Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કર્મકાંડી ભૂદેવ કમલેશભાઇ અને તેમના પરીવારે કરેલ સામુહીક વિષપાન ઘટનામાં અપુરતી કાર્યવાહીઃ આવેદન

જો ત્રણ દિવસમાં ઉકેલ નહી આવે તો આમરણાંત ઉપવાસની ચીમકીઃ ભોગ બનનાર વિધવા મહિલાએ અન્ન પણ છોડી દીધુઃ બીજો આરોપી રાજેશ વોરા કયારે પકડાશે

રાજકોટ, તા., ૭: કર્મકાંડી ભુદેવ સંગઠનના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી કર્મકાંડી બ્રાહ્મણ કમલેશભાઇ લાંબડીયા તથા તેના પરીવારે કરેલ સામુહીક  વિષપાનની ઘટના અંગે થયેલ અપુરતી તથા વિલંબીત ન્યાયીક કાર્યવાહી અંગે આમરણ અનસન કરવા સંદર્ભે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવેલ હતું તે મુજબ રાજકોટ શહેરના નાનામૌવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર શિવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડી ભૂદેવ કમલેશભાઇ લાબડીયાએ પોતાના પરીવાર સાથે કરેલ સામુહીક વિષપાન કરેલ તે પૈકી પિતા, પુત્ર અને પુત્રી ત્રણેય વ્યકિતઓનું અવસાન થયેલ છે. આ દુઃખદ ઘટનાને એક મહીનાથી વધારે સમય વિતી ચુકયો છે. આ ઘટનામાં સંડોવાયેલ મુખ્ય બે આરોપીઓમાંથી એક દિલીપ કોરાટ પકડાઇ ગયેલ છે પણ બીજો આરોપી રાજેશ વોરા ઉર્ફે રાજુ વોરા (આર.ડી.વોરા) હજુ સુધી પકડાયેલ નથી તઉપરાંત આરોપીએ આગોતરા જામીનની અરજી પણ કરેલ છે.

એક બાજુ એક વિધવા અબળા નારી અને આખો પરીવાર ન્યાય માટે વલખા મારે છે. બીજી બાજુ આવો અક્ષમ્ય અપરાધ કરનાર આરોપી ખુલેઆમ ફરે છે અને કોર્ટમાં અરજીઓ કર્યા રાખે છે અને બીજા આરોપીની જામીન અરજીની સુનવણી હાઇકોર્ટમાં છે ત્યારે કાયદાકીય છટકણીનો લાભ લઇ આરોપીઓ જામીન પર છુટી ન જાય તે માટે ર થી ૩ દિવસમાં કાર્યવાહી કરવા આપને અમારી નમ્ર અરજ છે. અન્યથા આરોપીઓની ધરપકડ થયા કરે અને આરોપીઓને જામીન મળી જાય તો તેવા સંજોગોમાં પરીવારના સભ્યો કર્મકાંડી ભુદેવ સંગઠન રાજકોટ અને બરડાઇ બ્રાહ્મણ સમાજના આગેવાનો આ અન્યાય સામે આમરણ અન્નસન પર બેસીશું. તેમણે જણાવેલ કે ત્રણ દિવસમાં કાર્યવાહી નહી થાય તો ઘરે અથવા જયા મંજુરી મળશે તે સ્થળ ઉપર ઉપવાસ આંદોલન કરાશે. ભોગ બનનારના મહિલાએ અન્ન લેવાનું પણ છોડી દીધું છે. આવેદન દેવામાં  હિરેનભાઇ ત્રિવેદી, ડો. હિરેન જોષી, કમલેશભાઇ ત્રિવેદી, ગોપાલભાઇ જાની, જયેશભાઇ પંડયા વિગેરે જોડાયા હતા.

(2:58 pm IST)