Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરના મંદિરો ખૂલશે : પ્રસાદ ચડાવવાની મનાઇ : માસ્ક - સેનેટાઇઝર - સોશ્યલ ડીસ્ટન્સ ફરજિયાત

મૂર્તિને અડવાનું નહી : ચપ્પલ - બૂટ ગાડીમાં ઉતારીને આવવાનું : મંદિરના મુખ્ય ગેઇટ ઉપર મેડીકલ સ્કેનીંગ ફરજિયાત : ઘરેથી ચટાઇ - કપડુ લઇ જવુ : પવિત્ર જળ નહી છાંટી શકાય : ધર્મસ્થળોમાં સંગીત વાગશે પણ ભજન-કિર્તન સમારોહ નહિ થઇ શકે : સમયના બોર્ડ ફરજિયાત લગાડવાનાઃ મંદિરમાં એક પછી એક પ્રવેશ આપવાનો રહેશે : આરતીમાં પણ લોકો એકઠા ન થાય તે જોવું : મંદિર, જીનાલય, મસ્જીદ, ચર્ચ કે કોઇપણ ધાર્મિક સ્થળમાં ૬૫ વર્ષથી ઉપરના - ૧૦ વર્ષથી નીચેના - સગર્ભા મહિલાઓ અને કોઇપણ રોગ ધરાવતા વ્યકિતને પ્રવેશની મનાઇ

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત રાજ્યભરમાં સોમવારથી મંદિરો, દેવસ્થાનો, જીનાલયો, ધાર્મિક વિખ્યાત આશ્રમો, મહાદેવ અને જગદંબાના મંદિરો, સંતો - મહંતોના મંદિરો ખૂલશે પરંતુ કોરોના સંદર્ભે કેન્દ્રના ગૃહખાતાએ ત્રણ દિ' પહેલા જબરી જે ગાઇડલાઇન બહાર પાડી છે તેને અનુસરવા અને તે નિયમોનું પાલન થાય તે જોવા દરેક રાજ્ય સરકાર - કલેકટરોને સૂચના આપી છે.

ધાર્મિક સ્થળોમાં પ્રાર્થના સભાનું આયોજન નહીં કરવા અને શ્રધ્ધાળુઓને ઘરેથી ચટાઇ અથવા કપડુ લઇ જવાની સલાહ આપવામાં આવી છે. પ્રસાદ વિતરણ અથવા પવિત્ર જળ છાંટવાની પ્રથા પર પ્રતિબંધ રહેશે. ધર્મસ્થળોમાં સંગીત તો વાગશે પરંતુ કલાકારો એકઠા કરીને ભજન - કિર્તન જેવા સમારોહ આયોજીત થશે નહીં. મૂર્તિઓ, પવિત્ર ધર્મ ગ્રંથોને અડવાની પરવાનગી રહેશે નહીં.

મંદિરમાં આવતા લોકોને પોતાના બુટ - ચપ્પલ પણ વાહનમાં ઉતારીને જ આવવું પડશે, તો મંદિર બહાર રહેલ દુકાનોમાં પણ સોશ્યલ ડીસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે.

મંદિર ખૂલવાના સમય અંગે ફરજીયાત બોર્ડ મારવાનું રહેશે, દરેક ભકતજન માટે મંદિરમાં પ્રવેશ પહેલા, બે વખત હાથ સેનેટાઇઝર કરવા, ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે ફરજિયાત પાલન અને બોર્ડ મારવાના રહેશે.

ઉપરાંત મંદિરમાં ઘંટ - થાળી વગાડવા અંગે મનાઇ ફરમાવાઇ છે, પ્રસાદ - પવિત્ર જળ નહિ છાંટી શકાય, મૂર્તિ અને ધાર્મિક ગ્રંથને હાથ અડાવવાની મનાઇ ફરમાવાઇ છે.

મંદિરના મુખ્ય ગેઇટ પાસે આવનાર ભકતજનોનું થર્મલ ગન દ્વારા ફરજીયાત મેડીકલ ચેકઅપ થશે, કોરોનાના લક્ષણો નહિ મળે તો જ પ્રવેશ અપાશે, માસ્ક પહેર્યુ નહી હોય તેવા એક પણ ભકતજનને પ્રવેશ નહિ અપાય. મંદિર, જીનાલય, દરગાહ, ચર્ચ કે કોઇપણ ધાર્મિક સ્થળમાં ૬૫ વર્ષથી ઉપરના, કોઇપણ રોગ ધરાવતા, સગર્ભા મહિલા અને ૧૦ વર્ષથી નીચેના બાળકને પ્રવેશ નહિ અપાય.

દરેક મંદિરમાં ૬ ફુટનું ડીસ્ટન્સ - ગોળચકડા કરવા, એક પછી એક ભકતને એન્ટ્રી અને બૂટ - ચપ્પલ જો વાહનમાં ન ઉતાર્યા હોય તો મંદિરની બહાર ઉભા કરાયેલ બોકસમાં એક ખાનામાં એક વ્યકિત જ પોતાના જૂતા ઉતારે તે ફરજિયાત કરાયું છે.

દરેક મંદિર ચલાવતી સંસ્થા - ટ્રસ્ટીઓને મંદિરમાં અને મંદિર બહાર કોરોના સામે જાગૃતિ રાખવા અંગેના પોસ્ટર ખાસ ડીસ્પ્લે કરવા સૂચના અપાઇ છે.

ઉપરાંત મંદિરમાં એસી - વેન્ટીલેટર અંગે સીડબલ્યુડીની ગાઇડલાઇન અનુસરવા અને તે માટે નિયમો જાહેર કર્યા છે, જેમાં એસીનું ટેમ્પરેચર ૨૪ થી ૩૦ ડીગ્રી વચ્ચે રાખવા અને ભેજ ૭૦ ટકાની અંદર રહે તે જોવા પણ સૂચના અપાઇ છે.

(3:24 pm IST)