Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આઇપીમીશન સ્કુલ પાસે મુસ્લિમ લાઇનમાં ટીબીની બીમારીથી કંટાળી સલીમભાઇનો આપઘાત

યુવાને ગળોફાંસો ખાઇ લીધો : પાંચ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ

રાજકોટ,તા. ૭ : આઇ.પી. મીશન સ્કૂલ પાસે આવેલ મુસ્લિમ લાઇનમાં રહેતા યુવાને ટીબીની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મુસ્લિમ લાઇનમાં રહેતા સલીમભાઇ મહંમદભાઇ નગામણા (ઉવ.૪૦) એ ગઇ કાલે પોતાના ઘરે રૂમમાં લોખંડની એંગલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તેને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યું નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રવિભાઇ વાઘેલા તથા રાઇટર પ્રજ્ઞેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક સલીમભાઇ મજૂરી કામ કરતા હતા તેણે ટીબીની બીમારીથી કંટાળી પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું. પાંચ પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.

(3:16 pm IST)