Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મકાન જોવા જવાને બહાને સગીરાને શ્રીરામ સોસાયટી પાસેના મકાનમાં પુરી બે શખ્સે બળાત્કાર ગુજાર્યો

ચુનારાવાડના રાહુલ પરમાર અને વિક્કી સોલંકીને શોધતી પોલીસઃ અગાઉ પણ આ બંનેએ બાળાની છેડતી કરી હતીઃ સાંજે સાડા ચારેક વાગ્યે બનાવઃ મહિલા પોલીસે ગુનો નોંધ્યોઃ આરોપી પૈકીનો વિક્કી બે સંતાનનો પિતા

રાજકોટ તા. ૭: કુબલીયાપરા અને ચુનારાવાડમાં રહેતાં બે દેવીપૂજક શખ્સોએ ધોળે દિવસે સાંજના સાડા ચારેક વાગ્યે સેટેલાઇટ ચોક નજીક સોડા લેવા નીકળેલી એક સગીરાને મકાન જોવા જવાના બહાને ટુવ્હીલરમાં બેસાડી યાર્ડ નજીક રિંગ રોડ પાસે શ્રીરામ સોસાયટી નજીકના એક મકાનમાં લઇ જઇ સામુહિક બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગુનો નોંધી બંને હવસખોરોની શોધખોળ હાથ ધરી છે. બાળાને બેસાડી પરત આવતા હતાં ત્યારે વરસાદને કારણે ટુવ્હીલર સ્લીપ થતાં સગીરા છટકીને ભાગી ગઇ હતી અને ઘરે પહોંચી ઘટનાની વાત કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

બનાવ અંગે પોલીસે ભોગ બનેલી ૧૫ વર્ષની બાળાની ફરિયાદ પરથી ચુનારાવાડ-૭માં રહેતાં દેવીપૂજક રાહુલ રાજેશભાઇ પરમાર  તથા કુબલીયાપરાના દેવીપૂજક વિક્કી રાજુભાઇ સોલંકી સામે આઇપીસી ૩૭૬ (ડી), ૫૦૬ (૨), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. સેટેલાઇટ ચોક નજીક સગાના ઘરેથી સગીરા સાંજે સાડા ચારેક વાગ્યે ઘરેથી પેટમાં દુઃખતું હોઇ સોડા લેવા જવાનું કહીને નીકળી હતી. એ પછી ગાયબ થઇ હતી. લાંબો સમય સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ પછી તેણી ગભરાયેલી હાલતમાં ઘરે આવી હતી અને પોતાને મોઢે મુંગો દઇ બાવડુ પકડી રાહુલ પરમાર તથા વિક્કી સોલંકી એકટીવા જેવા વાહનમાં બેસાડી શ્રી રામ સોસાયટી નજીકના મકાનમાં લઇ ગયાની અને બંનેએ વારાફરતી બળાત્કાર ગુજાર્યાની વાત કરતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. બાળાને બી-ડિવીઝન પોલીસ મથકમાં લઇ જવામાં આવતાં તેણીએ ઉપરોકત વાત વર્ણવી હતી.

બાદમાં આ બાળાને મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવતાં તેણીનું કાઉન્સેલીંગ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે પોતાને ફોન કરીને આરોપીએ મકાન જોવા જવાના બહાને બોલાવી હતી. બાદમાં ટુવ્હીલરમાં બેસાડી શ્રીરામ સોસાયટીના ખુણા પાસેના મકાનમાં લઇ જવાઇ હતી. જ્યાં પહેલા રાહુલે અને બાદમાં વિક્કીએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.

બાળાએ પોતાની સાથે બળજબરી થતાં પ્રતિકાર કરતાં બંનેએ તેને ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો. ત્યારબાદ તેણી રડવા માંડતા તેને પાછી મુકવા માટે રાહુલ અને વિક્કી નીકળ્યા હતાં. રસ્તામાં વરસાદને લીધે ટુવ્હીલર સ્લીપ થતાં ત્રણેય ફંગોળાયા હતાં. આ વખતે બાળા ઉભી થઇ ભાગીને સગાના ઘરે પહોંચી હતી અને ઘટનાની વાત કરી હતી. તેણીને પોલીસ સ્ટેશને લઇ જવાતા પહેલા તો મુંગો દઇ બાવડુ પકડી અપહરણ કરવામાં આવ્યાનું કહ્યું હતું.

પરંતુ બાદમાં મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલ, પીએસઆઇ લાઠીયા, દિયાબેન સહિતે બાળાનું કાઉન્સેલિંગ કરી વિસ્તૃત પુછતાછ કરતાં તેણીએ પોતાને ફોન કરીને મકાન જોવા જવાની વાત કરીને સાથે લઇ જઇ દૂષ્કર્મ આચરવામાં આવ્યાની વિગતો જણાવતાં એ મુજબ ગુનો નોંધાયો હતો. બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આ સગીરાની છેડતી થઇ હતી અને ત્યારે અરજી કરવામાં આવી હતી. પરંતુ જે તે વખતે ઘરેમેળે સમાધાન થઇ ગયું હતું.

(11:50 am IST)