Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ચુનારાવાડમાં દેવીપૂજક-સસરા જમાઇ વચ્ચે બઘડાટીઃ મહેશભાઇ અને પ્રકાશને ઇજા

યુવાન પોતાની સગર્ભા પત્નિને રાખવા ઇચ્છતો ન હોવાથી માથાકુટ થઇ : ડખ્ખો થતાં ઘટના સ્થળે ગયેલા પોલીસમેનને એક દૂકાનદારે ધોકો ફટકારી લીધો

રાજકોટ તા. ૭: ચુનારાવાડમાં દેવીપૂજક સસરા-જમાઇ વચ્ચે પાઇપ-ધોકાથી મારામારી થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે. દેવીપૂજક યુવાન સગર્ભા પત્નિને હવે રાખવા ઇચ્છતો ન હોઇ તે બાબતે આ માથાકુટ થઇ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ અંગે સામસામી ફરિયાદ નોંધી છે. આ ડખ્ખાને પગલે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી ત્યારે એક દૂકાનદારે પોલીસમેન સાથે ઝઘડો કરી તેને ધોકો ફટકારી લીધો હતો.

બનાવની જાણવા મળેલી વિગત મુજબ ચુનારાવાડ-૧૫માં રહેતાં અને બકાલાનો ધંધો કરતાં મહેશભાઇ ચંદુભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૪૨) રાત્રે ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના જમાઇ યોગેશે પાઇપ ફટકારી દીધાનું કહેતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. બીજી તરફ તેનો જમાઇ કુબલીયાપરા-૫માં રહેતો યોગેશ રમેશભાઇ પરમાર (ઉ.૨૨) પણ પોતાને મોટા સસરા પ્રકાશભાઇ ચંદુભાઇ સોલંકીએ માથામાં પાઇપ ફટકારી દીધાની રાવ સાથે દાખલ થયો હતો.

થોરાળાના પીએસઆઇ જે. જી. ચોૈધરીએ બંનેની ફરિયાદ નોંધી હતી. મહેશભાઇના કહેવા મુજબ તેની દિકરી અંજલીના લગ્ન ગયા શ્રાવણ મહિનામાં યોગેશ સાથે થયા છે. યોગેશ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. હાલમાં દિકરી અંજલી સગર્ભા છે. તેણીને હવે જમાઇ યોગેશ રાખવા ઇચ્છતો ન હોઇ આ બાબતે તેને સમજાવવા જતાં પાઇપથી તૂટી પડ્યો હતો.

સામે યોગેશે મોટા સસરા પ્રકાશભાઇ વિરૂધ્ધની ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ઘરે હતો ત્યારે સસરાએ આવી કેમ અંજલીને રાખતો નથી? તેમ કહી હુમલો કર્યો હતો. યોગેશે એમ પણ કહ્યું હતું કે અંજલી ફાકી ખાવાની ટેવ ધરાવે છે. માતાએ પાણીનો ગોળો ભરવાનું કહેતાં તે ઝઘડો કરી જાતે જ જતી રહી હતી.

પોલીસમેન પર હુમલો

ચુનારાવાડમાં માથાકુટનો કોલ મળતાં થોરાળા પોલીસના કોન્સ. વિક્રમભાઇ આયદાનભાઇ ત્યાં પહોંચ્યા હતાં. મોડી રાત્રે ચંદુ કાંતિભાઇ તનીયાની દૂકાન ખુલી હોઇ અને ત્યાં ટોળુ ઉભુ હોઇ કોન્સ્ટેબલે દૂકાનદારને દૂકાન વધાવી લેવા કહેતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારી દુકાન બંધ નહિ થાય તેમ કહી ધોકો ફટકારી લેતાં આ પોલીસમેનને પણ સારવાર લેવી પડી હતી. બાદમાં તેણે લેખિત માફી માંગી લેતાં સમાધાન થઇ ગયું હતું.

(3:37 pm IST)