Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

આજે તો શાસ્ત્રી મેદાનમાં બસમાં આગથી મોટી ઘટના ન થઈ પણ ત્યાં જ પડયા પાથર્યા લોકોને ખસેડવા જરૂરી

ગાળો બોલવી- માથાકુટ કરવી તેમના માટે સામાન્યઃ વર્ષોની માવજતથી ઉછેરેલા વૃક્ષોના થડ પાસે રસોઈ થતી હોય વધુ કોઈ ઘટના બનવાની સંભાવના

રાજકોટ,તા.૬: આજરોજ શહેરના સેન્ટર પોઈન્ટ સમા ત્રિકોણબાગમાં પાર્ક થયેલ ખાનગી ટ્રાવેલ્સની બસ ભડભડ સળગી ઉઠી હતી. આગ અંગેનું કારણ અકબંધ છે. પણ આ આગ મેદાનમાં પડયા પાથર્યા રહેતા કેટલાક લોકો દ્વારા જમવાનું બનાવાયાથી લાગી હોવાનું ચર્ચાય રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ કલેકટર તંત્ર હસ્તકના શાસ્ત્રી મેદાનમાં હાલ એસ.ટી. સ્ટેન્ડ પણ કાર્યરત છે. તેવામાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં લાગેલી આગથી અફડાતફડી મચી ગયેલ સદનશીબે કોઈ મોટો બનાવ બન્યો ન હતો. ફાયર બ્રીગેડ દ્વારા તાત્કાલીક બસની આગ બુઝાવવામાં આવી હતી. ધુમાડાના ગોટે ગોટા છવાય ગયા હતા.

ચર્ચાતી વિગતો મુજબ અમુક લોકોએ શાસ્ત્રી મેદાનને જ પોતાનું કાયમી સરનામુ બનાવી દીધુ છે. આ લોકો કોઈપણ લાજ- શરમ વિના બધી જ દૈનિક ક્રિયાઓ પણ અહીં જ કરે છે. વાત- વાતમાં ગાળા- ગાળી સામાન્ય થઈ ગઈ છે. આસપાસના લોકો વેપારીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ લોકો બપોરે- રાત્રે ઝાડના થડ પાસે જ રસોઈ કરતા હોય છાશવારે વર્ષોથી માવજત બાદ ઉછારાયેલ વૃક્ષો પણ સળગી ઉઠે છે. સ્થાનીકો પોતાની રીતે વૃક્ષની આગ ઠારતા હોય છે. રાત્રે તો ખુબ જ ખરાબ હાલત બની જાય છે. કેફી પદાર્થના નશામાં આ લોકો ધોકા- પાઈપ લઈને રસ્તા ઉપર નિકળી પડતા પણ અચકાતા નથી.

લોકોની લાગણી છે કે આ લોકોને અન્ય આશ્રય સ્થાનોમાં ખસેડી, ગ્રાઉન્ડની દિવાલ ઊંચી કરી સીકયોરીટી ગોઠવી શહેરના હાર્દ સમા શાસ્ત્રી મેદાનને આવી ગેરકાયદે પ્રવૃતિ અને લોકોના માથે કોઈપણ ઘટનાથી ઝળુબંતો ખતરો પણ ટાળવા પગલા લેવા જરૂરી છે.

(3:50 pm IST)