Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આંતરરાજય ટોળકીના મુખ્ય સુત્રધારને ઝડપી લેતી રૂરલ પોલીસ : બે વર્ષમાં અનેક રાજયોમાં ઠગાઇ કર્યાની કબુલાત

આર્મી ઓફિસરની ઓળખ આપી ઓએલએકસમાં સસ્તા ભાવે વાહન વેચવાની જાહેરાત આપી છેતરપીંડી કરતા : લોધીકા પીએસઆઇ કિરણબા જાડેજા તથા ગોંડલ તાલુકા પોલીસે રાજસ્થાનના ભરતપુરમાંથી જમશેદખાનને દબોચી લીધો : ઓનલાઇન રૂપિયા મંગાવી વાહન ન આપી છેતરપીંડી કરતો'તો : ગોંડલ તાલુકા પોલીસ મથકના ગુન્હામાં વોન્ટેડ હતો : પોતાની બદલી થઇ છે તેમ કહી સસ્તામાં વાહનો વેચવાનું કહી અનેકને શિશામાં ઉતાર્યા'તા.

રાજકોટ, તા. ૭ :  ફેસબુક તથા ઓ.એલ.એકસમાં આર્મી ઓફિસરની ખોટી ઓળખ આપી રસ્તા ભાવે વાહનો વેચવાની જાહેરાત મુકી ઓનલાઇન પોતાના બેંક ખાતામાં રૂપિયા મંગાવી વાહનો ન આપી છેતરપીંડી કરતી આંતરરાજય ટોળકીના મુખ્ય સુત્રધારને લોધીકા તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમે ઝડપી પુછતાછ હાથ ધરી છે. પકડાયેલ મુખ્ય સુત્રધાર તથા તેના સામગ્રીતોએ ગુજરાત સહિત અનેક રાજયોમાં ઠગાઇ કર્યાનું ખુલ્યું છે.

ઓનલાઇન છેતરપીંડી કરી ગુન્હો આચરતી ટોળકીના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રેન્જ આઇ.જી.પી. સંદિપસિંહ તથા એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હામાં એક વર્ષની નાસતો ફરતો આરોપી જમશેદખાન આસીમખાન રે. અલધાણી જી. ભરતપુર રાજસ્થાન ભરતપુરમાં આવ્યો હોવાની બાતમી મળતા ગોંડલના ડીવાયએસપી પી. એ. ઝાલા તથા સર્કલ પી.આઇ. એમ. આર. સંગાડાના માર્ગદર્શન હેઠળ લોધીકાના પી.એસ.આઇ. કિરણબા જાડેજાની ટીમ તથા ગોંડલ  તાલુકા પોલીસની ટીમે રાજસ્થાનના ભરતપુરમાં છાપો મારી આરોપી જમશેદ ખાનને દબોચી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ જમશેદખાન આંતર રાજય ટોળકીનો મુખ્ય સુત્રધાર હોવાનું અને તે તેમજ તેના સાગ્રીતો અલગ અલગ ફોર વ્હીલના વાહનોના ફોટાઓ ફેસબુક તથા ઓ.એલ.એકસ સોફટવેર જેવી એપ્લીકેશનમાં મુકી તેમાં મોબાઇલ નંબર લખી વાહન સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરી કોઇ ગ્રાહકનો ફોન આવે તો પોતે આર્મી ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી પોતાની ટ્રાન્સફર થઇ હોવાનું કહી ફોન કરનાર સાથે વિશ્વાસ કેળવી તેની પાસેથી રૂપિયા પોતાના અલગ અલગ ખાતામાં મંગાવી વાહન ન આપી છેતરપીંડી કરતા હતા. આ ટોળકીએ બે વર્ષમાં ગુજરાત સહિત અનેક રાજયોમાં અસંખ્ય ગુન્હાઓ આચરેલ છે.

પકડાયેલ જમશેદખાનએ ગુજરાત સહિત અન્ય રાજયોમાં કેટલા ગુન્હાઓ આચર્યા છે તે અંગે તેની પુછતાછ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં લોધીકાના પી.એસ.આઇ. કિરણબા જાડેજા સાથે એએસઆઇ સુરભીબેન કેશવાળા પો.કો. શીવભદ્રસિંહ ગોહિલ તેમજ ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કો. મદનસિંહ જેઠુસિંહ ચૌહાણ, છત્રપાલસિંહ જે. જાડેજા, ડ્રા. મનદીપસિંહ જાડેજા તથા અભયરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:01 pm IST)