Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ ૨૮ દિ' પછી લેવાનો રહેશે

ફોરેન જવા વિદ્યાર્થીઓ માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીન લેવાની વ્યવસ્થા કરતી મ.ન.પા.

રાજકોટ,તા.  ૭ : રાજય સરકારશ્રી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેકસીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ લઇ શકશે, આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ :- ૨૧-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

વધુમાં જણાવવાનું કે, જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને કોવીશીલ્ડ વેકસીનનો બીજો લેવા આવે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી કરેલી અરજીની પ્રિન્ટ, ઓફર લેટર, પાસપોર્ટની ઝેરોકસ, વિઝાની નકલ, આધાર કાર્ડ અને કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ મેળવ્યાનું સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે.

જે વિદ્યાર્થીઓનો વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે તેમણે www.cowin.gov.in પર રજીસ્ટ્રેશન કરી સ્લોટ બુક કરી વેકસીન લઇ શકશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક -http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. 

(5:23 pm IST)