Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રસોઇ બનાવવામાં મોડુ થવા બાબતે મયુરે પત્‍નિને ઠપકો દેતાં સાળા રવિએ છરી ઝીંકી

મનહરપુરનો બનાવઃ રવિએ ઢીકાપાટુ મારી કપાળે ઘા ઝીંકી દેતાં ગુનો નોંધાયો

રાજકોટ તા. ૭: મનહરપુરમાં રહેતાં અને કોલેજમાં ભણતાં કોળી યુવાને રસોઇ મોડી બનાવવા બાબતે પત્‍નિને ઠપકો આપતાં તેનો ખાર રાખી સાળાએ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી કપાળે છરીના ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર-૧ ખીજડાવાળી શેરીમાં રહેતાં  અને પડધરી ખાતે આર્ટસ કોલેજમાં બી.એ.માં અભ્‍યાસ કરતાં મયુર વિનોદભાઇ ધરજીયા (કોળી) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી તેના સાળા રવિ બીજલભાઇ લાલવાણી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મયુરે પોલીસને જણાવ્‍યું હતું કે મારા માતા કંચનબેન અને નાનો ભાઇ વિજય પડધરી સીએચસી ક્‍વાર્ટરમાં રહેછે. માતા આ હોસ્‍પિટલમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. મેં એક વર્ષ પહેલા પુષ્‍પરાજભાઇ ભાટીની દિકરી સોનલ સાથે લવમેરેજ કર્યા છે. સસરા પુષ્‍પરાજભાઇ હયાત નથી. સાસુ સુધાબેન માધાપરએકલા રહે છે. મારી પત્‍નિ સોનલનો ભાઇ રવિ છે જે મારા સાસુનો આગલા ઘરનો દિકરો છે. તે ગઇકાલે અમારી ઘરે રોકાવા આવ્‍યો હતો. ગત રાતે સાડા બારેક વાગ્‍યે હું અને પત્‍નિ સોનલ ઘરે હતાં ત્‍યારે સાળો રવિ આવ્‍યો હતો અને અને ઝઘડો કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી છરી કાઢી મને માથાના ઉપરના ભાગે મારી દેતાં લોહી નીકળવા માંડયા હતાં.

મેં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં રવિ ભાગી ગયો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ગઇકાલે પત્‍નિએ રસોઇ મોડી બનાવી હોઇ તે બાબતે મેં તેને ઠપકો આપતાં બંને વચ્‍ચે ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી  રાતે રવિએ હુમલો કર્યો હતો. પીએસઆઇ ડી. વી. બાલાસરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

(3:30 pm IST)