Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સતત બીજા દિવસે આજી-૧, ભાદર અને ન્યારી-૧માં નવા નીર આવ્યા

આજી-૧માં ૦.૪૫, ન્યારી-૧માં ૧.૩૧ તથા ભાદરમાં ૦.૩૫ ફુટની આવક

રૈયા સ્માર્ટ સીટીના બે તળાવો ઓવરફલો : શહેરમાં નિર્માણાધિન રૈયા સ્માર્ટ સીટીમાં આવેલા બે તળાવોમાં વરસાદી પાણીની ધોધમાર આવક થતાં બંને તળાવો ઓવરફલો થયા હતા જે તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૭: શહેર-જીલ્લામાં આષાઢી માહોલ છવાયો છે બે દિવસથી સતત બે દિવસથી મેઘકૃપા વરસી રહી છે. ત્યારે શહેરના પાણી વિતરણના  આધાર સ્તંભ સમો આજી-૧, ન્યારી,૧ અને ભાદર આ ત્રણેય ડેમોમાં ગઇકાલ બાદ આજે પણ ૧.૩૨ ફુટ થી ૦.૩૫ ફુટ સુધી નવા નીરની આવક થઇ હતી.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં  આજી-૧માં  ૦.૪૫ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૪.૩૦  ફુટે પહોંચી છે. ડેમમાં જળ જથ્થો ૬૨૩.૮૫ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે. જયારે ન્યારી-૧માં ૧.૩૨ ફુટ નવુ પાણી આવતા હાલની સપાટી ૧૯.૫૨ ફુટે પહોંચી છે અને ડેમમાં જળ જથ્થો ૬૯૭ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આ ઉપરાંત ભાદર-ડેમમાં ૦.૩૫ ફુટ નવુ પાણી આવતા આ ડેમની સપાટી ૨૦.૫૫ ફુટ પહોંચી છે.ડેમમાં જળ જથ્થો ૨૦૪૭ એમ.સી.એફ.ટી સંગ્રહીત થયો છે.

આમ શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ-ત્રણ ડેમોમાં સતત બીજા દીવસે નવાનીર આવતા તંત્ર વાહકોના હૈયે ઠંડક પહોંચી છે.

(4:06 pm IST)