Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વિરેન્દ્ર ઉર્ફ મહેન્દ્ર દેસાઇ ચોટીલાના સાધુ પાસેથી ગાંજો લાવતો'તોઃ છાત્રોને સાથે રાખી કોલેજોમાં થશે તપાસ

ગાંજાની પડીકીઓ સાથે પકડાયેલા વણિક વૃધ્ધ અને ૩ છાત્રો બે દિવસના રિમાન્ડ પર : ૧૫ થી ૨૦ ગ્રામની પડીકી ૧હજારમાં વેંચી વિરેન્દ્ર પોતાનો ખર્ચ કાઢતોઃ ત્રણ છાત્રોએ બીજા કોઇ વિદ્યાર્થીઓને બંધાણી બનાવ્યા કે કેમ? તેની પણ તપાસ કરતી માલવીયાનગર પોલીસ

રાજકોટ તા. 7 : શહેર એસઓજીએ ત્રણ દિવસ પહેલા  પર્ણકુટરી પોલીસ ચોકી નજીક ગાંજા સાથે ત્રણ કોલેજીયન છાત્રો અને વેંચવા આવેલા વણિક પ્રોૈઢને પકડી લીધા હતાં. આ ચારેય પાસેથી ગાંજો  ૨૬૬ રૂપિયાનો ગાંજો મળ્યો હતો. છાત્રો પણ ગાંજો પીવાના રવાડે ચડી ગયાની વિગતો સામે આવતાં પોલીસ ચોંકી ગઇ હતી. માલવીયાનગર પોલીસે ચારેયનો કબ્જો સંભાળી કોવિડ રિપોર્ટ કરાવી કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. વણિક પ્રોૈઢ ગાંજો ચોટીલાના કોઇ સાધુ પાસેથી લાવતો હોવાનું રટણ તેણે કર્યુ છે. ઝડપાયેલા છાત્રો હાલ તો પોતે જ નશો કરવાં હોવાનું કહે છે. પરંતુ પોલીસને શંકા છે કે આ ત્રણેયએ કદાચ બીજા છાત્રોને પણ આવા રવાડે ચડાવી દીધા હશે. આ શંકાને કારણે ત્રણેય જ્યાં ભણે છે એ કોલેજોમાં પોલીસ તપાસ કરવા જશે.

એસઓજીની ટીમે  વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ ચંદુભાઇ દેસાઇ (જૈન વણિક) (ઉ.૫૬-રહે. માતૃ સ્મૃતિ, ગાંધીનગર-૧, મામા સાહેબના મંદિર પાસે ગાંધીગ્રામ) તથા  ત્રણ વિદ્યાર્થીઓ કિશન અશોકભાઇ વાઘેલા (કોળી) (ઉ.૨૨, રહે. વાઘેલા વિલા, મનહર પ્લોટ-૧૧), તથા કેયુર રજનીકાંતભાઇ વાઘેલા (કોળી) (ઉ.૧૮-રહે. રત્નમ વિલા બી-૧૨, અમી હાઇટ્સ પાસે નાગેશ્વર રોડ ઘંટેશ્વર) તથા જતીન કિશોરભાઇ પંચાસરા (કોળી) (ઉ.૨૩-રહે. શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧, મનહર પ્લોટ-૧૧/૧૫નો ખુણો)ને ગાંજાની પડીકીઓ સાથે પકડી લીધા હતાં. ત્રણેય છાત્રોએ વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ દેસાઇ પાસેથી આ પડીકી ખરીદી હતી.

એનડીપીેઅસ એકટ હેઠળ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાવી ચારેયને ત્યાં સોંપાયા હતાં. આ ચારેયના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મળ્યા હતાં. ગાંજો વેંચનાર પ્રોૈઢ વિરેન્દ્ર ઉર્ફ દેસાઇએ હાલમાં તો ચોટીલા તરફથી એક સાધુ પાસેથી ગાંજો લાવતો હોવાનું રટણ કર્યુ છે. બીજી તરફ છાત્રો કેયુર, કિશન અને જતીને પોતે જ પીતા હોઇ પોતાના માટે પડીકીઓ લીધાનું કહ્યું છે. જો કે પોલીસને શંકા છે કે આ ત્રણેયએ બીજા કેટલાક છાત્રોને પણ વિરેન્દ્ર પાસેથી ગાંજો લઇને વેંચ્યો હશે. આ અંગે તપાસ કરવા પોલીસ આ છાત્રો જ્યાં ભણે છે તે આર. કે. યુનિવર્સિટી, આત્મીય કોલેજ અને ક્રાઇસ્ર્ટ કોલેજ ખાતે તપાસ કરવા જશે. મોબાઇલની કોલ ડિટેઇલને આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ એકલવાયુ જીવન જીવે છે અને પોતે પણ ગાંજો પીવાની ટેવ ધરાવે છે. જ્યારે કેયુર તથા કિશન કાકા-બાપાના ભાઇઓ છે અને જતીન આ બંનેનો મોટાબાપુનો દિકરો છે. કેયુર એફવાય બીકોમમાં, કિશન ડિપ્લોમા મિકેનિકલના ત્રીજા વર્ષમાં અને જતીન એફવાય બીએસસીમાં અભ્યાસ કરે છે.    માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ વી. કે. ઝાલા, ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, મયુરભાઇ મિયાત્રા, યુવરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, મશરીભાઇ ભેટારીયા, મહેશભાઇ ચાવડા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:19 pm IST)