Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં દીવાલ પડી જતાં બેનાં મોત

રાજકોટમાં વરસાદથી કહીં ખુશી તો કહીં ગમનો માહોલ : રાજકોટમાં વાતાવરણમાં પલટાના કારણે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું

રાજકોટ,તા. : રાજકોટ શહેરમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. રાજકોટમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જ્યારે કે ગોંડલમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો બીજી તરફ આટકોટ પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારમાં વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. તેમાં વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કાલાવડ રોડ કોટેચા ચોક સહિતના જુદા-જુદા વિસ્તારોમાં પીજીવીસીએલના પાંચથી વધુ ફીડર બંધ થઈ ગયા હોવાના કારણે લોકોએ બે કલાક સુધી લાઈટ વિના સમય પસાર કરવાનો વારો આવ્યો હતો.

બીજી તરફ લોકોએ પીજીવીસીએલના કોલ સેન્ટર પર ફરિયાદ કરવા ફોન કર્યા હતા પરંતુ સંપર્ક કરી શકતા લોકો અકળાયા હતા. ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે માધાપરથી થોડે દુર આવેલો આજી૨ ડેમ રાત્રીના ૧૨ કલાકે ઓવરફલો થતા તેનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો.

 સતત ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજી ડેમનો એક દરવાજો માત્ર ૨૦ દિવસના સમયગાળામાં બીજી વખત ખોલવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડેમનું પાણી ખેડૂતોને સિંચાઈ લક્ષી કામો માટે આપવામાં આવે છે. તો બીજી તરફ વરસાદ પડવાના કારણે કેટલીક જગ્યાએ દુઃખદ ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે.

વરસાદના કારણે બે જેટલા સ્થળે દિવાલ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. માલિયાસણ પાસે આવેલા કોટન ના કારખાનામાં નોકરી કરતા શ્રમિકોની પાસે રહેલી દીવાલ ધસી પડતાં દિનેશ સિંઘ અને સુખદેવ સિંઘ નામના શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

જ્યારે કે અન્ય એક બનાવ મોરબી રોડ પર આવેલા વેલનાથ બન્યો હોવાનું સામે આવ્યું છે. વેલનાથ પરા એકવાર રહેલો સુમન નામનો યુવાન રાત્રે ઘરે હતો ત્યારે અચાનક દિવાલ તૂટી પડવાથી તેને ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

(9:20 pm IST)