Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કિંજલ જ કાવત્રાખોર નીકળીઃ પ્રેમી માટે લૂંટનું તૂત રચ્યું

ગઇકાલે ગુજરી બજારમાં થયેલી ૫ાા લાખની લૂંટની ઘટનાનો ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ખોલ્યો : પરિણીત લુહાર શખ્સ હાર્દિક વાળા અગાઉ ટપુ ભવાન પ્લોટમાં રહેતોઃ તેને કુંવારી કાજલ સાથે પ્રેમ થઇ જતાં પત્નિ તેને છોડીને જતી રહી હતીઃ હાલ કેસ ચાલુ છેઃ પ્રેમિકાના પૈસે મોજેમોજ કરતો બગસરાના હામાપરનો હાર્દિક હવે બરાબરનો ફસાઇ ગયોઃ દોઢ વર્ષમાં હાર્દિકને કિંજલે કટકે-કટકે ત્રણેક લાખ રૂપિયા આપી દીધા છે! : કિંજલે બ્લેડ જાતે જ માર્યાના પુરાવા મળતાં અને તેની ગોળ-ગોળ વાતો ગળે ન ઉતરતાં તેમજ એક સુરત પાસીંગનું શંકાસ્પદ બાઇક મળતાં સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થઇ અને ભેદ ઉકેલાઇ ગયો : ભાઇ પૈસા લઇને આવ્યો અને થેલી હાથમાં આપી એ સાથે જ કિંજલે ચાવી ખોવાઇ ગયાનું નાટક કર્યુઃ બીજી ચાવી લેવા કાકાની દૂકાને જવાનું કહીને ચાલતી થઇ અને થોડીવારમાં જ લોહી નીકળતી હાલતમાં પાછી આવી ને લૂંટની વાત કરીઃ ચાવી પોતાના પેન્ટના ખિસ્સામાં જ હોવાનું પણ કહ્યું :બ્રહ્મક્ષત્રિય યુવતિ કિંજલે તેનો ભાઇ ધવલ આંગડિયા પેઢીમાં પૈસા હસ્તગત કરવામાં વ્યસ્ત હતો ત્યારે પાણીની બોટલ ડિક્કીમાં મુકવાના બહાને એકટીવાની ચાવી લઇ લીધી'તી : કિંજલે એક વખત દાગીના આપી દેતાં તેના ઉપર હાર્દિકે લોન લઇ લીધી'તી! : મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત હમેંશા નસિબવંતા સાબિત થયા છે

લૂંટની ઘટના નર્યુ તૂત હોવાનું સાબિત થતાં આ આજે આ ઘટનાની મિડીયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. તસ્વીરમાં ઉચ્ચ અધિકારીઓ તથા ટીમ અને કબ્જે થયેલી રોકડ તથા નીચે ઇન્સેટમાં હાર્દિકની પુછતાછ કરતાં પોલીસ અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: ગઇકાલે ભરબપોરે સોની બજાર પાસે ગુજરી બજારમાં ટપુ ભવાન પ્લોટ-૧માં માતૃછાંયા ખાતે રહેતી બ્રહ્મક્ષત્રિય યુવતિ કિંજલ દિપકભાઇ મણીયાર (ઉ.૨૫)ના હાથમાં છરીના ઘા ઝીંકી બાઇક પર આવેલા બે શખ્સ રૂ. ૫,૫૦,૦૦૦ની રોકડ લૂંટી ભાગી ગયાની ઘટના જાહેર થતાં સનસનાટી મચી ગઇ હતી. પણ પોલીસે તપાસ શરૂ કરતાં જ એક પછી એક શંકાસ્પદ મુદ્દાઓ સામે આવતાં ગયા હતાં. તેનો ઉકેલ મેળવવા પ્રયાસ થતાં જ કલાકોમાં ભેદ ઉકેલાઇ ગયો હતો અને સ્પષ્ટ થઇ ગયું હતું કે આ લૂંટ નહિ, નર્યુ તૂત હતું. એટલુ જ નહિ ખુદ કિંજલ જ કાવત્રાબાજ હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. આ યુવતિએ અગાઉ રાજકોટ રહી ચુકેલા હાલ બગસરાના હામાપરમાં રહેતાં પોતાના પ્રેમી લુહાર શખ્સ હાર્દિક જેન્તીભાઇ વાળા (ઉ.૨૮)ને મદદ કરવા તેને આ રોકડ આપી દઇ લૂંટનું તૂત ઉભુ કર્યાનું ખુલતાં પોલીસે બંનેને સકંજામાં લઇ પોલીસને ગેરમાર્ગે દોરવા સબબ કાર્યવાહી હાથ ધરી છે. 

