Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મહારાષ્ટ્રના જગડેપાટી ગામના રૂપલાલ શીંદેનું સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલમાં વિનામુલ્યે સફળ ઓપરેશન

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે  અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

   આવું જ એક પેશન્ટ રૂપલાલ સોપાન શીંદે, ઉંમર ૪૫ વર્ષ રહેવાસી  ગામઃ- જગદેપારી તાઃ- કોપરગાંવ ,જીઃ- અહેમદનગર, મહારાષ્ટ્ર નું શ્રી સત્ય સાંઈ  હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે નિદાન માટે આવેલ હતું. પેશન્ટ ખેતીકામ કરે છે. અને આશરે રૂ ૧૨,૦૦૦ માસિક આવક ધરાવે છે. તેમના કુટુંબમાં પત્ની, પુત્ર તથા પુત્રી છે. જેઓ અભ્યાસ કરે છે.

 આ પેશન્ટે મહારાષ્ટ્રમાં ઘૂટી શહેરની  હોસ્પિટલમાં અભિપ્રાય લીધો હતો. પરંતુ આ પ્રકારનું ખુબ જ જટિલ ઓપરેશન તે હોસ્ટિપટલમાં થઇ શકતું ન હતું .આ દરમ્યાન પરિચિત મારફતે તેઓને રાજકોટ હોસ્પિટલની માહિતી મળતા તેઓ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ. રાજકોટ આવ્યા હતા.

 આ પેશન્ટના જરૂરી રિપોર્ટ્સ કરતા નિદાન થયું હતું કે દર્દીના હદયના મુખ્ય વાલ્વની નીચે હદયના ડાબા અને જમણા શ્રેપક વચ્ચેની દીવાલ ખુબ જ જાડી થઈ ગઈ હતી. જેને હિસાબે શરીરમાં લોહીનો પુરવઠો જરૂર મુજબ પહોંચતો ન હતો.

 આ દર્દીને દાખલ કર્યા બાદ વિના મુલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યુ હતું, આ જટિલ HOCM  ઓપરેશન સફળતાપૂર્વક વિનામૂલ્યે કરી દર્દીને નવું જીવન પ્રદાન થયું છે.

  ભગવાન બાબાની અસીમ કૃપાથી દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તા ૫-૬-૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી.

(11:01 am IST)