Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

તું જમીનની દલાલીમાં ખુબ કમાયો છો, જીવવું હોય તો ૧૫ લાખ દે...

ફાળદંગના પટેલ વૃધ્ધનું કારમાં અપહરણ કરી પ્લાસ્ટીકની રિવોલ્વર બતાવી ખંડણી માંગીઃ ક્રાઇમ બ્રાંચે ૪ને દબોચ્યા

ફાળદંગના શિવરાજ વાળા, સુરતના સોરવ ઉર્ફ એસબી હિરાણી અને લાલજી ઉર્ફ આર્મીબોય રાંક તથા એક સગીરની ધરપકડ : મયુરભાઇ, નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમે પકડી લીધા

તસ્વીરમાં પકડાયેલા આરોપીઓ, કબ્જે લેવાયેલી રોકડ રકમ અને કાર નજરે પડે છે

રાજકોટ તા. ૭: કુવાડવા તાબેના ફાળદંગ બેટી ગામે રામજી મંદિર પાસે મેઇન બજારમાં રહેતાં પટેલ વૃધ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટ (ઉ.વ.૬૨)નું ફાળદંગ ગયામના હનુમાનજી મંદિર પાસેથી તા. ૩/૭ના રોજ ક્રેટા કારમાં અપહરણ કરી રિવોલ્વર જેવું હથીયાર બતાવી 'તું જમીનની દલાલીમાં ઘણા રૂપિયા કમાયો છો, જીવતા રહેવું હોય તો રૂ. ૧૫ લાખ આપવા પડશે' તેમ કહી ચાર શખ્સોએ ધમકી આપી હતી અને બળજબરીથી રૂ. ૩,૮૫,૦૦૦ પડાવી લીધા હતાં. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી ફાળદંગના જ એક શખ્સ તથા સુરતના બે શખ્સ અને એક સગીર સહિત ચારને પકડી લઇ રોકડ, કાર અને પ્લાસ્ટીકની રિવોલ્વર કબ્જે કરી છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમના મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ચાર આરોપીઓ શિવરાજ ધીરૂભાઇ ભાણાભાઇ વાળા (ઉ.વ.૧૯-રહે. ફાળદંગ તા. રાજકોટ), મુળ બગસરા (અમરેલી)ના હાલ સુરત હીરાબાગ લક્ષ્મીનગર રામબાગ પાસે એ. કે. રોડ પર રહેતાં સોૈરવ ઉર્ફ એસબી બાલુભાઇ ઉર્ફ બાબુભાઇ માધાભાઇ હિરાણી (ઉ.વ.૨૧) તથા મુળ બગસરાના હાલ સુરત લક્ષ્મીનગરમાં રહેતાં લાલજી ઉર્ફ આર્મીબોય ગોવિંદભાઇ હિરાભાઇ રાંક-સોજીત્રા (ઉ.વ.૨૧) તેમજ એક સગીરને રફાળા ગામના રોડ પરથી ક્રેટા કાર સાથે પકડી લીધા છે.

વિગત એવી છે કે પકડાયેલા આરોપીઓ  શિવરાજ અને સોૈરવ મિત્રો છે. જે પંદર દિવસ પહેલા સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે. ડી. હોટેલમાં મારામારીમાં ગુનામાં સંડોવાયા હોઇ આ ગુનામાં સોૈરવ નાસતો ફરતો હોઇ....

તેના મિત્રો લાલજી ઉર્ફ આર્મીબોય અને કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર રાજકોટના ફાળદંગમાં શિવરાજની વાડીએ રોકાવા માટે આવ્યા હતાં.

દરમિયાન શિવરાજને તેના મ્ત્રિ ભરત કથીરીયા મારફત ખબર પડી હતી કે વલ્લભભાઇએ એક જમીન ભરતને વેંચાવી દીધી છે અને તેમાં વલ્લભભાઇને દલાલી પેટે મોટી રકમ મળી છે. આથી પોતાની વાડીએ રોકાવા આવેલા સોૈરવ, લાલજી અને સગીર સાથે મળી વલ્લભભાઇ પાસેથી ખંડણી પડાવવાનો પ્લાન ઘડ્યો હતો.

નક્કી થયા મુજબ તા. ૩/૭ના રોજ વલ્લભાઇ ફાળદંગ ગામમાં હનુમાનજી મંદિર પાસેથી નીકળ્યા ત્યારે શિવરાજે તેને પોતાની વાડી પાસે બોલાવી હથીયાર બતાવી ક્રેટા કારમાં બેસાડી અપહરણ કરી લીધુ હતું અને અલગ અલગ રસ્તા પર ફેરવી રસ્તામાં ધમકી આપી હતી કે તને જમીનની દલાલીમાં ઘણા રૂપિયા મળ્યા છે. જો જીવવું હોય તો રૂ. ૧૫ લાખ આપવા પડશે. આથી ડરી ગયેલા વલ્લભભાઇએ રૂ. ૩,૮૫,૦૦૦ આપ્યા હતાં.

આ મામલે કુવાડવા પોલીસ સુધી વાત પહોંચતા તપાસ ચાલુ હતી. દરમિયાન આજે આરોપીઓને ક્રાઇમ બ્રાંચે કાર સાથે પકડી લીધા છે. કારના ખાનામાંથી જે પિસ્તોલ મળી છે તે પ્લાસ્ટીકની હોવાનું ખુલ્યું છે. ફરિયાદી વલ્લભભાઇએ પણ પોતાને આ હથીયાર જ બતાવાયાનું ઓળખી બતાવ્યું છે.

શિવરાજ વાળા અગાઉ કુવાડવામાં ખૂનની કોશિષ અને દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ, નગીનભાઇ, સિધ્ધરાજસિંહ, અમિતભાઇ, વિરેન્દ્રસિંહ, સંજયભાઇ, પ્રદિપસિંહ, સાયબર ક્રાઇમના મહેન્દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી છે.

આરોપીઓને અને મુદ્દામાલના રૂ. ૩,૮૫,૦૦૦, ૧૦ લાખની કાર, બે મોબાઇલ ફોન તથા પ્લાસ્ટીકની બંદૂક કુવાડવા પોલીસને સોંપાયા છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ ફરિયાદ નોંધી છે.

(3:16 pm IST)