Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાની બાજુમાં સુઇ બ્લેડથી ખિસ્સુ કાપી લેનાર ઝડપાયો

ધોરાજીના અમીનભાઇના ખિસ્સામાંથી રાજકોટના રૂખડીયાપરાના અયુબશાએ ૨૧૦૫ રૂપિયા ચોરી લીધા'તાઃ સિકયુરીટીએ પકડી લીધો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલમાંથી સિકયુરીટીના માણસો દ્વારા અવાર-નવાર ચોર-ખિસ્સાકાતરૂઓ અને મોબાઇલ ચોરોને પકડી લેવામાં આવે છે. વધુ એક કિસ્સામાં દર્દીના સગાનું બ્લેડથી ખિસ્સુ કાપી ચોરી કરનારને ઝડપી લેવાયો છે.

ધોરાજીના અમીનભાઇ ગફારભાઇના દિકરી જુબેદાબેનને સારવાર માટે નવી ઓપીડીમાં પાંચમા માળે દાખલ કરાયા હતાં તેની દેખરેખ માટે અમીનભાઇ સાથે આવ્યા હતાં. રાત્રીના સમયે તે ઓપીડી વોર્ડની બહાર સુતા હતાં ત્યારે બાજુમાં એક શખ્સ સુઇ ગયો હતો અને બ્લેડથી તેમનું ખિસ્સુ કાપી રૂ. ૨૧૦૫ ચોરી લીધા હતાં.

આ વખતે જ સિકયુરીટીના ઇન્ચાર્જ ભીમાભાઇ, ગાર્ડ અહેમદભાઇ સહિતના ચેકીંગમાં નીકળતાં ખિસ્સા કાતરૂ ઝડપાઇ ગયો હતો. તેની પુછતાછ થતાં પોતાનું નામ અયુબશા વલીશા ફકીર (રહે. રૂખડીયાપરા) જણાવ્યું હતું. તેની પાસેથી રૂ. ૨૧૦૫નીરોકડ પણ મળી હતી. સિકયુરીટી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

(4:02 pm IST)