Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સવા વર્ષ બાદ રાજકોટની અદાલતો ખુલ્લીઃ પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા વકીલો ખુશખુશાલ

સેસન્સ-ફોજદારી-સિવિલ સહિત કુલ ૪૪ કોર્ટો ધમધમતી થઇઃ દરેક કોર્ટોમાં ફકત એક જ દરવાજો ખોલાયોઃ બાર એસો.અને લાયબ્રેરી રૂમના તાળા ખુલ્યાઃ ૧૦૦ ટકા સ્ટાફ અને પુરતા ન્યાયાધીશોની હાજરીમાં કામગીરી શરૃઃ માત્ર ૭રપ૮ કેસો અકસ્માત વળતરના વધ્યાઃ રપ૦ પેન્ડીંગ કેસોના ચુકાદાઓ અપાશેઃ હજારો કેસો પેન્ડીંગ

રાજકોટઃ લગભગ સવા વર્ષ બાદ આજે અદાલતનોને ખોલવામાં આવી હતી. જો કે, હજુ આવન-જાવન માટે ફકત દરેક કોર્ટ બિલ્ડીંગનો માત્ર એક જ દરવાજો ખોલવાયો હોય અશીલો-પક્ષકારોની ચહલ-પહલ જોવા મળી નહોતી પરંતુ કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતા વકીલોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં ન્યાય મંદિરના બંધ દરવાજાઓ આગળ પક્ષકારો અંદર આવવાની રાહ જોઇ રહેલા દર્શાયઃ બીજી તસ્વીરમાં પોતાની કેસની કોમ્પ્યુટર ઉપર માહિતી મેળવતી યુવતિ દર્શાય છે. નીચેની તસ્વીરોમાં વકીલો રાજીના રેડ દેખાય છે. નોટરી વકીલોના ટેબલો ઉપર લોકો દેખાય રહ્યા છે. તો નીચેની તસ્વીરમાં હજુ કોર્ટ બહાર રસ્તા ઉપર નોટરી વકીલો ટેબલ નાખીને બેઠેલા જોવા મળી રહ્યા છે તેમજ વચ્ચેની તસ્વીરમાં રાજકોટ બાર એસો.ના રૂમનું તાળુ ખોલવામાં આવી રહ્યાનું જણાય છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.૨૪)

રાજકોટ તા. ૭ :.. કોરોનાની વિશ્વ વ્યાપી મહામારીના અનુસંધાને ભારતભરમાં સરકારી ઓફીસો અને ન્યાયતંત્રમાં કામગીરી ઠપ્પ થઇ ગયેલ હતી. ધીમે ધીમે કોરોનાના કેસો ઘટતાં ગુજરાત હાઇકોર્ટના કોવિડ-૧૯ ના નિયમોના ચુસ્તપણે અમલ સાથે આજે ગુજરાતની નીચેની અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરાઇ છે.

રાજકોટમાં આજે ફોજદારી સેશન્સ અને ફાસ્ટ ટ્રેક અદાલતોમાં મુખ્ય એક - એક દરવાજો ખુલ્લો મુકાયો હતો. બાકીના તમામ દરવાજાઓ હજુ ખોલવામાં આવ્યા નથી.

આજથી રાજકોટની કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી વકીલો દ્વારા કરવામાં આવી હતી. કોર્ટમાં પુરતા સ્ટાફ અને ન્યાયાધીશોની હાજરીમાં ધીમે અંશે શરૂ થઇ હતી.

છેલ્લા સવા વર્ષથી કોર્ટો બંધ હોય અસંખ્ય કેસોનો ભરાવો કોર્ટમાં થયો છે. ત્યારે ફકત મોટર એકસીડન્ટ કલેઇમ કેસોમાં જ ૭રપ૮ કેસો નિકાલ માટે પેન્ડીંગ છે.

