Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ત્રણ દિ' પહેલા ઝેર પી લેનારા કોઠારીયા સોલવન્ટના રિક્ષાચાલક ફૈઝલનું મોત

દેણામાં આવી ગયો'તોઃ એકાદ લેણદારના ફોન આવતાં હોવાનું પિતાનું કથન

રાજકોટ તા. ૭: કોઠારીયા સોલવન્ટ મસ્જીદ પાસે રહેતાં રિક્ષાચાલક ફૈઝલ ફિરોઝભાઇ બેલીમ (ઉ.વ.૨૬) નામના યુવાને તા. ૪ના રોજ ઘર નજીક પિતાજીની પંચર સાંધવાની દૂકાન પાસે ઝેરી દવા પી લીધી હતી. તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

ફૈઝલે તા.૪ના બપોરે ત્રણેક વાગ્યે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. આજે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ફૈઝલ ત્રણ ભાઇમાં વચેટ હતો અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. તેના પિતા ફિરોઝભાઇના કહેવા મુજબ ફૈઝલ દેણામાં આવી ગયો હતો. તે સારવારમાં હતો ત્યારે લેણદારના ફોન આવતાં હતાં. કદાચ વ્યાજખોરીમાં ફસાયો હોઇ શકે. પોલીસે આ શકયતા અંગે તપાસ શરૂ કરી છે.

(5:12 pm IST)