ગઇકાલે મોડી બપોરે લૂંટની ઘટના જાહેર થતાં એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. એ-ડિવીઝન પોલીસે જેના હાથમાંથી રોકડ લૂંટાઇ ગયાનું કહેવાયું હતું એ કિંજલ મણીયારના ભાઇ ધવલ દિપકભાઇ મણિયાર (ઉ.૧૯-રહે. દોશી હોસ્પિટલ પાસે સ્વામિનારાયણ ચોક, ટપુ ભવાન પ્લોટ-૧)ની ફરિયાદ પરથી એ અજાણ્યા બાઇકસ્વાર સામે આઇપીસી ૩૯૪, ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

ધવલે પોલીસને જણાવ્યું હતું કે પોતે એચ.એન. શુકલા કોલેજમાં ટીવાયબીસીએમાં અભ્યાસ કરે છે તેમજ ગુંદાવાડી રોડ પર હાર્દિક બેંગલ્સ નામે દૂકાન પણ છે. જ્યાં પોતે અને પિતા બેસીને વેપાર કરે છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. મોટા ભાઇ હાર્દિકભાઇ મણીયારના લગ્ન થઇ ગયા છે. જ્યારે બહેન કિંજલ (ઉ.૨૫) ઘરકામ કરે છે. તેના સગા કાકા શૈલેષભાઇ ગોપાલદાસને સોની બજાર પારગેટ રોડ પર અરવિંદ બ્રધર્સ નામે બંગડીની દૂકાન છે. કાકા શૈલેષભાઇ ધંધાના કામ માટે અવાર-નવાર કોલકત્તાના કટક મુકો જાય છે. હાલમાં પણ તે ત્યાં છે.

ગઇકાલે પોતે ઘરેથી સવારે નીકળી કોલેજે ગયો હતો. એ પછી પિતાએ ફોન કરેલ કે ગુજરી બજાર આર. સી. એન્ટરપ્રાઇઝમાં કોલકત્તાથી કાકાનું આંગડિયુ આવવાનું છે એ બપોરે લઇ આવવું. બપોરે છુટીને તે ઘરે ગયો ત્યારે બહેન કિંજલે પોતાને દવા લેવાની હોઇ તેવી વાત કરતાં ધવલે તેણીને પણ સાથે લીધી હતી. જીજે૩-૪૧૦૧ નંબરના એકટીવા પર બપોરે એકાદ વાગ્યે ભાઇ-બહેન ઘરેથી નીકળ્યા હતાં અને ગુજરી બજારમાં આર. સી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીએ પહોંચ્યા હતાં. જ્યાં ધવલે પોતાના નામે જ આંગડિયુ આવ્યું છે તેની ખરાઇ કરાવી હતી. એ વખતે બહેન કિંજલ પોતાને પાણીની બોટલ ડિક્કીમાં મુકવી છે તેમ કહી ધવલ પાસેથી એકટીવાની ચાવી લઇ બહાર ગઇ હતી અને બાદમાં પરત અંદર આવી હતી.

એ પછી ધવલને રૂ. ૫,૫૦,૦૦૦ અપાતાં તે થેલમાં રાખી બહાર આવ્યો હતો અને આ રોકડની થેલી તેણે બહેન કિંજલના હાથમાં આપી હતી. કારણ કે વાહન તેને હંકારવાનું હતું. તેણે ચાવી માંગતા કિંજલે ચાવી ખોવાઇ ગયાનું કહ્યું હતું અને બાદમાં પોતે કાકાની દૂકાન નજીકમાં જ હોઇ ત્યાં બીજી ચાવી પડી છે તે લેવા જાય છે તેમ કહીને રોકડની થેલી સાથે જ ચાલતી થઇ હતી. દસેક મિનીટ પછી તે પાછી આવી હતી અને ચાવી પોતે પહેરેલા પેન્ટના ખિસ્સામાં જ છે તેમ કહ્યું હતું. તેના હાથમાં પૈસાની થેલી ન જોતાં અને હાથમાં લોહી નીકળતું જોતાં ધવલે પુછતાં તેણીએ એવું કહ્યું હતું કે પારગેટનો ઢાળીયો ઉતરતી હતી ત્યારે બાઇક પર આવેલા બે શખ્સ થેલી લૂંટી ભાગી ગયા છે.