ખાસ કરીને ફોજદારી કેસોમાં ચેક રિટર્ન-ભરણ પોષણ અને સિવિલ કેસોની કાર્યવાહી છેલ્લા સવા વર્ષથી બંધ હોય અને તેમાં પણ આ સમય ગાળા દરમ્યાન 'ઓનલાઇન' કાર્યવાહીમાં જે કેસો કોર્ટમાં આવેલ છે. તે પણ મોટી સંખ્યામાં છે. આથી હવે કોર્ટોમાં અસંખ્ય કેસોનો ભરાવો થયેલ હોય આ કેસોનો નિકાલ કરવાનો અદાલતોનો પ્રથમ અભિગમ રહેશે તેમ કાનુની વર્તુળો જણાવી રહ્યા છે.

રાજકોટમાં વિવિધ પ્રકારની ૪૪ કોર્ટો આવેલ છે. આ તમામ કોર્ટોમાં પુરતા સ્ટાફ અને ન્યાયાધીશોની હાજરીમાં કાર્યવાહી શરૂ થયેલ છે.

આજે સરકારી વકીલો પણ પુરતી સંખ્યામાં હાજર રહ્યા હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમ્યાન આભાસી કોર્ટોની કામગીરી ચાલુ હતી. ત્યારે માટે અરજન્સીવાળા કેસો જેવા કે, જામીન અરજી, આગોતરા અરજી અને રીમાન્ડ અંગેની મેટરો જ ચાલતી હતી. આજથી રાબેતા મુજબ અદાલતોમાં પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થતાં હવે તમામ પ્રકારના કેસો જેવા કે, ખુન કેસો, બળાત્કાર પોકસોના કેસો, સિવિલ, ક્રિમીનલ, એન. ડી. પી. એસ. કલેઇમ કેસો જેમ કે અકસ્માત વળતરના કેસો, ફેમેલી કોર્ટના કેસો એમ તમામ પ્રકારના કેસોની સુનાવણી અદાલતોમાં શરૂ થઇ છે.

છેલ્લા સવા વર્ષથી કોર્ટો બંધ હોય તે દરમ્યાન ખાસ કરીને જુનિયર વકીલોની રોજીરોટીનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. અદાલતો લાંબા સમય સુધી બંધ રહેતા કેટલાંક વકીલોએ કમાણી ના અન્ય વિકલ્પો તરફ પણ વળી ગયા હતાં.

નોટરી વકીલોની કામગીરી ઉપર પણ અસર થયેલ હતી. અને રાજકોટમાં આજે પણ હજુ મોચી બજાર કોર્ટની બહાર રસ્તા ઉપર નોટરી વકીલો ટેબલ નાખીને કામગીરી કરી રહ્યા છે. હજુ કોર્ટોના તમામ દરવાજાઓ ખુલ્લા ન કરાયા હોય આજે કોર્ટ કમ્પાઉન્ડમાં બેસતા નોટરી વકીલો હજુ પણ પોતાનો વ્યવસાય શરૂ કરી શકેલ નથી.

વિવિધ પ્રકારના કુલ રપ૦ વધુ વધુ કેસોના ચુકાદો આપવા માટે પેન્ડીંગ હોવાનું જાણવા મળે છે.

આજથી રાજકોટમાં કુલ ૪૪ કોર્ટોની કાર્યવાહી ધમધમતી થઇ છે. ધીમે ધીમે જેમ દિવસો જતા જશે તેમ તેમ ફરી પહેલાની જેમ કોર્ટો ધમધમતી થઇ જશે.

આજે રાજકોટ જિલ્લાની તાબાની કોર્ટો જેવી કે, ગોંડલ, ઉપલેટા, જસદણ, પડધરી, વીરપુર, કોટડા સાંગાણી, સહિતના તાલુકા કક્ષાની કોર્ટોમાં પણ કામગીરી, શરૂ થતાં સાક્ષીઓ, લોકોની અવર-જવર શરૂ થયેલ હતી.

આજે કોર્ટો ખુલતાં હાઇકોર્ટ દ્વારા કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે. વકીલોએ પણ હાઇકોર્ટના નિર્ણયને વધાવીને કામગીરી શરૂ કરી હતી.

(5:15 pm IST)