Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

વિદ્યાર્થીઓને માસ પ્રમોશનને બદલે સ્વયં મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જરૂરીઃ નિદ્દત બારોટ

રાજ્ય સરકારે કોરોનાને પહોંચી વળે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ

રાજકોટ, તા. ૭ :. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યુ છે. તેની સામે સ્વયં મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવી જોઈએ તેવી માંગ પૂર્વ કુલપતિ અને કોંગ્રેસના આગેવાન ડો. નિદ્દત બારોટે કરી છે.

ડો. નિદત બારોટે જણાવ્યુ છે કે રાજ્ય સરકાર દ્વારા શાળાથી શરૂ કરી સ્નાતક કક્ષાની કોલેજ સુધી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. સર્વશિક્ષા અભિયાનની શરૂઆત થઈ ત્યારે પ્રાથમિક શાળાઓમાં મિનિમમ લેવલ ઓફ લર્નિંગનો કન્સેપ્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે એવું વિચારાયુ હતુ કે વર્ગના ૮૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ ૮૦ ટકાથી વધુ કન્ટેન્ટ એટલે કે વિષયવસ્તુ જાણતા હશે માટે તેઓને પરીક્ષાનું મૂલ્યાંકન કર્યા વગર આગળના ધોરણોમાં મોકલતા હતા. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપતી વખતે વિદ્યાર્થી અને વાલી પોતાનું સ્વયં મૂલ્યાંકન કરી શકે કે કેમ આ અંગે રાજ્ય સરકારે વિચારવાની જરૂર હતી. નિદત બારોટે વધુમાં જણાવે છે કે કોઈપણ શાળાના વિદ્યાર્થીને શાળાએ બોલાવ્યા વગર મૂલ્યાંકન કરવા માટે સ્વયં મૂલ્યાંકન પદ્ધતિ એટલે કે સેલ્ફ એસેસમેન્ટ મેથડ દાખલ કરવી જોઈએ. આ પદ્ધતિમાં શિક્ષકો, વિદ્યાર્થીઓને જે રીતે વાર્ષિક પરીક્ષા લેવાતી હોય તે જ રીતે ઓનલાઈન પેપર મોકલી આપે. વિદ્યાર્થી બે અથવા અઢી કલાક જે સમય આપવામાં આવ્યો હોય તે સમય મુજબ ઘરે પુસ્તકોનો ઉપયોગ કર્યા વગર વર્ગખંડમાં પરીક્ષા આપતો હોય તે પ્રમાણેની જ પરીક્ષા આપે. સમય પુરો થયા બાદ શિક્ષકે આપેલા પેપરનું મોડલ આન્સર પેપર તૈયાર કરીને વિદ્યાર્થીને ઓનલાઈન જ મોકલવામાં આવે. વિદ્યાર્થી ઘરે બેઠા પોતાના ઘરમાં રહેલા વડીલ ભાઈ-બહેનો અથવા માતા-પિતા, પડોશીઓની મદદથી પોતાના પેપરનુ મોડલ આન્સર પેપર સાથે સરખામણી કરીને સ્વયં મૂલ્યાંકન કરે અને તેણે કરેલું મૂલ્યાંકન ફરીથી શિક્ષકને મોકલી આપે. આવું કરવાથી વિદ્યાર્થીએ પોતાના વિષયમાં કેટલી બાબત શીખી છે તેની સચોટ માહિતી મેળવવી શકય બનશે. આમ કરવાથી વિદ્યાર્થીમાં પ્રમાણિકતાપૂર્વક પરીક્ષા આપવી અને પ્રમાણિકતાપૂર્વક મૂલ્યાંકન કરવું એમ થતું હોવાથી વિદ્યાર્થીમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થશે. વિદ્યાર્થી જાતે મૂલ્યાંકન કરે ત્યારે વિષયવસ્તુમાં કઈ બાબતમાં પોતે કચાશ ધરાવે છે તેની પણ તેને માહિતી મળશે. તેને મદદ કરનાર વાલી અથવા મોટા ભાઈ-બહેનથી તેની કચાશને વિદ્યાર્થી દૂર પણ કરી શકશે. આ રીતે વિદ્યાર્થીનું કોરોનાના આ સમયમાં ઘરે બેઠા મૂલ્યાંકન કરી શકાશે. આમ પણ આપણે શીખવીએ છીએ કે વિદ્યાર્થીને કેટલા માર્ક મળે છે તેનું મહત્વ નથી, પરંતુ વિદ્યાર્થીને શું આવડે છે તેનું મહત્વ છે. સ્વયં મૂલ્યાંકનની આ પદ્ધતિથી વિદ્યાર્થી પોતે પોતાના વિષયમાં કેટલું જાણે છે તેનુ પણ સ્વયં મૂલ્યાંકન કરી શકશે.

(5:24 pm IST)