આ વાતથી ધવલ સ્તબ્ધ થઇ ગયો હતો અને તે બહેનને સાથે લઇ કાકાની દૂકાને ગયો હતો. ત્યાંથી કાકાના દિકરી રાધીકાબેનને સાથે લઇ કિંજલને દશાશ્રી માળી હોસ્પિટલમાં પાટો બંધાવવા લઇ ગયો હતો. એ પછી પિતાને ફોનથી ઘટનાની જાણ કરી હતી અને એ પછી કોઠારીયા પોલીસ ચોકીએ પહોંચી ઘટનાની જાણ કરી હતી. પી.આઇ. બી.પી. સોનારા, શિવરાજસિંહ, ભરતસિંહ ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, ભાવેશભાઇ, વિજયસિંહ, કરણભાઇ, હાર્દિકસિંહ સહિતની ટીમે ઉપરોકત ફરિયાદને આધારે દોડધામ શરૂ કરી હતી.

બીજી તરફ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી બી. બી. રાઠોડ, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચનાથી પી.આઇ. એચ. એમ. ગઢવી, પીઆઇ. બી. પી. સોનારા, પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ આર. સી. કાનમીયા, પીએસ.આઇ. એ. એસ. સોનારા, પીએસઆઇ કે. કે. જાડેજા, પીએસઆઇ ડી. પી. ઉનડકટ સહિતને અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ મેળવવા તેમજ ઘટના જ્યાં બની એ સ્થળે અલગ-અલગ લોકોની પુછતાછ કરવાનું શરૂ કર્યુ હતું.

પોલીસને અમુક સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં. જેમાં સુરત પાસીંગનું બાઇક શંકાસ્પદ જણાયું હતું. તેમજ ખુદ કિંજલે બ્લેડથી જાતે કાપા માર્યાનો પુરાવો પણ મળતાં પોલીસ ચોંકી ગઇ હતી. એ પછી યુકિત-પ્રયુકિત વાપરી કિંજલની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવતાં તેણે પોતાના મિત્ર બગસરાના હામાપર ખાતે રહેતાં હાર્દિક વાળાને આ રકમની જરૂર હોઇ અગાઉથી પ્લાન ઘડીને તેને ગુજરી બજારમાં બોલાવીને રકમ આપી દીધાનું કબુલતાં પોલીસે હામાપરના હાર્દિકને દબોચી લઇ તેની પાસેથી રોકડ કબ્જે લીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટનું ખોટુ કાવત્રુ ઘડવા સબબ આ બંને સામે કાર્યવાહીની તજવીજ થઇ રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ ખુલી છે કે હાર્દિક અગાઉ કિંજલના પડોશમાં રહેતો હતો. એ કારણે બંને વચ્ચે પરિચય થયો હતો અને ગાઢ મિત્રતા બંધાઇ હતી. જેથી હાર્દિકને તેની ઘરવાળી સાથે માથાકુટ થતં તે છોડીને જતી રહી હતી અને છુટાછેડાનો કેસ પણ ચાલે છે. હાર્દિકને કિંજલે અનેક વખત કોઇને કોઇ રીતે હજારો રૂપિયાની મદદ કરી છે. અગાઉ ફેબ્રીકેશનનું કામ કરતો હાર્દિક મોજશોખ માટે મોટે ભાગે કિંજલ પાસેથી જ નાણા મેળવતો હતો. પોતાના પ્રિય મિત્રને નાણા આપવા કિંજલ ગમે તેમ કરીને વ્યવસ્થા કરતી હતી! અત્યાર સુધી મોજ કરનારો હાર્દિક હવે બરોબરનો સલવાયો છે.

ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. બી. પી. સોનારા સહિતે માહિતી આપતા જણાવ્યું હતું કે આ લૂંટનું કાવત્રુ કિંજલે જ ઘડ્યાનું સ્પષ્ટ થઇ જતાં અને તેણે પૈસા તેના પ્રેમી હાર્દિકને આપી દીધાનું કબુલતાં હાર્દિકને તેના ગામ હામાપરથી પકડી લેવાયો હતો. કિંજલે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કટકે-કટકે પ્રેમી હાર્દિકને રૂ. ૩ લાખ તેમજ સોનાના દાગીના પણ આપ્યા હોવાનું ખુલ્યું છે. હાર્દિક પોતે પ્રેમિકા પાસે પૈસા લેવા આવ્યો ત્યારે પોતાની વેગનઆર કાર બીજા સ્થળે મુકીને મિત્ર પાર્થ પ્રવિણભાઇ કલોલાનું બાઇક જીજે૦૫એમજી-૩૭૦૨ લઇને આવ્યો હતો. આ બાઇક સીસીટીવી ફૂટેજમાં દેખાયું હોઇ તેના આધારે બાઇક માલિકને શોધી કઢાતાં આ બાઇક મિત્ર હાર્દિક લઇ ગયાનું ખુલતાં ત્યાંથી પણ કડી મળી હતી.

કિંજલે કાકાના પૈસા આવવાના છે તેની વાત ગઇકાલે સવારે જ પ્રેમી હાર્દિકને કહી દીધી હતી. હાર્દિકને શાપરમાં આસ્થાગ્રીન સીટીમાં પણ મકાન છે. તે રાજકોટથી કિંજલ પાસેથી પૈસા લઇને આ મકાને મુકીને વતન હામાપર જતો રહ્યો હતો. તેણે ક્રાઇસ્ટ કોલેજમાં ડિપ્લોમા ઇન ફેબ્રીકેશનનો અભ્યાસ કર્યો છે. તે ત્રણ બેહનનો એકનો એક ભાઇ છે. પિતા હાઇસ્કૂલના નિવૃત કલાર્ક છે.

તપાસમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીઆઇ બી. પી. સોનારા, પીએસઆઇ બી. ટી. ગોહિલ, એ.એસ.સોનારા, કે. કે. જાડેજા, ડી. પી. ઉનડકટ, બી. કે. ખાચર, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, અનિલભાઇ સોનારા, કુલદીપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, રામભાઇ વાંક, જીજ્ઞેશભાઇ મારૂ, જયદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સમીરભાઇ શેખ સહિતનો કાફલો તથા એ-ડિવીઝનની ટીમ જોડાઇ હતી.

પ્યાર કે નામ કુરબાન...પ્રેમી માટે કંઇપણ કરવા તૈયાર રહેતી કિંજલ બ્લેડથી કાપા મારતી સીસીટીવીમાં દેખાઇ અને ભેદ ઉકેલવાનો રસ્તો મળ્યો

લૂંટની ઘટના બનતાં પોલીસે સોૈ પ્રથમ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. કિંજલે જે સ્થળે ઘટના બન્યાનું કહ્યું હતું ત્યાંના ફૂટેજ ચેક કરતાં તે જાતે જ બ્લેડથી કાપા મારતી જોવા મળી હતી. તે સાથે જ પોલીસને ભેદ ઉકેલવા માટેનો રસ્તો મળી ગયો હતો. પ્યાર કે નામ કુરબાન...એ મુજબ કિંજલ પ્રેમી હાર્દિક માટે કંઇપણ કરવા તૈયાર હતી અને સાડા પાંચ લાખની રોકડ તેને આપી દીધા બાદ પોતાની જાતે જ પોતાના હાથ પર બ્લેડના કાપા મારી લોહી કાઢી લૂંટારાઓએ છરી ઝીંકી દીધાની સ્ટોરી ઘડી કાઢી હતી. જે પોલીસ તપાસમાં નર્યુ તૂત સાબિત થઇ હતી. ફૂટેજમાં બ્લેડથી કાપા મારતી કિંજલ અને તેની પાસેથી બાઇક લઇને નીકળેલો હાર્દિક જોઇ શકાય છે (૧૪.૧૦)

(3:28 pm IST)