસુખ કાલરીયાનું નામ મોખરેઃ વિકલ્પે જાગૃતિબેન ડાંગરની પણ સંભાવના

રાજકોટ, તા. ૭ :. તાજેતરમાં સાત જીલ્લા પ્રમુખની વરણી બાદ હવે સાતેક શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની વરણી તૂર્તમાં થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં જુથબંધી-નોટીસો, રાજીનામા સહિતના કેટલાય વિખવાદો બાદ અંતે પ્રદેશ સમિતિ શહેર પ્રમુખ તરીકે સવર્ણ પર પસંદગીનો કળશ ઢોળવો તેવા નિષ્કર્ષ પર આવ્યાનું અને કોંગ્રેસના પીઢ અને અનુભવી કોંગી અગ્રણી પ્રદિપ ત્રિવેદીનું સીંગલ નામ હાઈકમાન્ડની મંજુરી માટે મોકલ્યાનું પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમા ચર્ચાય રહ્યુ છે, જ્યારે વિપક્ષી નેતા તરીકે મનસુખભાઈ કાલરીયા અથવા જાગૃતિબેન ડાંગર તરફે મોવડી મંડળે પસંદગીની દિશા તાંકી હોવાના વાવડ પણ છે.

રાજકોટ શહેર તથા જીલ્લામાં કોંગ્રેસ સાવ મૃતપાય દશામાં હોવાનું મનાય છે ત્યારે નવુ માળખુ તાકીદે જાહેર કરી શહેર કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાના પ્રયાસો આદરાયા છે.

શહેર કોંગ્રેસમાં બે ઉભા ફાડીયા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે ત્યારે વ્યવસ્થિત સંકલન કરી શકે તેવા આગેવાન તરફ નજર લાંબા સમયથી દોડાવાઈ રહી છે પરંતુ શહેર કોંંગ્રેસના કમનસીબ કહો કે પ્રદેશ સમિતિના કોઈ એવા આગેવાન નજરે નથી પડતા કે જે જુથબંધી પર લગામ મુકી શકે અને સંકલન ગોઠવી કોંગ્રેસની ખડી ગયેલી ગાડીને પુનઃ પાટા પર ચડાવે.

તાજેતરમાં વિધાનસભા વિપક્ષી નેતાએ ગોંડલ, શાપર અને જુના માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળીકાંડ તથા બારદાન આગ પ્રકરણે ધરણા કર્યા પરંતુ અન્ય જિલ્લાઓમાંથી કોંગ્રેસી આગેવાનોની હાજરી વચ્ચે માંડ-માંડ સંખ્યા ૨૫ થી પ૦ની જોવા મળતા કોંગ્રેસ કેટલી હદે બિસ્માર થઇ ગઇ છે તેનો અંદાજ નિકળી ગયો હતો.

રાજકોટ શહેરમાં કોઇ કોઇપણ વિરોધ પ્રદર્શન હોય છતાં કોંગી આગેવાનો અને કાર્યકરો મળીને ૨૫ થી ૩૦ની સંખ્યા જ થતી હોય છે. અને એ પણ જુના જોગીઓ જ હોય છે કોઇ નવા કે યુવા આગેવાનો કયાંય દ્રષ્ટિગોચર થતા નથી.

લોકસભા ચૂંટણીઓ માથે ડોકાય રહી છે તેમ છતાં રાજકોટ શહેર કોંગ્રેસના માળખામાં કયાંક સક્રિયતા નજરે પડતી નથી. મહાનગરપાલિકા કોંગ્રેસ કાર્યાલયમાં પણ કાગડા ઉડે છે જે આગેવાનો આવે છે તે ચોક્કસ કામગીરીના કારણે નજરે પડતા હોવાની ચર્ચા છે.

જોકે મળતા અહેવાલો મુજબ એકાદ-બે દિવસમાં શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી થઇ જશે. અને ૧૩મીએ મળનારી મનપાની સામાન્ય સભા પહેલા વિરોધપક્ષના નેતાની પણ વરણી થઇ જશે.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનિલભાઇ રાજયગુરૂએ પ્રદેશ સમિતિની નીતિ-રીતિ તથા કાર્યપધ્ધતિથી નારાજ થઇને રાજીનામુ આપી દીધું છે ત્યારે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે પોતાના હોદામાંથી કાર્યકારી શબ્દ ગાયબ કરી દીધો છે. ત્યારે એકાદ બે દિવસમાં તેમનો પ્રમુખ શબ્દ આગળ હવે કાર્યકારીના બદલે ભૂતપૂર્વ લાગી જશે.

પ્રદેશ કાર્યાલયનાં જાણકાર વર્તુળોમાંથી મળતા અહેવાલ મુજબ હાલતો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે એકમાત્ર નામ પ્રદિપ ત્રિવેદીનું દિલ્હી ગયું છે આજે પ્રદેશ પ્રમુખ તથા વિધાનસભા વિપક્ષી નેતા ને દિલ્હી હાઇકમાન્ડનંુ તેડુ આવ્યું છે બન્ને અલગ-અલગ ચાલતા નેતા દિલ્હીમાં આજે સાથે મળશે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખો અને અન્ય વરણીઓ માટે ચર્ચા થશે ત્યારે કેવો સિનારીયો ઘડાય છે. તેના તરફ સોૈની મીટ છે.

હાલ તૂર્ત તો શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીને વરણી નિશ્ચિત મનાય છે. અગાઉ મુકેશ ચાવડા પણ સ્પર્ધામાં હતા પરંતુ શહેર પ્રમુખ તરીકે સવર્ણ ઉપર કળશ ઢોળાયાં ના નિર્દેશો મળે છે અને વિપક્ષી નેતા પદે મનસુખભાઇ કાલરીયાનું નામ મોખરે છે. વિકલ્પે જાગૃતિબેન ડાંગર પણ સ્પર્ધામાં છે બાકીતો કોંગ્રેસમાં ગમે તેવા નિર્ણયોમાં કોઇ પણ ઘડીએ ફેરફાર શકય છે.

(3:34 pm IST)