Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

શહેરમાં કોરોનાના કેસો વધતા રાજકોટની HSG હોસ્પિટલના વડાને બોલાવતા કલેકટર : ICU - આઇસોલેશન વોર્ડ ઉભો થશે

હોસ્પિટલના ડોકટર મનીષ અગ્રવાલ - સંજય ભટ્ટ સાથે મીટીંગ : હોસ્પિટલના સત્તાવાળાઓ કેટલી બેડ - સુવિધા અંગે ૧ થી ૨ દિ'માં જવાબ આપશે : સિવિલ - ક્રાઇસ્ટ બાદ તંત્ર દ્વારા વધુ એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સુવિધા ઉભી કરવા કવાયત

રાજકોટ તા. ૬ : શહેરમાં કોરોનાના કેસો વધવા માંડયા છે, આજે સવારે વધુ બે કેસો આવતા શહેરમાં કોરોના કેસોની સંખ્યા ૮૮ ઉપર પહોંચી ગઇ છે.

પરિણામે ગઇકાલે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને શહેરમાં કોવિડ-૧૯ હોસ્પિટલની વધુ એક સુવિધા ઉભી કરવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલી એચએસજી હોસ્પિટલના વડા અને સિનિયર મોસ્ટ ડોકટરને બોલાવ્યા હતા અને તેમની સાથે મીટીંગ કરી હતી.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉમેર્યું હતું કે, શહેરમાં હાલ સિવિલ હોસ્પિટલ અને ક્રાઇસ્ટ હોસ્પિટલ આ બંને સ્થળે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે આઇસીયુ અને આઇસોલેશન વોર્ડની સુવિધા ચાલુ છે, જ્યાં આવી રહેલ દર્દીઓને દાખલ કરાય છે, હવે ત્રીજી એક હોસ્પિટલ તૈયાર કરાશે, આ માટે કલેકટરશ્રીએ એચએસજી હોસ્પિટલના વડા ડો. મનીષ અગ્રવાલ અને ડો. સંજય ભટ્ટ સાથે મીટીંગ યોજી હતી અને આઇસીયુ તથા આઇસોલેશન એક વોર્ડ ઉભો કરવા અંગે સૂચના આપી હતી.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે, આ હોસ્પિટલ અમદાવાદમાં આ પ્રકારની સેવા આપે છે, રાજકોટમાં તેઓ દ્વારા કેટલા બેડ - સુવિધા ઉભી થઇ શકશે તે અંગે હોસ્પિટલના સત્તાવાળાઓ ૧ થી ૨ દિવસમાં એટલે કે લગભગ આજે સાંજે અથવા તો સોમવાર સુધીમાં તંત્રને જાણ કરી દેશે, બાદમાં આ હોસ્પિટલમાં કોવિડ-૧૯ અંગે આઇસોલેશન વોર્ડ શરૂ કરી દેવાશે.

રાજકોટમાં ર૮ થી વધુ હોસ્પીટલમાં કોરોના આઇસોલેશન વોર્ડ માટે તૈયારીઃ HCG હોસ્પીટલમાં ૧૪ બેડની વ્યવસ્થા થઇ શકશેઃ ફી અંગે હવે MOU કરાશેઃ એડી.કલેકટર

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા સીવીલ-ક્રાઇસ્ટ બાદ કોરોના આઇસોલેશન વોર્ડ ઉભો કરવા ત્રીજી હોસ્પીટલ HCG ની તૈયારી શરૂ કરાઇ છેઃ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવેલ કે આપણી પાસે રાજકોટમાં ર૮ થી વધુ હોસ્પીટલમાં કોરોના 'કેર' છેઃ HCGના ડો.મનીષ અગ્રવાલ-ડો.સંજીવ ભટ્ટ સાથે મીટીંગ થઇ છેઃ વધુમાં વધુ આ હોસ્પીટલમાં ૧૪ બેડની વ્યવસ્થા થઇ શકશે જેમાં ર ICU નો પણ સમાવેશઃ હોસ્પીટલમાંથી દરખાસ્ત આવ્યા બાદ ફી અંગે તંત્ર  એમઓયુ કરશેઃ સરકારની ગાઇડલાઇન નિયમો મુજબ  ચુકવણું કરાશેઃ ક્રાઇસ્ટ સાથે ૧૬ મી મે સુધી એમઓયુ હતું તેમાં મુદત વધારાઇ છે. (૪.૯)

(3:28 pm IST)