Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વધી રહેલા કેસો ચિંતાજનક, પુરતી તૈયારી : આરોગ્ય કમિશનર

કોરોના સામે ચાર મહિનાથી તમામ આરોગ્યની ટીમો, પોલીસ સહિતના તંત્રો સતત કામ કરી રહ્યા છે આ બધાને બીરદાવવા જોઇએ : અનલોક પછી કેસો વધી રહ્યા છે તેની સામે લોકોએ જાગૃત રહેવું અત્યંત જરૂરીઃ ખાનગી હોસ્પિટલોમાં પણ ૫૦ ટકા બેડની વ્યવસ્થા છેઃ સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ની મુલાકાત લઇ તબિબી અધિક્ષક, આરએમઓ સહિતની ટીમ સાથે સરપ્રાઇઝ બેઠક યોજતાં જયપ્રકાશ શિવહરી : ધન્વતંરી મોડેલથી તમામ જીલ્લાઓમાં સારૂ પરિણામઃ દર્દીઓની ચકાસણી-સ્ક્રીનીંગ કરી જરૂર જણાયે સિવિલમાં મોકલયા છેઃ જે જીલ્લામાં કેસો વધ્યા છે ત્યાં પ્રભારી મુકાયા છેઃ તમામ સાથે દરરોજ કોર કમિટીમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી ચર્ચા કરે છે

સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ ઓચિંતી મુલાકાત લઇ બેઠક યોજી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૭: કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે રાજ્યભરમાં ચિંતા પ્રસરી છે. રાજકોટ શહેરમાં તો રોજબરોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુ પણ થઇ રહ્યા છે. આજે સવારે સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ વિભાગમાં બાર કલાકમાં પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓનો ભોગ લેવાયો છે અને એક સાથે ૨૭ નવા પોઝિટિવ કેસ જાહેર થયા છે ત્યારે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આજે ઓચિંતા રાજકોટ ખાતે પહોંચી સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લઇ તબિબી અધિક્ષક, આરએમઓ તથા કોવિડના તબિબો સાથે અગત્યની બેઠક યોજી હતી. મિડીયાને આરોગ્ય કમિશનરશ્રી શિવહરેએ જણાવ્યું હતું કે અનલોક પછી લોકો સતત એક બીજાના સંપર્કમાં આવી રહ્યા હોવાથી કેસોની સંખ્યામાં વધારો થયો છે તે ચિંતાજનક છે. પરંતુ સરકારની પુરતી તૈયારીઓ છે. સિવિલ હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડની સારવાર શરૂ કરવામાં આવી છે. વધી રહેલા કેસો સામે લોકોએ પોતે પણ વધુ જાગૃત થવું અત્યંત જરૂરી છે.

આરોગ્ય કમિશનર ડો. જયપ્રકાશ શિવહરેએ વધુમાં જણાવ્યું હતું કે જીલ્લાઓમાં વધી રહેલા કેસો સામે ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સારું પરિણામ મળ્યું છે. ધનવંતરી રથ ગામેગામ ફેરવી લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને સ્ક્રીનીંગ કરવામાં આવતાં જેમાં વધુ લક્ષણો દેખાય એવા દર્દીઓને સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્યના જે પંદર જીલ્લાઓમાં કોરોનાના દર્દીઓ વધ્યા છે ત્યાં પ્રભારી નીમવામાં આવ્યા છે. આ પ્રભારીઓ સાથે દરરોજ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય મંત્રીશ્રી કોર કમિટીની બેઠક યોજી સંપર્ક કરે છે અને માહિતી મેળવતા રહે છે તેમજ જરૂરી સુચનો આપતા રહે છે.

છેલ્લા ચાર મહિનાથી સતત તમામ આરોગ્યની ટીમો, પોલીસ તંત્ર સહિતના તંત્રો કોરોના સામે લડી રહ્યા છે. આ તમામને આપણે બીરદાવવા જરૂરી છે. આપણા રાજ્યમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. આમ છતાં બીજા રાજ્યો કરતાં સ્થિતિ સારી છે. દર્દીઓને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટેની તમામ તૈયારીઓ આપણે કેસ વધ્યા નહોતા ત્યારથી કરી રાખી હતી.  અનલોક પછી ટ્રાન્સપોર્ટેશન વધ્યું છે, લોકો કામધંધા રોજગારી માટે વધુને વધુ પ્રમાણમાં બહાર નીકળતા થયા છે અને સંપર્કમાં આવી રહ્યા છે. આ કારણે કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે એ ચિંતાજનક છે. આવું ન થાય એ માટે લોકોએ જાતે જ જાગૃત બની સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમો, સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જરૂરી છે.  અનલોક પછી પણ ખતરો ટળ્યો નથી એ નજર સામે રાખીને લોકોએ જાગૃત રહેવું જરૂરી છે.

સરકાર કોરોનાની સારવાર આપવા માટે તમામ રીતે સક્ષમ છે અને પુરતી તૈયારીઓ પણ છે. સિવિલ હોસ્પિટલો ઉપરાંત હવે ખાનગી હોસ્પિટલોમાં પણ પચાસ ટકા બેડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતેની બેઠકમાં તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, આરએમઓ ડો. એમ. સી. ચાવડા, ડો. આરતીબેન, કોવિડ-૧૯ના અધિકારીઓ સહિતના જોડાયા હતાં.

(3:10 pm IST)